મહાન પ્રજાનું એક લક્ષણ એ છે કે મહાન આફત વખતે એનો સામનો કરી લોકોને પાર ઉતરે તેવા માણસો ગમે તે ખૂણેથી અણધાર્યા નીકળી આવે છે. જીવતું શરીર રોગનો સામનો કરે જ છે, જીવતું ઝાડ કપાતાં છતાં કોળે છે. જીવતી પ્રજાઓ પણ છાતીમાં ઘા ઝીલે છે, પણ હાર જાણતી નથી.
ગ્રીકો પણ ઝકૅસીસના આક્રમણ વખતે જીવતી પ્રજા હતી. એણે હિંમત હારી જવાનું કબૂલ્યું નહિ. ને પ્રસંગને પાર ઉતારે તેવા બે નેતાઓને જન્મ આપ્યો. આ હતા એરીસ્ટેડીસ ને થેમીસ્ટેક્લીસ. બંને બાળપણના ગોઠિયા. બંને બુદ્ધિશાળી બંને એક-એકને આંટે તેવા, પણ એક સત્યનો પૂજારી ને બીજો સિદ્ધિનો. એકને ખપે શાંતિ ને બીજાને ખપે સમૃદ્ધિ એક ખેતીવાડીનો હિમાયતી ને બીજો સાત સમુંદરના પાણી ડોળનાર વ્યાપારનો. એકનું તેજ દૂર વસતા સ્થિર તારા જેવું ને બીજાનું ચળક-ચળક થતા આંજી નાખનાર ગ્રહ જેવું. બાળપણમાં જે મૈત્રી હતી-તે યુવાનીમાં દુશ્મનાવટમાં પલટાઈ ગઈ. કારણ કે બંને જણા એક જ છોકરીને ચાહતા હતા. છોકરી તો મરી ગઈ પણ એના રૂપે થેમેસ્ટેકલીસમાં સળગાવેલ ઈર્ષા ન મરી. એનું એક જ કર્તવ્ય થઈ પડયું ને તે એરીસ્ટેડીસને હરકોઈ ઉપાયે નીંદવાનું, હેરાન કરવાનું. જો કે આમ ન બન્યું હોત તોપણ એ બંનેની મૈત્રી કેટલો વખત ટકત તે શંકા જેવું છે. કારણકે, બંનેના સ્વભાવમાં ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેટલું છેટું હતું. થેમીસ્ટેકલીસ હતો ચંચળ; ઉત્તપાતિયો, લડાકુ, કીર્તિભૂખ્યો ને નીતિની ખેવના વગરનો, જ્યારે એરીસ્ટેડીસ તો ન્યાય ને નીતિનો જ પૂજારી હતો. એટલે તો લોકોએ એનું નામ ન્યાયી એરીસ્ટેડીસ પાડયું હતું. ન્યાયનો જ એ જાણે અવતાર હતો.
એક વખત અદાલતમાં એની સામે કાંઈક કેસ ચાલતો હતો. એરીસ્ટેડીસે બચાવમાં જે કહેવાનું હતું તે કહ્યું એટલે ન્યાયાધીશો કહે :
‘‘તમારી વાતમાં અમને વિશ્વાસ છે. એટલે અમે ચુકાદો આપીએ છીએ-’’ ત્યાં તો એરીસ્ટેડીસ વચ્ચે પડીને કહે : ‘‘થોભો થોભો, આપે હજુ મારી વિરુદ્ધ પેલાને શું કહેવું છે તે સાંભળ્યું નથી. એને પૂરો સાંભળીલો-પછી ચુકાદો .’’
એક બીજીવાર એ પોતે ન્યાયાધીશોમાં એક હતો, ને જે આરોપી હતો, તે હંમેશાં એની વિરુદ્ધ ખટપટ કરનાર ને એને પજવનાર હતો. ફરિયાદી પોતાને જે ફરિયાદ હતી તે કહેતાં કહેતાં કહે : ‘‘આ માણસે ન્યાયી એરીસ્ટેડીસને પણ અનેક રીતે હેરાન કરેલ છે-એરીસ્ટેડીસને એકવાર- એરીસ્ટેડીસ તરત કહે- ‘‘તારે જે ફરિયાદ કરવાની હોય તે જ કરને. મારી ફરિયાદ તો જરૂર હોત તો મેં જ ન કરી હોત?’’
જયારે થેમીસ્ટેકલીસને કોઈ ન્યાયની તુલા લેવા એકવાર કહ્યું ત્યારે એ કહે, ‘‘જે સ્થાન પરથી હું મારા મિત્રોને મારા દુશ્મનો કરતાં વધારે લાભ ન અપાવી શકું એ સ્થાનની મારે મનથી કાંઈ કિંમત નથી.’’
આવા સાવ પરસ્પર વિરોધી સ્વભાવના વચ્ચે અથડામણ થાય તે તદ્દન સ્વભાવીક હતું. થેમીસ્ટેકલીસ એરીસ્ટેડીસ જે કાંઈ ઠરાવ કે સુધારો મૂકે તેનો વિરોધ કર્યા સિવાય ન રહી શકતો, ને એરીસ્ટેડીસ પણ થેમીસ્ટેકલીસની કીર્તિભૂખ, અહંકાર ને સાચા-જૂઠાણાં વિષેની બેપરવાહીનો ચેપ આખા એથેન્સને ન લાગે તે સારું જાગ્રત રહેતો હોવાથી થેમીસ્ટેકલીસનો વિરોધ પ્રસંગોપાત કર્યા સિવાય ન રહેતો. એથેન્સની લોકસભા ઘણીવાર આ પ્રતિસ્પર્ધીઓની સચોટ દલીલો, ને વાણીના રણકારથી ગાજી ઊઠતી. એરીસ્ટેડીસ શાંતિપ્રિય હોવાથી ઘણીવાર પોતાને જે દરખાસ્ત મૂકાવવી હોય તે જાતે ન મૂકતાં કોઈ બીજાની મારફત મૂકાવતો જેથી થેમીસ્ટેકલીસનો વિરોધવંટોળ નકામો ન ઊઠે પણ બધીવાર ચકોર થેમીસ્ટેકલીસની નજર બહાર આ જાય તે સંભવિત નહોતું. ને આને લીધે લોકસભા કામ કે નિર્ણયો કરવાને બદલે ઘણીવાર ચર્ચા ને દલીલોનું તથા અંગત દ્વેષના પ્રહારો કરવાનું મેદાન થઈ જતું. આથી એકવાર કોઈકને એરીસ્ટેડીસે કંટાળીને કહેલું કે, ‘‘એથેન્સના લોકો ડાહ્યા હોય તો એમણે અમને બંનેને ખાડામાં નાખી દેવા જોઈએ. ત્યાંસુધી અહીં શાંતિ નહિ સ્થપાય.’’ થેમીસ્ટેકલીસનો પ્રિય વિષય હતો: નૈકાસૈન્ય. એ એથેન્સના લોકોને વારે વારે કહેતો કે ‘‘ઈંટ-ચૂનાના કિલ્લાનો આશરો તજી-લાકડાના કિલ્લાનો આશરો લો. ‘‘ઘોડેસવારી કરતાં આરમારી વધારે અગત્યની છે. એ જ વખતે એથેન્સમાં રૂપાની ખાણો નીકળી. સામાન્ય રીતે આવા પ્રસંગે નિકળેલ સંપત્તિ સહુની વચ્ચે સરખે ભાગે વહેંચી દેવાનો રિવાજ હતો. થેમીસ્ટેકલીસે આ વખતે એમ કરવાને બદલે નૌકાસૈન્ય ઊભું કરવામાં એ ખાણોની આવક નાખવાનો ઠરાવ મૂકયો ને પસાર થયો.. એથેન્સ ને ગ્રીસને માટે આ ભારે અગત્યનું પગલું હતું. આજસુધી સ્પાર્ટા એ ગ્રીસનું આગેવાન ને સર્વોપરી રાજય ગણાતું. સામુદાયિક અવસરે સૌ એને નાયકપદ આપતા. કારણ કે એનું સૈન્ય અજેય ગણાતું; હવે થેમીસ્ટેકલીસની આ યોજનાને પરિણામે એથેન્સ એક નવું બળ ઊભું કરતું હતું. ને સ્પાર્ટા એમાં પછાત હતું. એમાં એથેન્સને વટાવી જ શકે તેમ ન હતું. સોલોન લાઈકરગસ કરતાં આગળ હતો. પણ વટાવી ન શકાય તેથી કાંઈ ઈર્ષા જન્મતી થોડી જ અટકે છે.
એથેન્સ ને સ્પાર્ટાનો જે મહાવિગ્રહ ૫૦ વર્ષ પછી થયો ને બે પેઢી સુધી ચાલ્યો તેનું મૂળ આ દિવસે જ નંખાયું. થેમીસ્ટેડીસને હાથે એનું શિલારોપણ થયું.
એરીસ્ટેડીસને આ બહુ ગમતું નહોતું કારણ કે એથેન્સનું ધ્યાન આને પરિણામે પોતાની ખેતીવાડીને બદલે સામે કાંઠેની નગરીઓનું ધન હરણ કરવા તરફ વળશે તે તેણે જોયું જ હતું. ને એ ધનહરણની હરીફાઈ ઘરઆંગણે બહારના કજિયા લાવી મૂકશે તેની પણ તેને ખબર હતી. પણ એથેન્સની વસ્તી એટલી ઝપાટાબંધ વધતી જતી હતી કે એને બહાર સંસ્થાનોમાં વસાવ્યા સિવાય કે વ્યાપારમાં રોક્યા સિવાય બીજો માર્ગ પણ દેખાતો નહોતો. એરીસ્ટેડીસનું ચાલત તો એણે વસ્તી-નિયમનનો કોઈક વચલો માર્ગ કઢયો હોત. એ લાઈકરગસ ને સોલોનનો સમન્વય ઈચ્છતો હતો. ખેતીવાડીને ન ખાઈ જાય એવો ને એટલો જ વ્યાપાર, માણસને બહેકાવી ને સદસદ્ વિવેક તરફ બહેરો કરી ન મૂકે તેટલું જ સ્વાતંત્ર્ય ને તેવું પ્રજાતંત્ર એ એને રુચતું હતુ; પણ સામાન્ય લોકો જયાંસુધી સાચી રીતે કેળવાયા નથી હોતા ત્યાંસુધી એમને આ જ વસ્તુ સૌથી વિશેષ અણગમતી હોય છે એમને બે છેડા ગમે છે; પણ વચલો માર્ગ એ સ્વેચ્છાપૂર્વક સ્વીકારી શકતા નથી. કાં તો આપખુદી ને કાં તો અનિયંત્રિત ટોળાશાહી, કાં તો સ્વર્ગ ને કાંતો નરક કાં તો સિધ્ધિ ને કાંતો સ્વેચ્છાચારી જ એમને આકર્ષી શકે છે. મધ્યમવર્ગના હિમાયતીઓ એમને મોળા ને ઉત્સાહ વગરના લાગે છે.
એરીસ્ટેડીસની વાત લોકોને ન ગમે ને સૌ થેમીસ્ટેકલીસને ગાંડાની માફ્ક અનુસરે તે સમજાય તેવું છે. ઉપરાંત ટોળાને ખુશામત ખૂબ ગમે છે; તે એરીસ્ટેડીસને એ વાત માથાના ઘા સમી હતી. ન્યાયની વાતમાં એક દોરાવા પણ ચસતો નહિ. ખજાનચી તરીકે એ જયારે હતો ત્યારે હિસાબની ચોખ્ખાઈ ને ચોકસાઈ રાખવા સારુ એના ઘણા દુશ્મનો થયેલા. એરીસ્ટેડીસના અમલમાં એમનાથી ગોટાળો થઈ શકે કેવી રીતે ? આવા બઘા અસંતુષ્ટોને થેમીસ્ટેકલીસ પોતાના પક્ષમાં ભેળવતો ને ભંભેરણી કરતો. એ બધા એરીસ્ટેડીસની નિંદા કર્યા કરતા. એક્વાર એરીસ્ટેડીસે નુસખો અજમાવ્યો. ખજાનચી તરીકે થોડું ઢીલું મુક્યું. ને કડક થવામાં ભૂલ કરી હોય તેમ દેખાડવા માંડયું. ને જેમ આગલા અધિકારીના વખતમાં ગોટાળા ચાલતા તેમ ચાલવા દીધા. આથી નાના નોકરો ખુશ થઈ ગયા ને પેલા અસંતુષ્ટો પણ એની પ્રશંસા કરવા લાગી ગયા. આમ થયું એટલે એરીસ્ટેડીસે એકવાર આ બધા નોકરો તથા બધા શહેરીઓને ભેગા કર્યા ને કહ્યું. ‘‘ જયારે હું મારી ફરજ ચોખ્ખી રીતે અદા કરતો હતો ત્યારે તમે સહુ મારી નિંદા કરતા હતા ને હવે જયારે આ બધા સફેદ ઠગોને જાહેરદ્રવ્યમાં બગાડ ને ગોટાળા કરવાની છૂટ આપી છે ત્યારે સૌ મારા વખાણ કરો છો. આ તમારાં વખાણથી હું વધુ શરમાઉં છું, એના કરતાં પેલી નિંદા મને મીઠી લાગતી હતી. તમને તો નાલાયક લોકોને જાહેર દ્રવ્યને વેડફવા દઉં તે જ મીઠું લાગે છે ખરૂં ને?’’
એમ કહીને એણે જે બધી ચોરી ને લબાડી હિસાબોમાં થઈ હતી તે વર્ણવી બતાવી. પણ થેમીસ્ટેકલીસની ખટપટ એથી અટકી નહી. આખરે એણે લોકોની પાસે એરીસ્ટેડીસને દેશવટો દેવાની દરખાસ્ત મૂકી. આ દેશવટો એ સજા નહોતી ગણાતી. પણ જો કોઈ પણ માણસ લોકોમાં બહુ પ્રીતિપાત્ર બની જાય, તે લોકસત્તાની શકિતને ભૂલી કયાંક અહંકારી ન થઈ જાય તે માટેનો કીમિયો હતો. એમાં લોકોને પુછાતું કે જે માણસ લોકોને બહુ પ્રિય છે છતાં જે પ્રજાતંત્રમાં વખતે આડે આવે તેમ લાગતું હોય તેનું નામ લખો ને સૌ એક ઈંટ કે ઠીંકરા પર નામ લખી એક ઠેકાણે નાખી આવતા. થેમીસ્ટેકલીસે પણ એ જ રીત અજમાવી એણે કહ્યું, કે‘‘એરીસ્ટેડીસ એટલો બધો ન્યાયવિશારદ થઈ ગયો છે કે ન્યાયલયોનું મહત્વ ઘટતું જાય છે.’’
વહેલી સવાર હતી. ને એરીસ્ટેડીસ ગુલાબી ઠંડીમાં ફરવા નીકળ્યો હતો; એક ગામડીઓ માથે શાક્નો ટોપલો લઈને આવતો હતો. એણે એરીસ્ટેડીસને જોઈ ટોપલો હેઠે મૂકયો ને એક ઠીકરૂં ને ચાક ધરી કહે આમાં જરાક હુ કહું તે નામ લખોને? ‘‘કોનું લખું?’’ એરીસ્ટેડીસે લખવાને તૈયાર થતાં પૂછ્યું. ‘‘એરીસ્ટેડીસ.’’
એરીસ્ટેડીસે સહેજ ઊંચું જોયું ને નવાઈ પામી પૂછ્યું. ‘‘તમે એને જોયો છે?’’
‘‘ના.’’
‘‘તમારું એણે કાંઈ બૂરું કર્યું છે?’’
‘‘ના રે ભાઈ.’’
‘‘તો શા સારુ દેશવટો દેવરાવો છો?’’
‘‘સૌ એને ન્યાયી એરીસ્ટેડીસ, ન્યાયી એરીસ્ટેડીસ કહ્યા કરે- ને હું એ સાંભળીને થાકી ગયો છું.’’
એરીસ્ટેડીસ સહેજ હસ્યો. નામ લખી ઠીકરું પેલા ગામડીયાના હાથમાં આપ્યું. સાંજે એણે જાણ્યું કે એથેન્સના પ્રજાતંત્રે એને દેશવટો દીધો હતો. એથેન્સ છોડતાં એણે એકેલીઝની પેઠે નગુણા લોકો ઉપર શાપ વરસાવ્યો નહિ. તેમ ન તો વીર કેમીલસની જેમ ‘‘હું સાચો હોઉં તો ભગવાન રોમને મારી ગરજ પડે તેવું કરજે.’’ એમ કહ્યું- એણે હાથ જોડીને એક્રોપોલીસના દેવતાઓને પ્રણામ કર્યા ને અજોડ મહાનુભાવનાથી કહ્યું,‘‘હે દેવતાઓ, એથેન્સના લોકોને મને સંભારી પસ્તાવાનો અવસર ન આવે તેવું કરજો.”
પણ ઈશ્વર તો ગજ કાતર લઈને બેઠો છે; એ ‘હાકથી જ હીંડે’ છે. એથેન્સના લોકોને પસ્તાવાનો સમય આવતો જ હતો. ઝર્કસીસની ફોજ ગ્રીસનો સીમાડો વળોટી ચૂકી હતી. ગ્રીસ આખું ઉપરતળે થઈ ગયું. એથેન્સના નાગરિકો એરીસ્ટેડીસને આ અવસરે સંભારવા માંડયા. ખુદ થીમીસ્ટેક્લીસે જ દેશવટો દીધેલા બધાનો દેશવટો રદ કરવાનો ઠરાવ લોકસભામાં પસાર કરાવ્યો. એના મનમાં હતું કે કદાચ એરીસ્ટેડીસ આ વેર લેવાનો લાગ આવ્યો છે એમ સમજી ઈરાની સૈન્ય જોડે ભળી જ્શે. સાચેસાચ તો એ પોતાના માપે જ એરેસ્ટેડીસને માપતો હતો. એરીસ્ટેડીસ તો લોકસભાનો સંદેશો મળે તે પહેલાં જ બહારના ગ્રીકોને એકત્રિત કરવા લાગી ગયો હતો. લોકસભાની આજ્ઞાથી એ એથેન્સમાં આવ્યો. આવતાં વેંત એણે થેમીસ્ટેકલીસને કહ્યું “ આજસુધી આપણે એકબીજાને હલકા પાડવાની હરીફાઈ કરી છે. હજી યે આપણે હરીફાઈ કરીએ પણ તે ગ્રીસને આ આફતમાંથી ઉગારવામાં તું સેનાપતિ તરીકે ને હું તાબેદાર સલાહકાર તરીકે.” થેમીસ્ટેકલીસે એના હાથ પકડી મંત્રણાસભામાં સ્થાન આપ્યું. સાચેસાચ તો એરીસ્ટેડીસની એને જ ખૂબ જરૂર હતી. ઈરાની સૈન્યનો સામનો કરવા એકઠા થયેલા આ ખોબા જેટલા ગ્રીકોમાં પણ મતભેદનો પાર ન હતો. સૌને થેમીસ્ટેકલીસની શક્તિ વિષે માન હતું. પણ દાનત વિષે એકેને શ્રદ્ધા નહોતી. એ ઘણાને જીતી શકે એવો હતો પણ સોનું એને ગમે ત્યારે જીતી લે તેવો એ લાલચુ હતો.
પહેલો જ પ્રશ્ર્ન હતો ગ્રીકફોજ ને નૌકાસૈન્યનો આગેવાન કોણ થાય ? એથેનિયનોને ભૂમિસૈન્યનો સેનાપતિ સ્પાર્ટન હોય તે સ્વીકાર્ય હતું પણ નૌકાસૈન્યનો અધિકાર સ્પાર્ટાને સોંપવા તૈયાર નહોતા-કારણ કે નૌકાસૌન્ય મુખ્યત્વે એથેન્સનું જ હતું–પણ સ્પાર્ટનો તો પરાપૂર્વથી ગ્રીસના સરસેનાપતિ તરીકેનો અધિકાર આવી રાષ્ટ્રીય આફતમાં ભોગવતા જ આવ્યા હતા. એટલે છોડવા તૈયાર ન હતા.
અરીસ્ટેડીસને આવો પ્રસંગ પ્લેટિયામાં આવવાનો હતો. એણે ત્યાં કહેલું એ જ સભાને કહ્યું, ‘‘ સ્થાન નથી આપણને હિંમત આપતું કે નથી લઈ લેતું. હિંમત તો આપણી માલિકીની વસ્તુ છે-જયાં જઈએ ત્યાં આવે, આપણે અહીં મિત્રો જોડે નહિ પણ દુશ્મનો જોડે ઝઘડવા આવ્યા છીએ એ ન ભૂલવું.’’
સૌએ એકીમતે સ્પાર્ટનોને સરસેનાપતિની જગ્યા આપી.
ગ્રીકોએ ઈરાની ભૂમિફોજને થર્મોપોલી આગળ ને નૌકાસૈન્યને સાલેમીસની ખાડીમાં આંતરવાનો વિચાર કર્યો હતો.
સ્પાર્ટંનો થર્મોપોલીનો યશ લેવાના હતા એથેનિયનો સાલેમીસનો.
- મનુભાઇ પંચોળી