Tuesday, April 12, 2011

Editorial

આજે રામનવમી.

શ્રીરામનો જન્મદિવસ.

સમગ્ર દેશમાં આ પવિત્ર દિવસની ઉજવણી હર્ષોલ્લાસથી થઇ રહી છે.આપણે પ્રતિવર્ષ રામનવમી,જન્માષ્ટમી,બુદ્ધપૂર્ણિમા,મહાવીર જયંતી વગેરે આપણા યુગપુરૂષો અને મહાત્માઓની જન્મજયંતીની ઉજવણી કરીએ છીએ.એ નિમિત્તે આપણે એ મહાન જ્યોતિર્ધરો,પથપ્રદર્શકોની દિવ્યચેતના સાથે સંલગ્ન થઇએ છીએ. માનવચેતનાના વિકાસ માટે,તેના ઊર્ધ્વીકરણ માટે આ યુગપુરૂષોએ પોતાના જીવનકાળ દરમિયાન જે કાર્ય કર્યું, એ કાર્ય એમના દેહવિલય પછી કંઇ સમાપ્ત થઇ જતું નથી.તેઓનું આ કાર્ય તેમની દિવ્યચેતના દ્વારા મનુષ્ય જાતિને પ્રેરણા આપતું અને વિકાસના માર્ગે આગળ લઇ જતું અવિરત ચાલતું જ રહે છે.પ્રત્યેક મહાપુરૂષો પૃથ્વી ઉપર એક વિશિષ્ટ કાર્ય લઇને આવે છે.એ કાર્યનું બાહ્ય રૂપ સ્થળ,કાળ અને તત્કાલીન જરૂરિયાત પ્રમાણે ભલે અલગ-અલગ જણાતું હોય, પરંતુ સર્વનું મૂળ હાર્દ તો એક જ હોય છે, અને તે છે મનુષ્યોને દુ:ખમાંથી મુક્ત કરવાનું અને તેમના મૂળ એવા પરમતત્વ પ્રત્યે જાગૃત કરવાનું.

રામ ત્રેતાયુગમાં આવ્યા.તે સમયે આર્યાવતની સ્થિતિ કંઇક આવી હતી: આસુરિક શક્તિઓનો રંજાડ,સમાજમાં લૂંટ-ફાટ,નિમ્નજાતિઓની ઉપેક્ષા,રાજ્યો વચ્ચે વેરઝેર,બહુપત્નીત્વને લઇને સ્ત્રીઓની અસલામતી આ બધાંને લઇને રાજ્યમાં સ્થિરતા નહોતી.રામ પિતાની આજ્ઞાનું પાલન કરી વનમાં ગયા.રાક્ષસોનો સંહાર કર્યો.વનવાસીઓની સાથે આત્મિયતા કેળવી,નિષાદરાજા ગુહની સાથે મૈત્રી સ્થાપી નિમ્નજાતિઓનું સન્માન કર્યું,વાનરજાતિના રાજા સાથે મૈત્રી સ્થાપીને એ જાતિને પણ ગૌરવ અપાવ્યું.દુષ્ટ રાવણનો અને તેની રાક્ષસી સેનાનો સંહાર કરી લંકાની પ્રજાને નવું જીવન અને પ્રજાવત્સલ ન્યાયી રાજા વિભિષણ આપ્યો. આ રીતે રામે એ સમયના આર્યાવતને પ્રેમ,મૈત્રી અને સદભાવ દ્વારા એક કર્યું.વળી અયોધ્યાનો રાજ્યવહીવટ પણ એવી કુશળતાથી ચલાવ્યો કે પ્રજામાનસમાં રામરાજ્યનો આદર્શ એવો દૃઢબની ગયો,કે એ આજપર્યંત ટકી રહ્યો છે ! આદર્શ રાજ્ય કેવું હોય અને તે માટે રાજાએ પોતે શું શું કરવું જોઇએ એનું સ્પષ્ટ દર્શન શ્રીરામના જીવનમાંથી મળે છે.

તે ઉપરાંત શ્રીરામે ઉત્તમ મનુષ્યનો આદર્શ પણ પૂરો પાડ્યો છે.જીવનમાં મનુષ્યે કેટકેટલાં રૂપો ધારણ કરવાં પડે છે ! પણ ઉત્તમ મનુષ્ય બધાં જ રૂપોમાં ઉત્તમ જ રહે છે.તેનું શ્રેષ્ઠ ઉદાહરણ શ્રીરામનું જીવન છે. આદર્શ પુત્ર,આદર્શ પતિ, આદર્શ ભાઇ, આદર્શ પિતા, આદર્શ મિત્ર, આદર્શ રાજા અને આદર્શ શત્રુ ! શ્રીરામનું પ્રત્યેક રૂપ શ્રેષ્ઠતાને જ વ્યક્ત કરે છે. આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ કહે છે કે,સત્ય અને નીતિમત્તાના મૂર્તિમંત સ્વરૂપ એવા રામને મહાન ૠષિ વાલ્મિકીએ આપણી સમક્ષ આદર્શ પુત્ર,આદર્શ પતિ,આદર્શ પિતા અને એ બધાથી ઉપર આદર્શ રાજા તરીકે રામાયણમાં સરળ ભાષા અને સુંદર શૈલીમાં સહજ રીતે રજૂ કર્યા છે.

આજના આ પવિત્ર દિવસે આપણે શ્રીરામની પૂજા,ભક્તિ,આરાધના તો કરીએ જ છીએ. પણ સાથે સાથે એમના ગુણો અને આદર્શોને જીવનમાં અપનાવીને જીવન જીવવાનો સંકલ્પ કરીએ તો મને લાગે છે કે આપણે આ જન્મદિવસની સાચી ઉજવણી કરી ગણાશે.

શ્રીમતી જયંતી રવિ