Thursday, May 27, 2010

ડચ-ડચ-ડચ-હી.


એક હતા નાના એવા જયભાઈ. એને હજુ થોડા દિવસથી જ પાપા કરતાં આવડ્યું’તું. આંગણામાં ગાય ઘૂસી જાય તો દાદીમાં ‘ડચ-ડચ-ડચ-હી’ કરીને ગાયને કાઢી મૂકે. તે જોઈ જોઈને જયભાઈને ય આવડી ગયું ડચ-ડચ-ડચ-હી. પછી ઘરમાં પપ્પા પૂછે કે ગાય આવે તો શું કરાય ? જયભાઈ બોલે, ‘‘ડચ-ડચ-ડચ-હી.’’
દાદાય પૂછે કે ગાય આવે તો શું કરાય ?

જયભાઈ બોલે ‘‘ડચ-ડચ-ડચ-હી.’’

દાદીમાંય પૂછે કે ગાય આવે તો શું કરાય ? જયભાઈ બોલે ‘‘ડચ-ડચ-ડચ-હી.’’

અને બધાંય જયભાઈને હેત કરે, શાબાશી આપે. પપ્પા ઓફિસેથી આવે પછી તેમના સ્કૂટર ઉપર જયભાઈને બે આંટા મરાવે. આવી જયભાઈને રોજની ટેવ. એકવાર જયભાઈને ત્યાં પપ્પા પોતાના બે-ત્રણ દોસ્તારો લઈને આવ્યા. આંટા મારવાનો વખત થયેલો પણ પપ્પા તો દોસ્તારો જોડે વાતોમાં પડ્યા’તા. જયભાઈ તો રાહ જોઈને થાક્યા. એટલે એમણે શું કર્યું ખબર છે ?

પપ્પાના દોસ્તારો બેઠા’તા ત્યાં જઈને રૂમની વચ્ચોવચ્ચ ઊભા રહીને ડચ-ડચ-ડચ-હી- બોલવા માંડ્યા. ડચ-ડચ-ડચ-હી બોલતી વખતે પપ્પાના દોસ્તારો તરફ હાથ ઉલાળવા માંડ્યા. દોસ્તારો સમજ્યા કે ડચકારા કરતાં આવડી ગયું છે એમ જયભાઈ દેખાડે છે એટલે એ લોકો વખાણવા માંડ્યા, -‘‘અરે વાહ ! ડચકારા આવડી ગયા? હોશિયાર છે જયભાઈ તો !’’ એટલે જયભાઈએ ઉંઉંઉં-ઈંઈંઈં-એમ જરાક રડવાનો અવાજ કરીને વિરોધ નોંધાવ્યો. અને ફરીથી ડચ-ડચ-ડચ-હી કરવાનું શરૂ કર્યું, એ વખતે જ તેમનાં મમ્મી ચા દેવા આવ્યાં. તે સમજી ગયાં કે જયને આ મહેમાનો બેઠા છે તે નથી ગમતું. મમ્મીએ સમજાવ્યું કે ગાયને જ ડચ-ડચ-ડચ-હી કહેવાય. મહેમાનો આવેને તો એમને ‘‘જેજે’’ કહેવાય અને જાય ત્યારે બાય બાય-ટાટા એમ કહેવાય. જયભાઈતો મહેમાનો બેઠા’તા ત્યાં જ બાય-બાય-ટાટા કહેવાનું શરૂ કર્યું એટલે પછી મહેમાનો ઊભા થયા અને ગયા. એટલે જયભાઈએ નાનકડા હાથથી તાળીઓ પાડી. આમ, જયભાઈ જીત્યા. બાળારાજાની- જય.
ર્ડા. રક્ષાબહેન પ્ર.દવે