Friday, April 23, 2010

ડાહયો સોલોન


ક્રીસસ લિડિયાનો રાજા હતો. ખજાનાની ભીંતો સોના-રૂપાથી ફાટી જતી હતી; એના મહેલના ઓરડાઓમાં સોનાની રજ છાંટી હતી. દુનિયા આખીના મુસાફરોને પોતાની આ બેપૃર સમૃદ્ધિ, બતાવવાનો એને શોખ હતો; સૌ જોઇને કહેતાં ’’ આહાહાહા, શું સમૃદ્ધિ, કેવું સુખ!’’

એક દિવસે એને ખબર મળ્યા કે એના જમાનામાં સાત ડાહ્યામાં ગણાતો સોલોન એની રાજધાનીમાં આવ્‍યો હતો. એણે પોતાનો મહેલ જોવા એને આમંત્રણ આપ્‍યુ. એશિયામાઇનરના આરસનો એ મહેલ હતો; આરસનો એ મહેલ હતો; શોભામાં કાંઇ મણા ન હતી. સોલોન તો આવતો હતો એન્‍થેસમાંથી. ત્‍યાં તો ડુંગરા ને દરિયાની શોભા હતી. પણ ધનની ઝાક-ઝમાળ શોભા હજુ જન્‍મી નહોતી, એટલે સુંદર ઘરેણા ને વસ્‍ત્રોમાં દીપતા દરેક નોકરોને જોઇ એને થતું કે ’’ આ રાજા હશે.’’ પહેલા એને ખજાનો બતાવ્‍યો, ઝળહળતા હીરા-માણેક, નીલમ, મણિ, મોતીના તેજથી જ ખજાનો પ્રકાશિત હતો. બીજા દીવાની ત્‍યાં જરૂર નહોતી. સોનું-રૂપું તો સૂંડલે લેવાય તેટલું હતું. ક્રીસર્સ પાસે લઇ ગયા ત્‍યારે એ પણ હીરામાણેકથી લદાઈ ને બેઠો હતો. સોલોનને એણે આવકાર આપ્‍યો ને પછી પૂછયું :

’’ મારા કરતાં વધારે કોઇ સુખિયો તમે જોયો છે. ? ’’

’’ રાજન, કુદરતે જેમ અમને જમીન સાધારણ આપી છે તેમજ બુધ્‍ધિ પણ સાધારણ આપી છે. પણ એથેન્‍સ પાસેના એક ગામડામાં એક ખેડૂત હતો તે મને અપાર સુખિયો લાગ્‍યો છે.’’

’’ એની પાસે શું હતું ? ’’

’’ નાનું એવું ખેતર, સુશીલ સ્‍ત્રી ને સ્‍નેહાળ બાળકો હતાં. હતો ગરીબ, પણ મહેનત કરે તો જોઇએ તેટલું મળી રહેતું. તે દેશને ખાતર એક લડાઇમાં મરાયો. એના પડોશીઓ આજેય એને સંભારે છે.’’

ક્રીસસે મોં મરડીને કહ્યું, ‘‘એ તો ઠીક, બીજો કોઇ સુખિયો આ તમારી મુસાફરીમાં જોયો ?’’

’’હા, બે ભાઇઓને જોયા. એની માએ મંદિરમાં પહેલા પહોરે જઇને પૂજા કરવાનું નકકી કર્યું હતું. સવારમાં તપાસ કરી તો બળદો રાત્રે ચરવા ચાલ્‍યા ગયા હતા. તરત આવે તેમ ન હતા. એટલે માની બાધા અફળ ન જાય તેટલા સારુ બંને છોકરાઓએ માને ગાડામાં બેસાડીને ધુંસરે જૂતી ગાડું દોડાવી મૂકયું-ઠેઠ મંદિરના આંગણા સુધી. માએ એને આશીર્વાદ આપ્‍યા; ગામે એમને ધન્‍યવાદ આપ્‍યા, સૌએ સાથે બેસીને ખાધું. તે જ રાત્રે બંને મરી ગયા. એમને હું મહાસુખિયા કહું છું.’’

રાજાએ કહયું, ’’ ને હું ’’

’’ અમે ગ્રીકો જયાં સુધી માણસ જીવતો હોય છે ત્‍યાં સુધી એ સુખિયો છે કે નહિ તે કહેતા નથી. કારણ કે કઇ ઘડીયે એના પર આગલાં સઘળા સુખોને ભુલાવે તેવું દુ:ખ નહિ આવી પડે તેમ કેમ કહેવાય! જે મલ્‍લ હજુ કુસ્‍તીના અખાડામાંથી બહાર નથી નીકળ્યો તેને વિજયમાળા પહેરાવવી તે બિનસલામત છે.’’

ક્રીસસને આ ગમ્‍યું નહિ. પણ થોડા દહાડામાં જ એને સોલોનનું ડહાપણ દેખાયું. ઇરાનના મહાવિજેતા સાયરસે એના પર હુમલો કર્યો. ક્રીસસને કેદ કરી જીવતો બાળી મુકવા માટે ચિતા પાસે લાવ્‍યા ત્‍યારે એણે મોટેથી ’’સોલોન, સોલોન, સોલોન’’ એમ કહયું. આ જોઇને સાયરસે આમ બોલવાનું કારણ પછયું ત્‍યારે ક્રીસસે વાત કરીને કહયું, ’’ મે એની પાસેથી કંઇક શીખવા માટે બોલાવ્‍યો નહોતો, મારો વૈભવ બતાવવા બોલાવ્‍યો. પણ છતાં અત્‍યારે મને લાગે છે કે એ મને શીખવી ગયો છે.

સાયરસ ક્રીસસ કરતાં ડાહયો હતો. એણે સોલોનની વાતમાં સત્‍ય જોયું. ને ક્રીસસને મુકત કરી માનભેર રાખ્‍યો. પણ રાજય પાછું ન આપ્‍યું’ નેકહ્યું,‘‘ એનાથી કાંઇ તમે વધુ સુખી નહિ થાઓ.’’

આમ સોલોનની એક જ વાતે એક રાજાને બચાવ્‍યો ને બીજાને શિખામણ આપી.

સોલોન એ વખતની દુનિયામાં ખૂબ ફર્યો હતો; ને વેપારી તરીકે ફર્યો હતો. એટલે ગરથ અને જ્ઞાન બંને મેળવ્‍યા હતાં. કવિતાઓ લખવી તે એનો મોટો આનંદ હતો એક કવિતામાં કહે છે.

કેટલાક દુષ્‍ટ છતાં પૈસાવાળા છે, ને કેટલાક ભલા છતાં ગરીબ છે

અમે તો અમારા ભલાઇના ધનનું એમના ધન જોડે સાટું કરવા તૈયાર નથી. એક બીજી કડીમાં કહે છે.

કારણ કે, અમારું ધન કોંઇ હરી જતું નથી ને એમનું ધન તો દિવસમાં દસવાર હાથબદલા કરે છે.

ધન અને જ્ઞાનથી સમૃધ્‍ધ થયેલા સોલોનને લોકોએ એક પ્રવાસથી પાછા આવે ત્‍યારે રાજા થવાનું આમત્રંણ આપ્‍યું ત્‍યારે એણે કહયું, ’’ ના એટલે બધે ઊંચે નહિ, ત્‍યાંથી પાછું ઉતરવું બહુ કઠણ છે.’’

પણ સમય એવો હતો કે સોલોનને એથેન્‍સના વહીવટમાં કોઇક રીતે પડયા સિવાય ચાલે તેમ ન હતું. એણે જોયુ ચારે બાજુ વિગ્રહની ધમકી ને વૈરની આગ વેરાયેલાં હતાં.

સોલોનના કાળમાં એથેન્‍સ ગરીબ રાજય હતું. ને એથેન્‍સ-એટીકાનો મુલક ફળદ્રુપ નથી. જમીન બહુ હલકા દળની છે, ડુંગરામાં ખાસ કોઇ કિંમતી ખનીજો નથી. ફકત ખેતી પર જ ત્‍યાંના લોકોનો આધાર હતો. આ ખેતી દહાડે દહાડે ભાંગતી જતી હતી. કારણ કે વસ્‍તીના વધારાની જોડાજોડ ખેતીના ટુકડા પડતા જતાં હતા. ને દરેક ટુકડો ધીમે ધીમે વ્‍યાજખોર જમીનદારોના હાથમાં સરતો જતો હતો. એ જમાનામાં દેણું વસુલ કરવાનો રિવાજ અતિશય કઠોર હતો. લેણદાર દેણદારને ગુલામ તરીકે કામ કરાવી શકતો ને વેચી શકતો. એવી જ રીતે દેણદાર પોતાના અપરણીત દીકરા દીકરીને ઘરેણે મૂકી પણ શકતો. કસ વિનાની જમીન. કઠોર જમીનદારો ને ભારે વ્‍યાજના દરો-ત્રણે ભેગાં થઇને ગ્રીક ખેડુને ગુલામની સ્‍થિતિમાં મૂકી દેતાં. આમાંથી છટકવા સેકંડો લોકો બીજા સંસ્‍થાનોમાં નાસી ગયા હતા. રાજય પણ આને દાદ દે તેમ ન હતું. કારણ કે જમીનદારોના હાથમાં જ બધી રાજસત્‍તા હતી. ગરીબોના હાથમાં તો મહેનતના ફોલ્‍લાના ચાઠાં જ રહેતા. છેવટે એકવાર બળવો થયો પણ ઉમરાવોએ એને ઝડપથી દબાવી દીધો. બળવાખોરો એક્રોપોલીસના મંદિરમાં ભરાયા. એક્રોપોલીસ પવિત્રધામ હતું. તેના કોટની અંદર બેઠેલો માણસ એપોલોને ખોળે બેઠેલો ગણાતો; એ અવધ્‍ય મનાતો. ઉમરાવોએ ફરતો ઘેરો ઘાલ્‍યો, પણ અંદર ભરાઇ બેઠેલાઓએ નમતું ન આપ્‍યું. છેવટે એમને કહયું- ’’તમને મારી નહિ નાખીએ, અદાલત પાસે હાજર થાઓ.’’

’’અદાલત પાસે આવવાની અમારી ના નથી. પણ મંદિરમાંથી બહાર નીકળશું નહિ. અહીં અદાલત ભરો.’’ ’’એમ કરો તમે મંદિરમાં એક સૂતરનો તાંતણો બાંધો. એ પકડી છેક અદાલત સુધી આવો. તમે એપોલોના રક્ષણ નીચે ગણાવો એટલે કોઇ તમને ઘા કરશે નહિ.’’

બળવાખોરો માન્‍યા. એ એપોલોના પગ આગળ એક દોરો બાંધી એને પકડી સૌ બહાર નીકળ્યા. હતો તો સૂતરનો દોરો પણ એપોલોના પગ સાથે બંધાયો હતો. એટલે બધા નિર્ભય હતા. એમાં અધવચે કોઇએ તાર તોડી નાખ્‍યો. સંધાણ તુટી ગયું. ને બધા અમીરો પેલાઓ પર તૂટી પડયા, ત્‍યાં ને ત્‍યાં બધા કતલ થઇ ચૂકયા.

પણ એથેન્‍સમાં હાહાકાર વર્તી ગયો. ગરીબ ખેડૂતો, અર્ધ ગુલામો સૌ ઉકળી ઉઠયા. આવો વિશ્‍વાસઘાત! આવી શઠતા! એપોલો સાથે છળપ્રપંચ! એથેન્‍સ એપોલોના રક્ષણ નીચે હતું. એક્રોપોલીસના દેવદેવીઓ જ એથેન્‍સનું રખેવાળું કરતા હતા. માણસના મનને વાંચી જનારાએ દેવતાઓ શું આ નહિ જુએ! જો જોશે તો કેમ સાંખી રહેશે! ’’દેવોને છેહ દેનારાને જ અદાલત પાસે ખડા કરવા જોઇએ.’’ કહેનાર હતો સોલોન. એની દ્રષ્‍ટિએ આ મહાઅપરાધ હતો. એણે લોકોની આગેવાની લીધી. ગામ હાલકલોલ થઇ ગયું. ઉમરાવો પણ લોકોના ક્રોધને દેવતાના શાપથી બીધા. એમણે સોલોનને જ પંચ નીમ્‍યો. રાજા થવા કરતાં આ ઠીક હતું. સૌથી પહેલા તો એણે ગુલામ બળવાખોરોને કતલ કરનારા ઉમરાવોને દેશનિકાલ કર્યા. ને પછી આ ઝઘડાનો કાયમી ઉકેલ શોધવામાં ચિત્‍ત પરોવ્‍યું.

દુનિયામાં રાજપ્રકરણી આગેવાનો ઘણા થયા છે પણ રાજનીતિજ્ઞ પુરુષો બહુ ઓછા થયા છે. સોલોનનું સ્‍થાન એ બહુ ઓછામાં પણ બહુ ઊચુ છે. એણે એથેન્‍સને જે આપ્‍યું, તેણે એથેન્‍સમાં નવો યુગ સ્‍થાપ્‍યો. ને સૈકાઓ સુધી શાંતિ આપી.

રાજનીતિ ને અર્થશાસ્‍ત્ર વચ્‍ચે રહેલો ગાઢ સંબંધ જોનાર એ પહેલો મહાપુરુષ હતો. એણે જોયું કે આ બધા આંતરવિગ્રહનું મૂળ આર્થિક હતું. લોકો પાસે પૂરી જમીન ન હતી. ને હતી તે પણ સત્‍તાને અભાવે હાથમાંથી સરી જવાની અણી પર હતી. લોકોને સંપત્‍તિ આપ્‍યે ચાલે તેમ ન હતું. તેમ જ એકલી સત્‍તા આપ્‍યે પણ કાંઇ મળે તેમ ન હતું. જો આમવર્ગને સુખી કરવો હોય તો સંપત્‍તિને સત્‍તા બંને એના હાથમાં મૂકવા જોઇએ. જયાં વહેંચવા માટે પૂરી સંપત્‍તિ નથી ત્‍યાં સત્‍તાથી શું વળે ? કલહ થાય જ. લોકોને રાજકીય સત્‍તા વગર સંપત્‍તિ આપવનું પગલું એણે ન ભયુઁ, તેમ જ ભૌતિક સુખસગવડો આપ્‍યા વિનાની રાજકીય સત્‍તા આપવાનું પણ એણે નહિ વિચાર્યુ. એણે સૌથી પહેલાતો દેણું માત્ર માફ કરી નાખ્‍યું.-કોઇ ખેડુ કોઇનો દેણદાર ન રહયો. એને અંગે ગુલામ થયેલાને પણ મુકત કર્યા - પણ આ બધા છુટેલા ફરી પાછા ગુલામીમાં સપડાય તેમ એ ઇચ્‍છતો ન હતો. એટલે વ્‍યાજનો આકરો દર લેવાની એણે બંધી કરી ને દેણા પેટે ગુલામ બનાવવાની પણ મનાઇ કરી, પણ પાયાનો પ્રશ્‍ન-જમીન આટલા બધાને સમાવી શકે તેમ ન હતી-તે હતો. એટલે એણે નાના હસ્‍તઉધ્‍યોગોને ઉત્‍તેજન આપવાનું શરૂ કર્યુ. જે બાપ પોતાના દીકરાને એકાદ કારીગરી ન શીખવે એને પોષવા માટે દીકરો બંધાયેલો જ નથી તેવો કાયદો કર્યો. થોડા વખતમાં એથેન્‍સ હાથથી ચાલતા કારખાનાઓથી ભરાઇ ગયું; બધા લોકોને જીવનની મુખ્‍ય જરૂરિયાતની વસ્‍તુ સસ્‍તી મળે એટલા ખાતર એણે ઓલીવના તેલ સિવાયનું બીજું ખેતીનું ઉત્‍પન્‍ન બહાર ચડાવવાની મનાઇ કરી. પણ આ સુધારાને રજકીય સતા વિના ટકાવવા અઘરું હતું. કાયદા કરવા-ન્‍યાય ચૂકવવો, વહીવટ કરવો-એ બધું તો કુલીનોનું કામ હતું. ખાનદાન કુટુંબોને જ એ અધિકાર હતો. સોલોને નવેસરથી જ વસ્તી ગણતરી કરીને જુદી રીતે વર્ગો પડયા-પહેલા કોણ લશ્‍કરમાં ઘોડા કે હથિયારો આપી શકે છે તે જોઇને, અધિકારો ની વહેંચણી થઇ હતી. સોલોને તેને બદલે આવક પર રાજકીય અધિકારો ઠરાવ્‍યા. વ્‍યાપાર કે ખેતીમાં જે સંપત્‍તિ એ પેદા કરતો હોય તેના પર એનો અધિકાર ને કરભારણ ઠયાઁ. વિશેષ જેની આવક હતી તેને હકક વધારે હતા તેમ જ જવાબદારી ને કર ભરવાનો પણ વધારે હતો. છેલ્‍લો વર્ગ જે ગરીબોનો હતો- જે કશો કર ભરવાના ન હોતા તે લોકોને પણ અધિકાર હતો, ને તે ન્‍યાયાધીશો-ને બીજા વહીવટદારોના વહીવટની વર્ષને અંતે તપાસ કરવાનો. સામાન્‍ય ન્‍યાય ચુકવવાનું કામ જે ન્‍યાયાધીશો કરતા તેને બદલે સોલોને એ સત્‍તા સમગ્ર લોકસભાને આપી ને પ્રજાસત્‍તાનોએ પાયો નીવડી. ગરીબ લોકો સોલોનના કાયદા પ્રમાણે સેનાપતિ કે વહીવટદાર નહોતા બની શકતા પણ એમના કાર્યની તપાસ-ને જરૂર લાગે સજા કરી શકતા હતા. અને પરિણામે આમવર્ગની ફરિયાદો ને જરૂરિયાતોને ધ્‍યાનમાં રાખ્‍યા વગર કોઇ પણ અમલદાર વહીવટ ચલાવી શકે તેવું ન રહયું. ઉપરાંત કાયદાના ગમે તેવા અર્થો કરીને ઉમેરાવોના તંત્રમાં એમની અદાલતો લોકોને ભયમાં સપડાવતી તે પણ લોકસભાના હાથમાં ન્‍યાયસત્‍તા જતાં ટળી ગયું. કારણ કે એ સભાનો હરેક એથેનિયન સભ્‍ય હતો. ને વારા ફરતી સૌએ એમાં બેસવાનું હતું. સૌથી મહત્‍વની અસર તો એ થઇ કે એથેન્‍સના લોકો કુળ-કબીલામાં વહેંચાયલા હતા, તેના બદલે આર્થિક વર્ગોમાં વહેંચાય ગયા. ૪૦૦ મણ અનાજ જેટલી આવક જમીનદારની હોય કે વેપારીની કે કારીગરની એ ત્રણે એક જ સરખા ગણાતા. એકજ વર્ગમાં આવતા. એક રીતે સોલોનના કાયદાથી જમીનદાર વર્ગની જગ્‍યાએ કારીગરો ને વેપારીઓને આગળ વધવા તક મળી. ને બધે જ બને છે તેમ આમવર્ગને પણ થોડો હિસ્‍સો મળ્યો.

સોલોનના બીજા કાયદાઓ, પણ જાણવા જેવા છે, એમાં એની ઝીણી નજર દેખાઇ આવે છે.

એણે કોઇ પણ માણસ આળસુ ન રહે તેવું ફરમાન કર્યું ને એની દેખરેખ માટે એક ખાસ અમલદાર નીમ્‍યો.

વ્‍યાપાર ખીલે એટલા ખાતર એણે એથેન્‍સનું ચલણ પણ બીજા દેશોને લેવડદેવડ ફાવે તેવું કયુઁ.

દાયજો આપવાની ખર્ચાળ પ્રથા હતી તે બંધ કરી. કન્‍યાને કે વરે પરસ્‍પર ત્રણ જોડી લુંગડાં જ આપવાના હતા-ને વધારામાં પ્રેમ. પૈસો પ્રેમને ઢાંકી દે તે સોલોનને રુચે તેમ ન હતું.

કોઇ પણ માણસ પડોશીના ઝાડથી આઠ ફુટથી નજીક ઝાડ ન વાવી શકે. કારણ કે તો બંને ઝાડના મૂળિયા વચ્‍ચે જમીનનો રસ ચૂસવાની હરીફાઇ થાય.

કોઇ પણ માણસ પડોશીના મધપૂડાથી ૩૦૦ વારની અંદર વધપૂડો ન ઉછેરી શકે. કારણ કે મધમાખીઓ વચ્‍ચે પણ હરીફાઇ થાય.

એણે બીજા દેશના કારીગરોને કુટુંબ સાથે આવે તો એથેન્‍સના નાગરિકો થવાનો અધિકાર આપ્‍યો.

જે કોઇ માણસ લડાઇમાં મરે તેના કુટુંબની વ્‍યવસ્‍થા રાજયે કરવાનું એણે જાહેર કર્યુ. ને સૌથી મહત્‍વનો કાયદો એ કે જયારે આંતરવિગ્રહ થાય ત્‍યારે જે તટસ્‍થ રહે તેને ગુનેગાર ગણવો. દરેક નાગરિકે એક યા બીજા પક્ષે ભળવાનું જ સોલોન એના નાગરિકોને સલામતી શોધનારા કે ઝીણી તત્‍વચર્ચા કરનાર બનાવવા નહોતો માગતો. દરેકે પ્રત્‍યક્ષ રાજકારણને સમજવું જ જોઇએ-ને એમાં પોતાનો હિસ્‍સો અણીની પળે ન આપે તે ગુનેગાર છે. ગ્રીક લોકોના લોહીમાં જ એ છે કે એમણે રાજકારણને દરેક મનુષ્‍યનો વ્‍યવસાય બનાવીને-જગાડીને એક નવું જ દ્રષ્‍ટિબિંદુ આપ્‍યુ છે; એનો પૂરો અમલ નથી થયો. પણ એણે પૂરી દિશા તો બતાવી જ છે. સોલોન એ ધંધામાં પહેલો દિશાસૂચક હતો.

ને આ બધા કાયદા ૧૦૦ વર્ષ સુધી જ અચળ હતા. તે પછી ફેરફા કરવાનો હતો.

એના એક મિત્રે એને પછયું.

’’તમે સારામાં સારા કાયદા ઘડયા છે ?’’

’’ ના, આ લોકો ઝીલી શકે તેટલા જ સારા.’’

સોલોન જાણતો હતો કે રાજનીતિ એ કાંઇ નીતિશાસ્‍ત્ર નથી. એ અમલી શાસ્‍ત્ર છે. એટલે એણે તો સારામાં સારૂં નહિ પણ ઝીલાય તેટલું સારૂ થવું જ પોસાય.

પણ સોલોનના આ કાયદાએ બંનેમાંથી એક પક્ષને સંતોષ ન આપ્‍યો. શ્રીમંતો સોલોન દેવું સાવ નાબુદ કરશે તેમ ધારતા ન હતા. ને એમની સત્‍તા આમ ચાલી જાય તેમ જોઇ રહેવું પોસાય પણ નહિ. ગરીબો એમ ધારતા હતા કે એમને દેવામાંથી જ મુકત નહિ કરે પણ જમીનદારોની જમીન પણ પડાવી લઇ એમને વહેંચી આપશે. સોલોને તેવું કર્યુ નહિ, એટલે એ બધા ગુસ્‍સે થયા; ને બડબડવા લાગ્‍યા. ને એનો આગેવાન સોલોનનો જ ભત્રીજો હતો. સોલોને એને સમજાવવા પ્રયત્‍ન કરી જોયો ને એ થોડો વખત સમજયો હોય તેમ લાગ્‍યું. પણ એકવાર લોકસભા ચાલતી હતી ત્‍યારે એ લોહીથી ખરડાયેલો દોડતો આવ્‍યો. ને ઉમરાવોએ એને માર મરાવ્‍યો છે તેવી ફરિયાદ કરી. એની પછવાડે હતું એના અનુયાયીઓનું ટોળું સોલોનને ખબર હતી કે એના ભત્રીજાએ આ ઘા જાતે જ કર્યા હતા. એણે ઉભા થઇને કહયુ-’’ પીસીસ્‍ટ્રીયસ, આ તું ખોટો ચીલો પાડી રહયો છે. પોતાના જ લોકોને છેતરવાનું પરિણામ સારુ નહિ આવે.’’

પણ લોકો તો લોહી જોઇને તથા પીસીસ્‍ટ્રીયસનું ભાષણ સાંભળીને જ તપી ગયા હતા. એમાના એકે એનું રક્ષણ કરવા પચાસ હથિયારબંધ રક્ષકો સોંપવાની દરખાસ્‍ત મૂકી. ફરી સોલોને વિરોઘ કર્યો; આંધી નોતરી રહયા છો તેમ કહયુ. પણ કોઇએ સાંભળ્યું નહિ. છેવટે નીચેની કડી કહીને સોલન ઘેર આવ્‍યો.

’’ તમે એકેએક બુધ્‍ધિશાળી છો.

પણ ભેગા મળો છો ત્‍યારે ભેજાગેબ થઇ જાઓ છો.’’

એણે શ્રીમંતોને પણ ચેતવ્‍યા. તે પણ નહોતા વધુ ડાહયાને નહોતા વધુ હિંમતવાત. ને પસીસ્‍ટ્રીયસ તો પોતાના રક્ષકો પચાસ જ રાખે તેવો સતવાદી થોડો જ હતો ? થોડા દિવસમાં તો એણે નાનું એવું જ સૈન્‍ય જ ઉભું કરી દીધું ને એક્રોપોલીસ કબજે કર્યું. બધા ખળભળી ઉઠયા. શ્રીમંતો તો નાસવા માંડયા. પણ સોલોન ઘરડો ઘરડો યે ઠાલતલવાર લઇને બહાર નીકળ્યો-ને ચોકમાં જઇ લોકોને એકઠા કરી કહયું, ’’સરમુખત્‍યારી ગમે તેની હોય તો પણ અસહય છે. એને જન્‍મવા ન દેવી તે ડહાપણ છે.’’ ‘‘પણ જન્‍મે તો નાશ કરવાનું કાર્ય પણ ગૌરવભર્યું છે.’’ પણ એની સાથે ચાલવાવાળા ન નીકળ્યા. એના જેટલું જોઇ શકે તો ને ? એણે ઘેર પાછા ફરી પોતાની ઢાલ-તલવાર બારણાની બહાર મૂકી દીધાં....નીચે લખ્‍યું ’’ મારા દેશ ને તેના કાયદાને ટકાવવામાં મેં મારાથી શકય તે કર્યું છે.’’ એના મિત્રોએ એને નાસી જવાનું કહયુ પણ સોલોને ના પડી, ને કવિતા લખી એથેનિયનોને ઠપકો આપ્‍યો, ઘણાએ એને કહયું, ’’ તમારો જાન જોખમમાં છે નાસી છુટો.’’પણ સોલોને એથેન્‍સ ન છોડયું. એના સરમુખત્‍યાર ભત્રીજાએ પણ સત્‍તા હાથ કર્યા પછી દખલ ન કરી. ઉલટો એની પ્રત્‍યે આદર બતાવ્‍યો-ને એના કાયદા બહુ અંશે ચાલુ જ રાખ્‍યા; સોલોનને પણ હવે કવિતા-ને જ્ઞાનોપાસના સિવાય બીજામાં રસ ન હતો. એણે લખ્‍યુ છે.

’’ હું તો રોજરોજ નવું શીખું છું’’

હિંદુસ્‍તાનને એશિયા વચ્‍ચે સાગરના તળિયે બેસી ગયેલ એટલાંટિસ નામના મહાખંડ પર મહાકાવ્‍ય લખવાનો ૭૦ વર્ષે એણે આરંભ કર્યો.

કાવ્‍ય ને કળા વિષેનો એના નાજુક ખ્‍યાલનો એક કિસ્‍સો છે.

કરુણાંત નાટકોનો આદિ કવિ થીસીપસ એ વખતે પોતાના નાટકો એથેન્‍સ પાસે રજૂ કરતો હતો. વૃધ્‍ધ સોલોન કાંઇક નવું શીખવા મળશે એમ ધારી નાટક જોવા ગયો.’ નાટક ભજવાઇ રહ્યું. પછી એણે કવિને બોલાવ્‍યો ને કહયું, ’’આટલું બધું જુઠાણું તમારા મુખ્‍ય પાત્રો આ બધા સમક્ષ બોલે તેથી તમેને ખેદ નથી થતો ?’’

’’ આ તો નાટક છે. વાર્તા, નાટકોમાં પાત્રો ખોટું બોલે કે કરે તેમાં શું ?’’

સોલોને પોતાનો દંડ ગુસ્‍સામાં ભોંય પર પછાડયો ને કહયુ ’’ જો આવા નાટકોને આપણે ભલામણ કે પ્રશંસા કરશું તો એક દિવસે આપણા વ્‍યહારમાં પણ એ જ જોશું.’’

આજે પણ આ ચેતવણી નિરુપયોગી થઇ છે ? થોડા દિવસ પછી સોલોને શાંતિથી દેહ મુકયો. ગ્રીકોએ એની રાખ દરિયામાં નાખી કે જેથી એનું જ્ઞાન બધે જ ઠેલાઇ જાય.