Thursday, May 27, 2010

તાળામાં ચાવી


બે વર્ષનાં મૈત્રી બહેનને તેમનાં મોટાં ફઈબાએ પોતાની પેટી દેખાડીને કહયું કે આમાં તમારે માટે ચાર રમક્ડાં લાવી છું. પણ પેટી ખૂલતી નથી કારણ કે એને તાળું માર્યું છે. તો તાળું ખોલવા માટે શું કરવું પડે ? તેમાં ચાવી ભરાવવી પડે. અને ગોળ ફેરવવી પડે. પછી ફઈબાએ પોતાના ડાબા હાથની હથેળીમાં જમણા હાથની પહોળી આંગળી ચાવીની જેમ ગોળગોળ ફેરવી. અને એમ કરતાં કરતાં ગાયું કે

તાળામાં ચાવી, તાળામાં ચાવી.
બડી મજા આવી, બડી મજા આવી.
ખૂલી ગયું તાળું, પેટીમાં શું ભાળું ?
ચાર રમકડાં ભાળું
સસલું બહુ રૂપાળું, એક કૂતરું કાળું,
હરણું શિંગડિયાળું, રીંછ રૂંછાંવાળું.
તાળામાં ચાવી, તાળામાં ચાવી.’’

મૈત્રીબહેને આખું જોડકણું ઝીલ્યું અને શીખી લીધું. પછીતો તાળામાં ચાવી-બોલતાં બોલતાં તો જ ફોઈબાએ પેટીના તાળામાં ચાવી ફેરવી અને તાળું ખોલ્યું. પછી પેટી ખોલી તો એમાંથી ચાર રમક્ડાં નીકળ્યાં. કયાં ચાર રમક્ડાં ?

‘‘સસલું બહુ રૂપાળું, એક કૂતરું કાળું, હરણ શિંગડિયાળું, રીંછ રૂંછાંવાળું.’’
પછી તો આખો દિવસ રમક્ડાંથી રમતાં રમતાં પણ મૈત્રીબહેને ગાયા કર્યું કે..

‘‘તાળામાં ચાવી, તાળામાં ચાવી.
બડી મજા આવી, બડી મજા આવી.
ખૂલી ગયું તાળું, પેટીમાં શું ભાળું ?
ચાર રમક્ડાં ભાળું,ચાર રમક્ડાં ભાળું.
સસલું બહુ રૂપાળું, એક કૂતરું કાળું,
હરણું શિંગડિયાળું, રીંછ રૂંછાંવાળું.
તાળામાં ચાવી, તાળામાં ચાવી.’’

એમ ગપ્પાં મારતાં તો રાત પડી. મૈત્રીબહેન ઊંધી ગયાં. પણ ઊંધમાં એમને એક સપનું આવ્યું. સપનામાં પરી બહેન આવ્યાં. અને મૈત્રીબહેનને તેડીને ચાંદામામાને ઘરે લઈ ગયાં. પણ ચાંદામામાને બારણે તાળું. મૈત્રીબહેન તો પોતાના ડાબા હાથમાં જમણા હાથની પહેલી આંગળી ચાવીની જેમ ફેરવતાં ફેરવતાં ગાવાનું શરૂ કર્યું ?

‘‘તાળામાં ચાવી,તાળામાં ચાવી,
બડિ મજા આવી, બડિ મજા આવી,
ખૂલી ગયું તાળું, પેટીમાં શું ભાળું ?
ચાર રમક્ડાં ભાળું. ચાર રમક્ડાં ભાળું.
સસલું બહુ રૂપાલું, એક કૂતરું કાળું,
હરણું શિંગડિયાળું, રીંછ રૂંછાંવાળું.
તાળામાં ચાવી, તાળામાં ચાવી.

અને જાદું થયું હો ભાઈ, ચાંદામામાના બારણાનું તાળું ખૂલી ગયું, બારણું ખૂલતાં જ ચાંદામામાના ઘરમાંથી એક સસલું દોડતું,દોડતું આવી મૈત્રીબહેનને વળગી પડ્યું;‘‘મૈત્રી બહેન, મૈત્રી બહેન,મને આ કાળું કૂતરું ખાવા આવે છે. મને ડર લાગે છે.’’

મૈત્રીબહેન તો ‘‘હટ.’’ એમ જોસથી બૂમ પાડી. કેમ પાડી ? ‘‘હટ’’ હા. એમ બૂમ પાડી એટલે કૂતરું તો ભાગી ગયું. સસલું મૈત્રીબહેબનના હાથમાંથી નીચે ઊતર્યું ત્યાં તો ચાંદામામાના ઘરમાંથી એક હરણું દોડતું દોડતું આવ્યું. કેવું હતું હરણું ?

‘‘હરણું શિંગડિયાળું’’ હં શાબાશ, શિંગડાંવાળું હરણ પણ મૈત્રીબહેન મને રીંછ ખાવા આવે છે.મને ડર લાગે છે.’’ મૈત્રીબહેન તો ‘‘હટ’’ એમ જોશથી બૂમ પાડી. કેમ બૂમ પાડી ? ‘‘હટ’’ હં બરોબર મૈત્રીબહેનની બૂમ સાંભળી રીંછ ભાગી ગયું. કેવું હતું રીંછ ? ‘‘રીંછ રૂંછાંવાળું.’’ હા, બરોબર છે. રૂંછાંવાળું રીંછ ભાગી ગયું એટલે હરણ નીચે ઊતર્યું. પછી તો મૈત્રીબહેન સસલા જોડે અને હરણ જોડે ખૂબ રમ્યાં, પણ સવાર પડવા આવી હતી તેથી પરીબહેને મૈત્રીબહેનને દૂધ પાયું. મૈત્રીબહેનને તો ઊંઘ આવવા મંડી તેથી વાદળની ગાદલી ઉપર સૂઈ ગયાં. એટલે પરી બહેન તેમને હળવેકથી ઊંચકીને તેમની મમ્મીની પડખે સુવાડી ગયાં.
સવારે ઊઠેને તરત મૈત્રીબહેન જોડ્કણું ગાવા મંડ્યાં કે ..

‘‘તાળામાં ચાવી, તાળામાં ચાવી.
બડી મજા આવી, બડી મજા આવી.
ખૂલી ગયું તાળું, પેટીમાં શું ભાળું ?
ચાર રમક્ડાં ભાળું. ચાર રમક્ડાં ભાળું.
સસલું બહુ રૂપાળું, એક કૂતરું કાળું,
હરણું શિંગડિયાળું, રીંછ રૂંછાંવાળું.’’

મૈત્રીબહેન ફઈબાને કહેવા લાગ્યાં કે ‘‘આ રીંછ-હરણ-કૂતરું-સસલું મને મળ્યાં તાં હો.’’ ફઈબા કહે, ‘‘એમ ? કયાં મળ્યાં હતાં ?’’

મૈત્રીબહેન કહે, ‘‘હું રાતે ચાંદામામાને ઘેર ગઈ‘તી. ત્યાં મળ્યાં’ તાં.

ર્ડા. રક્ષાબહેન પ્ર.દવે