Thursday, May 27, 2010
‘‘ધોળું કબૂડું’’
‘‘હમા બા, હમા બા જલદી આવો, જુઓ બારીમાંથી આ કબૂડું ઘરમાં આવી અમારા કબાટ ઉપર બેઠું. એનું ગીત બનાવો.’’ બે વર્ષનાં મૈત્રીબહેને સાદ પાડીને પોતાના ઓરડામાં તેનાં હમાબાને બોલાવ્યાં. આ હમાબા મૈત્રીબહેનના પપ્પાનાં ફઈબા હતાં. તે બહુ ગીતો બનાવતાં અને ગાતાં એટલે જયારે એ બે-ત્રણ દિવસ માટે મૈત્રીબહેનને ઘરે આવે ત્યારે મૈત્રી બહેન સાંભળી સાંભળીને તેમની પાસેથી ગીતો શીખી જતાં. જે કોઈ વાતથી મૈત્રીબહેન ખુશ થતાં તેને વિશે ગીત બનાવવાનું કહેતાં અને હમાબા પણ એવાં કે તરત ગીત બનાવી ગાવા મંડતા. એમ, આજે પણ ગાવા માંડયાં.
કોનું ગીત બનાવવાનું મૈત્રીબહેને કહ્યું’તું ? ‘‘હા, કબુડાનું ગીત’’ તો હમાબા ગીત ગાવા માંડ્યા :-
આકાશે જે ઊડતું’તું તે બારીએ આવી બેઠું,
બારીમાંથી અંદર આવી કબાટ ઉપર બેઠું.
કબડું ઘુઘ્ઘુ ઘૂ, કબુડું ઘુઘ્ઘુ ઘૂ.
ઉ..... ઉ..... ઉ..... ઉ.....
ભૂરી એની પાંખ અને ઉપર છે કાળા પટ્ટા.
રાતી એની આંખ, ગળામાં રંગોના છે છાંટા.
કબૂડું ઘુઘ્ઘુ ઘૂ, કબૂડું ઘુઘ્ઘુ ઘૂ.
આલ્લે ! બધ્ધાં ભૂરિયાં વચ્ચે એક ધોળિયું ધફ્ફ !
ભરરર કરતાં ઊંડયાં, જયાં મેં તાળી પાડી ટપ્પ.
કબૂડું ઘુઘ્ઘુ ઘૂ, કબૂડું ઘુઘ્ઘુ ઘૂ.
હજુ તો ગીત ગવાતું’તું ત્યાં મૈત્રીએ પૂછયું, ‘‘આ એક કબૂડું કેમ ધોળું હશે ?’’ હમાબા કોઈ જવાબ શોધે ત્યાં તો મૈત્રીબહેને બીજો હલ્લો કર્યો, ‘‘આ એક કબૂડું ધોળું કેમ છે ?-એની વાર્તા કરો.’’
અને હમાબાએ વાર્તા શરૂ કરી, ‘‘એવું છે ને કે આ ધોળું કબૂડું પણ પહેલાં તો ભૂરિયું જ હતું. તેની ભૂરી પાંખ ઉપર કાળા જ પટ્ટા હતા. અને ગળા પર રંગોની છાંટ હતી. પણ એકવાર મકરસંક્રાંતિનો તહેવાર આવ્યો. તેમાં છોકરાંઓ આકાશમાં શું ઊડાડે છે ? હાં, પતંગ ઉડાડે છે, તો તે દિવસે પણ છોકરાઓ કાચ પાયેલા દોરાથી પતંગ ઉડાડતાં હતાં, તેમાથી એક છોકરાના પતંગની દોરી આકાશમાં ઊડતા એક ભૂરિયાની પાંખમાં ભરાઈ ગઈ. અને ભૂરિયું બિચારું ગડથોલિયું ખાઈને નીચે પડ્યું. અને એની પાંખ, ધારદાર દોરને કારણે કપાઈ ગઈ. બિચારું ઘાયલ થઈને નીચે પડ્યું પડ્યું રોવા માંડ્યું. તેનો રડવાનો અવાજ આ ધોળા કબૂતરભાઈ જે પહેલાં ભૂરા હતાને !- તેમણે સાંભળ્યો. એટલે ત્યાં ગયા. તેમને આ પાંખ કાઢીને ઘાયલ કબૂતરના પડખામાં વળગાળી દીધી હવે પોતે થઈ ગયું એક પાંખ વિનાનું હવે બાકી રહેલી એક પાંખથી તો કેવી રીતે ઉડાય. ? એટલે એ તો બિચારું જમીન ઉપર બેઠું. હવે તો મરવાની જ વખત હોય.કાળિયો કૂતરો આવ્યો. એ-એ-એ- કબૂડાને મોઢામાં ઉપાડ્યું-ઉપાડ્યું. પણ ના હો, એ ઉપાડે તે પહેલાં તો એક જાદુ થયું આકાશમાંથી એક પરી આવી કૂતરાને હડહડ કરીને કાઢી મૂક્યું. અને કબૂડાને હાથમાં લઈને પોતાની ધોળી ધોળી ઓઢણીથી લૂછ્યું, પંપાળ્યું અને કબૂડાના પાંખમાં ફૂક મારી. એટલે જાદુ થયું. શું થયું હશે ?
‘‘હા, એને પાંખ ઊગી ગઈ. કેટલાં જાદુ થયાં ? બે જાદુ થયાં. એક, પરી આવી તે. બીજું, કબૂને પાંખ ઊગી ગઈ તે. પણ સાંભળો, એક ત્રીજુંય જાદું થયું. પરી બહેન તો એવું હોય ને કે એ જેને અડેને તેને ય એ પોતાની જેવું જ ઊજળું ઊજળું કરી દે. પરી કોઈ દિવસ ખોટું ન બોલે પરી કોઈ દિવસ કોઈને હેરાન ન કરે. પરી હંમેશા બધાંનું સારું થાય એમ ઈચ્છે તેથી જેજેબાપાએ પરીબહેનને વરદાન આપ્યું છે કે તમે જેને અડશો તે તમારી જેવું ધોળું ધોળું થઈ જશે. જાઓ, પરીબહેન, બધાંને તમારી જેવાં ઊજળાં કરો. એટલે આ ભૂરું કબડું પણ ધોળું ધોળું થઈ ગયું. તેણે પેલા પાંખ કપાયેલા કબૂડાને પોતાની પાંખ આપી દીધી ને ! આવું સારું કામ કરે તેને બચાવવા જેજેબાપા પરીબહેનને મોકલે છે. અને પરીબહેન જેને બચાવે તેને ઊજળું ઊજળું બનાવી દે છે.’’
બધાં ભૂરિયાં વચ્ચે એક ધોળિયું ધફ્ફ !
ભરર કરતાં ઊડ્યાં જયાં મેં તાળી પાડી ટપ્પ. કબૂડું ઘુઘ્ઘુ ઘૂ કબૂડું ઘુઘ્ઘુ ઘૂ.
- ર્ડા. રક્ષાબહેન પ્ર. દવે