
એકવાર નરેન્દ્ર અને પાડોશીનો એક છોકરો હરિ, ઘરની મેડી ઉપર ચડીને બારણાં બંધ કરીને ધ્યાનમાં બેઠા. ઘણીવાર સુધી નરેન્દ્ર દેખાયો નહીં એટલે તેની શોધ ચાલી. મેડીનાં બારણાં બંધ જોઈને ઘરનાં માણસોએ બહારથી બૂમો પાડી. અંદરથી કશો જવાબ ન મળ્યો તેથી ગભરાઈને આખરે બારણાં તોડવા પડયાં. જુએ તો બંને છોકરાઓ ધ્યાનમાં બેઠેલા.
એકવાર પડોશીને ઘેર નરેન્દ્ર રામકથા સાંભળવા ગયેલો. ત્યાં તેણે સાંભળ્યું કે હનુમાનજી કેળના બાગમાં રહે છે. એ વાકયથી નરેન્દ્રના બાળ મન ઉપર એટલી બધી અસર થઈ કે રાતે તે કેળના બગીચામાં હનુમાનજીની શોધ કરવા ગયો. મોડી રાતે નિરાશ થઈને તે ઘેર પાછો આવ્યો ત્યારે માતાએ આશ્વાસન આપતાં કહ્યું કે “હનુમાનજી રામના કોઈ કામ માટે બીજે કયાંક ગયા હશે.” આ સંભળીને નરેન્દ્ર શાંત બન્યો.
આમ નરેન્દ્રના જીવનનું ઘડતર બાળપણથી જ સુંદર રીતે શરુ થયું. છઠ્ઠે વરસે તેને નિશાળે બેસાડયો. પરંતુ ત્યાં પાડોશીના છોકરાઓ પાસેથી ખરાબ રીતભાત શીખવા માંડયો. તેથી તેને શાળામાંથી ઉઠાડી લીધો અને ઘરમાં જ એક શિક્ષક રાખી તેને ભણાવવાની વ્યવસ્થા કરી. નરેન્દ્રની યાદશક્તિ અને ગ્રહણશક્તિ ખૂબ તીવ્ર હતી. સાતમે વરસે તેણે ‘મુગ્ધબોધ’ નામનું સંસ્કૃત વ્યાકરણ તથા રામાયણ અને મહાભારતના કેટલાયે ભાગો કંઠસ્થ કર્યા હતા.
પ્રકાશક : સ્વામી ધ્રુવેશાનંદ સ્વામી વિવેકાનંદ સંક્ષિપ્ત જીવન