Tuesday, April 12, 2011

શ્રી અરવિંદનો ભંડક્રિયામાં વસવાટ


ત્રણેય ભાઈઓ લંડનમાં દાદીમાની સાથે રહેતા હતા. હવે એમના પિતાજી દેશમાંથી નિયમિત પૈસા મોકલી શકતા ન હતા. ઘણીવાર તો મહિનાઓ વીતી જાય તો પણ પૈસા આવતા નહીં. પરંતુ દાદીમા હતાં એટલે ખાવા-પીવાનો કંઈ વાંધો આવતો ન હતો. આમ ત્રણ વરસ તો સારી રીતે નીકળી ગયાં. પણ એક દિવસ એવો વાંધો પડી ગયો કે બધું જ ઊંધુચત્તું થઈ ગયું. એમા બન્યું એવું કે દાદીમા પાસે ત્રણેય ભાઈઓએ દરરોજ પ્રાર્થના કરવી પડતી. પ્રાર્થના પછી ધર્મગ્રંથમાંથી એક પાનું મોટેથી વાંચીને દાદીમાને સંભળાવવું પડતું. આ વાંચવાનું કામ તો મોટેભાગે બિનયભૂષણ જ કરતા. પણ તે દિવસે વચલા ભાઈ મનમોહને વાંચ્યું. મનમોહનનો મિજાજ ઠેકાણે ન હતો. ધર્મગ્રંથમાં આવેલું વાકય તો તેણે મોટેથી વાંચ્યું કે બુઢ્ઢા મોઝીઝના કહેવા પ્રમાણે લોકો ચાલ્યા નહીં. પણ પછી મગજ ઠેકાણે ન હોવાથી તે બોલી ઊઠયો કે એ એ જ લાગનો હતો. સારું થયું કે લોકોએ એનું કહેવું માન્યું નહીં. આ સાંભળીને દાદીમા કાળઝાળ થઈ ગયાં. એમનો ગુસ્સો ભભૂકી ઊઠયો. બોલ્યાં; અરેરે, તમે આવા હળહળતા નાસ્તિક છો ! ધર્મગ્રંથનું આવું અપમાન કરો છો ? જાવ, હવે મારે તમારી સાથે રહેવું નથી. હું આ ચાલી. અને તેઓ તો સાચેસાચ પોતાનો બધો સામાન લઈને બીજે રહેવા જતાં રહ્યાં. દાદીમા જતાં પહેલાં તો ત્રણેય ભાઈઓને થયું કે હાશ. એમના ટકટકાટમાંથી છૂટયા ! બંનેએ મનમોહનનો આભાર પણ માન્યો કે સારું કર્યું. પણ પછી ધીમે ધીમે ખબર પડવા માંડી કે હવે ઘરનું ભાડું કોણ ભરશે ? ફી ભરવાના ય પૈસા નથી. તો ખાવા-પીવાના પૈસા કયાંથી કાઢશું ? આમ અનેક મુશ્કેલીઓ તેમને ઘેરી વળી. ભાડું ભરવાના પૈસા ન હોવાથી ઘરતો ખાલી કરી દેવું પડયું. મોટાભાઈ બિનયભૂષણે લિબરલ કલબની ઓફીસમાં અઠવાડિયાના પાંચ પાઉન્ડની નોકરી શોધી લીધી. આ કલબની ઓફિસના પાછલા ભંડકિયા જેવા ઓરડામાં રહેવા મળ્યું. આ તો ઓફિસનું ગોડાઉન જ હતું. હવા ઉજાસનું નામ નહીં. લંડનની કાતિલ ઠંડીની સામે ગરમાવો આપે તેવી ફાયર પ્લેસ ની પણ કોઈ વ્યવસ્થા નહોતી કેમકે, આ ઓરડો સામાન ભરવા માટેનો હતો, માણસોને રહેવા માટેનો નહીં. એટલે ટ્રેનોની સતત અવર-જવર અને ઘોંઘાટ ચાલુ જ રહેતાં. વચલા ભાઈ મનમોહનને અહીં રહેવાનું બિલકુલ ફાવ્યું નહીં. એટલે એમણે તો પોતાના મિત્રની મદદથી એક બોર્ડિંગમાં રહેવાનું ગોઠવી દીધું. પણ મોટાભાઈ અને શ્રી અરવિન્દને તો આ સિવાય બીજે કયાંય જવાની કોઈ જ સગવડ નહોતી. આવા ભંડકિયામાં સતત થતા ઘોંઘાટની વચ્ચે રહીને શ્રી અરવિન્દે પોતાનો સ્કૂલનો અભ્યાસ કર્યો. એટલું જ નહીં પણ વર્ગમાં પ્રથમ નંબરના ઈનામો મેળવ્યાં. સ્કૂલના શ્રેષ્ઠ વિદ્યાર્થીની સ્કોલરશીપો મેળવી.