Friday, April 23, 2010

અજબ ચોર


એક હતો ચોર. એને એવું નીમ કે એક વરસમાં એક જ વાર ચોરી કરવી, બીજી વાર નહી.

એક દીવસે એ ચાલ્યો ચોરી કરવા.

રસ્તામાં એક નદી આવી ત્યાં એ બેઠો. એટલામાં એક વાણિયો નીક્ળ્યો. વાણિયાને બહુ તરસ લાગેલી. ખોબો ભરીને જયાં પાણી પીવા જાય ત્યાં તો ચોરને જોયો. વાણિયાના પેટમાં ફાળ પડી. પાણી પૂરું પીધા વિના એ ઊઠયો.

ચોર કહે :‘‘શેઠજી, પૂરું પાણી તો પીલ્યો !’’

વાણિયો કહે : બસ ભાઇ, મારે વધારે નથી પીવું.’’

ચોર કહે :‘‘શેઠ તમે ભડકો મા. હું તમને નથી લૂટવાનો. વિશ્ર્વાસ રાખો, ને પાણી પી લ્યો. મારે તો મોટી ચોરી કરવાની છે.’’

વાણિયે પાણી પીધું. ચોર કહે: ‘‘શેઠ! તમારી પાસે આ લાકડી છે, તે મને આપો. પૈસા દઉં.’’

વાણિયાના મોઢા ઉપરથી લોહી ઉડી ગયું. એ બોલ્યો : ‘‘ભાઈ, મારાથી લાકડી વિના હલાય નહી. લાકડીને ટેકેટેકે તો હું હાલું છું. આંહીં વગડામાં બીજી લાકડી કયાંથી કાઢું?’’

ચોરે લાકડી ઝૂંટવી લીધી, અને એને ચીરી ત્યાં તો માંહેથી ચાર રત્નો નીકળ્યાં.

દાંત કાઢીને ચોર કહે કે,‘‘શેઠજી, તમને મેં અભયવચન દીધેલું, તો યે તમે મારી પાસે ખોટું બોલ્યાં ! લ્યો તમારાં રત્ન.

મારે એ ખપે નહી. તમે ક્યે ગામ જાઓ છો?’’

શેઠ કહે : ઉજેણી નગરી.’’

ચોર કહે: ‘‘ઉજેણીના રાજા વીર વિક્ર્મને એટલું કહેજો કે આજ રાતે હું ચોરી
કરવા આવીશ, માટે હુશિયાર રહે.’’

વાણિયાએ જઈને વીર વિક્ર્મને ખબર દીધા.

રાજા વીર વિક્ર્મ તો વિચારવા લાગ્યા કે ઓહો ! આવો બહાદુર ચોર કોણ હશે ? આ ચોર તો સામેથી સમાચાર મોક્લાવે છે !

રાજાએ હુકમ કર્યો કે ‘‘આજે રાતે હું એક્લો આખા નગરની ચોકી કરવાનો છું, માટે બધા સિપાઇને રાતે રજા આપવી. કોઇએ આજ રાતે જાગવાનું નથી. નગરન માણસોને પણ કહેજો કે નિરાંતે સૂઇ જાય.’’

રાજાજી તો દેવતાઈ પુરુષ હતા. એના વચન ઉપર બધાને વિશ્ર્વાસ. રાત પડી. ચોકીદાર બધા પોતપોતાને ઘેર ગયા. ગામનાં માણસો પણ સૂઇ ગયાં. નગરના ગઢના દરવાજા દેખાઇ ગયા.

રાજાજી એક્લા ચોરનો વેશ લઈને નગરની અંદર ગઢની રાંગે રાંગે ફરવા લાગ્યા. ફરતાં ફરતાં એક જગ્યાએ ઊભા રહયા. એને લાગ્યું કે આંહીંથી ચોર ઉતરશે. ત્યાં તો બહારથી પેલો ચોર ગઢ ઉપર આવ્યો. ચોરે જોયું કે અંદર એક આદમી ઊભો છે. એટલે તે પાચો ઉતરવા માંડ્યો. ત્યાં તો રાજાએ સિસોટી મારી. ચોર એકબીજાને જોઈને સિસોટી મારે તેવી જ હતી આ સિસોટી.

ચોર સમજ્યો કે આ કોઇ મારો જ ભાઇબંધ લાગે છે.

એટલે એ અંદર આવ્યો. વિક્ર્મ રાજા કહે કે, ‘‘ચાલ દોસ્ત, હું આ ગામનો ભોમિયો છું, તને સારાં ઠેંકાણા બતાવું.’’

બન્ને જણા ચાલ્યા. ચાલતાં ચાલતાં એક શાહુકારનું ઘર આવ્યું. રાજાએ અંદર જવાનો રસ્તો બતાવ્યો. ચોર અંદર જાય,ત્યાં શેઠ‘શેઠાણી ભર ઊંઘમાં સૂતેલા. ચોર થોડી વાર ઊભો ત્યાં ઊંઘમાં ને ઊંઘમાં શેઠાણી બોલ્યાં કે,‘‘કોણ એ, ભાઈ !’’

આ સાંભળી તરત ચોર બહાર નીક્ળ્યો. રાજાને કહે કે ‘‘ચાલો બીજા ઘેર. આંહી ખાતર નથી પાડવું.’’

રાજા કહે, ‘‘કાં?’’

ચોર બોલ્યો: ‘‘શેઠાણીએ મને ‘ભાઈ’ કહયો. બહેનને તો કાંઈક દેવાય.’’ એમ કહીને પાછો અંદર ગયો. પોતાની પાસે સોનાનો એક વેઢ હતો તે શેઠાણીની પથારીમાં મૂકી આવ્યો.

પછી બેઉ જણા બીજે ઠેકાણે પહોંચ્યા.

ચોર અંદર જાય ત્યાં શેઠાણી સૂતેલાં. ચોરનો હાથ એક મીઠાની ગુણ ઉપર પડ્યો. અએના મનમાં એમ થયું કે આ શુકનની સાકર છે.

એક એક ગાંગડો લઈને મોઢામાં મૂકે ત્યાં તો મીઠું. ચોર તરત બહાર નીક્ળ્યો.

રાજા કહે : ‘‘કેમ થયું?’’

ચોર બોલ્યો :‘‘ભાઈ ! આ ઘરનું લૂણ (મીઠું) મારા પેટમાં પડ્યું. મારાથી લૂણહરામ થવાય નહિ, ચાલો, બીજે ઘેર !’’

રાજાને થયું કે ‘આ તે ચોર કે સતં !’’

ત્રીજે ઘેર ગયા; રાજાએ રસ્તો દેખાડ્યો. ચોર અંદર જઈને અંધારામાં હાથ ફેરવે ત્યાં એક જૂવારના કોથળામાં એનો હાથ પડ્યો. ચોર બહાર નીકળ્યો ને રાજાને કહ્યું કે, ‘‘ભાઈ ! શુકન તો સારાં થયાં. જાર હાથમાં આવી. પણ જે ઘરમાં શુકન થયાં તે ઘરને કાંઇ લૂંટાય? એ શુકન તો હવે ફળવાનાં. ચાલો બીજે ઘેર.’’

રાજા કહે: ‘‘ચાલ ત્યારે રજમહલ ફાડીએ.’’
બેઉ જણા ચાલ્યા રાજમહલમાં. રાજમહલની અંદર દાખલ થયા; ત્યાં એક પણ ચોકીદાર ન જોયો.
ચોર પૂછે છે : ‘‘ભાઈ ! આતે શું? ગામમાં કોઇ ચોકીદાર જ નહિ ! દરબારગઢમાં યે કોઈ માણસ નહિ. રાજા વીર વિક્ર્મનો બંદોબસ્ત તો બહુ વખણાય છે ને !’’

રાજા કહે : ‘‘અરે ભાઈ! એ બહાર મોટી મોટી વાતો સંભળાતી હશે. આંહી તો આવું જ અંધેર ચાલે છે. રાજા કશું ધ્યાન નથી દેતા.’’ મહેલમાં રાણીજી હેંડોળાખાટ ઉપર સૂતેલાં. રાજા ચોરને કહે કે ‘‘આ ખાટના પાયા સોનાના છે. પાયા લઈ લઈએ. એટલે છોકરાંનાં છોકરાં બેઠાં બેઠાં ખાય.’’ પણ ખાટ શી રીતે કાઢવી ! રાણીજી જાગી જશેતો ! પછી ચોર એ ખાટ હેઠળ ઉપરાઉપરી ગાંદલાં ખડકવા મંડ્યો. ખાટને અડે એટલો મોટો ખડકલો કર્યો. પછી છરી લઈને ચારેય તરફથી ખાટની પાટી કાપી નાંખી. એટલે રાણીજીનું શરીર, નીચે ગાદલાં હતાં તેના ઉપર રહી ગયું.

પછી ચોરે દાંત ભરાવીને ખાટને આંકડીયામાંથી ખેંચી લીધી. એને વીંખીને ચાર પાયા જુદા કાઢ્યા, અને ચારેય પાયા લઈને બન્ને જણા પાછા ગઢની રાંગે પહોંચ્યા.

પેલો ચોર કહે : ‘‘લે ભાઈ ! આ બે પાયા તારા ને બે મારા. સરખો ભાગ.’’

રાજા કહે :‘‘હું એક જ પાયો લઈશ. મહેનત તો તારી છે.’’

ચોર કહે : ‘‘ના,તેં જ મને ઠેકાણું બતાવ્યું. તારી મહેનત પણ ઘણી છે.’’

ત્યાં તો ઝાડ ઉપરથી એક ચીબરી બોલી. તરત ચોરે રાજાને કહ્યું: ‘‘ઓળખ્યા તમને. શાબાશ છે, રાજા ! માથે રહીને ચોરી કરાવી કે?’’

રાજા હસી પડ્યા અને પૂછ્યું : ‘‘તેં શી રીતે જાણ્યું કે હું રાજા છું?’’

ચોરે કહ્યું : ‘‘રાજાજી ! હું પંખીની બોલી પણ સમજું છું. આ જે ચીબરી બોલી એનો અર્થ એમ થાય છે કે આ ચોરીના માલનો માલિક તો આંહીં જ ઊભો છે !’’ રાજાએ શાબાશી આપી. ચોરને પોતાના મહેલ લઈ ગયા. બીજે દિવસે મોટી કચેરી ભરીને ચોરને ઈનામ દીધું. એની નીતિનાં વખાણ કર્યા. એને રાજમાં નોકરી દીધી.