Thursday, May 27, 2010

ટંકોરી


જયભાઈનાં મમ્મીનાં ફઈબા જયભાઈને બહુ હેત કરે. જ્યારે તેમના ઘરે આવે ત્યારે જયભાઈ માટે કાંઈક ને કાંઈક લેતાં આવે. હોંકે. કાં મમ મમ લાવે કાં રમક્ડું લાવે. જયભાઈ એમને બા કહે. અને બા એમને નાનું બટું કહે.
જયભાઈ ફઈબાને શું કહે ? ‘‘બા’’
બા જયભાઈને શું કહે ? ‘‘નાનું બટું’’
હા..શાબાશ.. જયભાઈ હોંશિયાર છે. એક વખત આ બા એક નાનો સ્ટીલનો પ્યાલો લાવ્યાં. તેમાં સરસ મજાનો સોનેરી રંગનો પટ્ટો દોરેલો હતો. તે પ્યાલો એવો હતો ને કે તેને હલાવીએ એટલે તે ટન-ટન-ટન વાગતો‘તો. જયભાઈ એમાં દૂધ પીએ ત્યારે પણ પ્યાલો જરાક હલે એટલે તેના બે પડ વચ્ચે મૂકેલો કાંકરો ટન-ટન અવાજ કરવા માંડે. આ સારું.. પ્યાલાનો પ્યાલો અને વળી ઘૂઘરાનો ઘૂઘરો ! જયભાઈને તો પ્યાલો એટલો ગમ્યો કે રાતે એને સાથે રાખીને સૂતા. સવારે જયભાઈ ઊઠે તે પહેલાં મમ્મીએ પૂજાઆરતી કરી નાખ્યાં હોય. પણ આજે તો એવું થયું કે મમ્મી ટન-ટન-ટન ટંકોરી વગાડતી’તી એ સાંભળીને જયભાઈ ઊઠી ગયા. અને પોતાનો નાનકડો ટણટણિયો પ્યાલો લઈને મમ્મી પાસે પલાંઠી વાળીને બેસી ગયા અને મંડી પડ્યા પ્યાલો વગાડવા.
તે જોઈને મમ્મી તો હસી પડી, પણ જેજેબાપાએ હસી પડ્યા. પછી મમ્મીએ જયભાઈ ને બહુ હેત કર્યું અને પ્રસાદીનો પેંડો ખાવા આપ્યો.
ર્ડા. રક્ષાબહેન પ્ર. દવે