Friday, August 27, 2010
‘ગુડ નાઈટ માસી’
‘દીદી, આ વખતે હું ખૂબ થાકી ગઈ છું. આ બંને બહુ ચંચળ છું. આ બંને બહુ ચંચળ છે. રજાઓનો આ એક મહિનો મારે પૂરો આરામ કરવો છે. હવે તમે જાણો ને આ તોફાની બારકસો જાણે. હું તો નિરાંતે ઊંઘવાની છું અને પડી પડી પુસ્તકો વાંચવાની છું. આ રજાઓનો મારો આ જ પ્રોગ્રામ છે.’ મુંબઈથી આવેલી શોભાએ આવતાવેંત જ પોતાની મોટીબહેનને કહ્યું.
“હા, આ વખતે તું થાકેલી જણાય છે જ અને થોડી સુકાયેલી પણ, લાગે છે કે તમને મુંબઈ ફાવ્યું નથી.”
“ના એવું તો નથી. પણ મુંબઈની ધમાલ વધારે. સવારે ચીકુને મૂકવા જાઉં, ને પાછી બપોરે તેને લેવા જાઉં ત્યારે મુન્નુને મૂકી આવું, ને પાછી સાંજે લેવા જાઉં. આમ રોજ ત્રણ ધક્કા તો મારે સેન્ટ જહોન સ્કૂલના થાય. પણ હવે આ વરસે મુન્નુને પણ સવારનો ટાઈમ થઈ જશે એટલે એક ધક્કો ઓછો.”
“સારું, તને થોડી નિરાંત રહેશે. જયંત ત્યાં નહીં એટલે વધારે ખેંચ પડે નહીં ? હવે તેને બેંગલોર ક્યાં સુધી રહેવાનું થશે.?”
“આમ તો ચાર મહિના માટે જ કંપનીએ તેમને મોકલ્યા હતા, પણ ત્યાંના ટેકનિકલ પ્રોબ્લેમ તેમણે જલ્દીથી સોલ્વ કરી દીધા તો કંપનીએ તેમને પ્રમોશન આપીને ત્યાંના નવા પ્રોજેકટ પર મૂકયા. એટલે હવે આઠદસ મહિના તો નીકળી જ જશે. કહોને આખું વરસ અમારે તો આમ એકલાં જ રહેવાનું થશે. અને તેઓ ન હોય તો આ બંનેની ધમાલ ખૂબ વધી જાય છે.”
અને એ ધમાલનો મોટીબહેનને તુરત જ અનુભવ થવા લાગ્યો. મોટો ચીકુ નવ વરસનો અને નાનો મુન્નુ છ વરસનો, બંને આવતાંની સાથે જ આખા ઘરમાં ફરી વળ્યા ને નાનીમોટી એક એક વસ્તુને ફંફોસી લીધી ને પછી બહારના વિશાળ ફળિયામાં અદ્રશ્ય થઈ ગયા. બંને બહેનોની વાત હજુ ચાલુ જ હતી, ત્યાં તો ચીકુ બે કાબરચીતરાં, ભૂખરાં રંગનાં ઈંડાં પકડીને આવ્યો ને બોલ્યો :
“માસી, માસી આ શું છે?”
“ક્યાંથી ઉપાડી લાવ્યો?”
“ત્યાં દૂર પેલી વંડીની બખોલમાં નીચે ખાડા જેવું છે તેમાં આ ચાર લખોટી જેવાં પડયાં હતાં, જુઓને એના ઉપર કેવાં સરસ છાંટણાં છે?”
“જો, જ્યાંથી લાવ્યો ત્યાં હમણાં ને હમણાં જ મૂકી આવ. એ ટિટોડીનાં ઈંડા છે. એ નહીં જુએ તો બિચારી બૂમાબૂમ કરી મૂકશે.” પછી બંને જણા ઈંડા પાછા તો મૂકી આવ્યા પણ જયાં સુધી એમાંથી બચ્ચાં ન થયાં ત્યાં સુધી એ ઈંડા એમના સતત નિરીક્ષણ ને કુતૂહલનો વિષય બની રહ્યાં ઈંડા મૂકીને પાછાં આવતાં રસ્તામાં રહેલા વડલા પર બંને ચઢી ગયા ને ત્યાં હતો મોટો મધપૂડો. સદ્દભાગ્યે બંનેને શોધી રહેલાં નાનીમાની નજર પડી અને બંનેને વડલા પરથી નીચે ઉતાર્યા ને મધમાખીનો મોટાને અગાઉ અનુભવ હતો, એટલે બંને ઘરમાં આવી ગયા ને એક કલાકમાં તો ઘરની સિકલ જ બદલાઈ ગઈ. નાનીમાનું વ્યવસ્થિત ઘર જાણે સ્ટેશનના પ્લેટફોર્મમાં ફેરવાઈ ગયું. ખુરશીઓ ઊંધી વળી ગઈ ને પાટલાઓ ભેગા કરીને એસ્કિમોની ગાડી બની ગઈ. સફેદ ચાદરોનાં ઈગ્લુ હાઉસ બની ગયાં! નાનીમાના ભંડકિયામાં રહેલી અનેક વસ્તુઓ બહાર આવી ગઈ. તેમા ઉંદર પકડવાનું એક મોટું પાંજરું પણ હતું. એ પાંજરું પારિજાતના વૃક્ષની ડાળી બંધાઈ ગયું ને તેની દોરીનો એક છેડો બારીએ વીંટાળ્યો. પાંજરામાં ઘઉંના દાણા નાંખ્યા ને એવી યોજના કરી કે નાની દેવચકલી દાણા ખાવા આવે એટલે બારીએ બાંધેલો છેડો ખેંચી લેવાનો. પાંજરું બંધ થઈ જાય ને દેવ ચકલી પુરાય જાય પણ દેવચકલી બુદ્ધિશાળી નીકળી. એ પાંજરા પાસે ફરકી જ નહીં! આમ હજુ એક દિવસ પણ પુરો નહોતો થયો ને ઘર અસ્તવ્યસ્ત થઈ ગયું તેથી તેમની મમ્મી ચિઢાવા લાગી. પણ નાનીમાએ ઉપરાણું લઈને તેમને જેમ કરવું હોય તેમ કરવાની પૂરી સ્વતંત્રતા આપી એટલે પછી બંને ગેલમાં આવી ગયા ને પછી તો મમ્મીને તો ગાંઠે જ શાના? આથી વધુ ચિઢાયેલી શોભાએ પોતાના બા ને મોટી બહેનને કહી દીધું, “છોકરાઓને બહુ ચઢાવો નહીં. તમને ભારે પડી જશે. હું તો થાકી ગઈ છું. હવે તમે જાણો ને એ જાણે.” ને પછી મોટીબહેનને તેણે કહ્યું : “દીદી, તમે ભલે કૉલેજમાં કેટલાંય મોટાં છોકરાંઓને ભણાવતાં હો, અને શિસ્તમાં રાખતાં હો, પણ જો આ બેને તમે સંભાળી દો તો તમે ખરાં!”
“તો તો મારે આ ચેલેન્જ સ્વીકારવી જ પડશે.” – મોટીબહેને હસતાં હસતાં કહ્યું.
“હા, હું ઘર સંભાળીશ ને તમે આ બંનેને સાચવજો. એટલા દિવસ તો મને નિરાંત.”
ને બીજા દિવસથી આ નવી વ્યવસ્થાનો અમલ શરૂ થયો. “ચાલો ચીકુ, મુન્નુ અહીં આવો. તમારા ડેડીને કાગળ લખવાનો છે. કોણ જલદી લખે છે?” માસીએ બંનેના હાથમાં કાગળ –પેન્સિલ પકડાવી દીધાં. પણ પાંચ લીટીય પૂરી ન લખી ત્યાં તો ટિટોડીનાં ઈંડા યાદ આવ્યા, ને બે ય તે જોવા મેદાનમાં દોડી ગયા. ને પછી કંઈ હાથમાં આવે? કાગળ તો એમ ને એમ લખાયા વગરનો પડ્યો રહ્યો ને તેમને પાછા બોલાવીને બેસાડવા માસીને મેદાનમાં દોડમદોટ કરવી પડી! માંડ માંડ કાગળ પૂરો કર્યો ને પછી બે વડલાનાં પાન સીવીને દરજીડાએ પોતાની બેઠક બનાવી હતી, તે શોધી કાઢી અને તે તેમાં બેસવા ક્યારે આવે તેની રાહ જોતા બેસી રહ્યા. માસી જમવા માટે બૂમો પાડીને થાકી ગયાં. પણ દરજીડાને જોવાની પ્રતીક્ષામાં છુપાઈને બેઠેલા બંનેએ માસીને પણ ત્યાં બેસાડી દીધાં! ત્યારે માસીને થયું કે શોભાની વાત ખોટી નથી. બંનેને સાચવવા એ સહેલું કામ નથી. બપોરે વાર્તા કરતાં કરતાં માસી ઊંઘી ગયાં. બંને પણ માસીની પાસે ઊંઘી ગયા હતા. પણ ક્યારે ઊઠીને ફળિયામાં ચાલ્યા ગયા તેની ખબર પડી નહીં. એ તો મુન્નુને પગમાં મોટો મંકોડો ચોંટી ગયો ને ઉખડે જ નહીં, રાડારાડ કરવા મંડ્યો ત્યારે ખબર પડી કે વડલાની નીચે મધપૂડામાંથી મધ ટપકે છે કે નહીં એ જોવા ગયા હતા! મંકોડો ઉખેડ્યો. પણ લોહી નીકળ્યું. પછી નાનીમાએ બહાર રમવા જવાની ના પાડી. અને ઘરમાં જ રમવા કહ્યું. બંને તેમાં મશગૂલ તો બની ગયા. પણ મોટાએ નાનાને ચીડવ્યો કે ‘તારા સાપનું મોઢું તો વાંદરા જેવું છે! આવો તે કંઈ સાપ હોય! ને પૂંછડી તો હાથીના પૂંછડા જેવી છે!’ બસ થઈ રહ્યું. નાનાનો મિજાજ ગયો. તેણે મોટાએ સરસ રીતે દોરેલી સાપસીડી પર પેન્સિલથી જોર જોરથી ચારે બાજુ લીટા કરી નાંખ્યા! અને તેથી મોટો ગુસ્સે થયો ને તેણે નાનાએ એક ઝાપટ મારી દીધી ને પછી નાનાએ જોરથી ભેંકડો તાણ્યો! આ પરિસ્થતિને કેવી રીતે કાબૂમાં લેવી એ માસીને સમજાતું નહોતું. માસી તો બંનેને મનાવતાં રહ્યાં, તેમ તેમ તો બંનેનો જુસ્સો વધતો ગયો. આખરે એની મમ્મીને દરમિયાનગીરી કરવી પડી ને બંને ચૂપ થયા. પણ પછી બહાર નીકળતાં પારિજાત પર નાની કાળી ચકલીને જોતાં નાનાએ બૂમ પાડી કહ્યું “ભૈયા, જલદી આવો તો કંઈક બતાવું.” ને ચકલી પકડવાની યોજનામાં બંને એક થઈ ગયા! ક્ષણ પહેલાંના અબોલા તો ક્યાંય અદ્રશ્ય થઈ ગયા.જાણે એવું કદી બન્યું જ નહોતું. આ જોઈને માસી મનમાં વિચારી રહ્યાં કે મોટાઓ પણ આ જ રીતે બધું ભૂલી શકતાં હોય તો?
તે રાત્રે માસીને વચ્ચે સુવડાવીને બંને આજુબાજુ સૂતા ને મોટાએ કહ્યું, “માસી, સરસ મજાની વાર્તા કહો. પણ સાચી બનેલી. ખોટેખોટી નહીં.”
“તમારે સાચી વાત સાંભળવી છે?”
“હા”
“તો ગયા ઉનાળાની રજાઓમાં તમે પોંડિચેરી ગયા હતા,તે તમને યાદ છે?”
“હા બધું યાદ છે. ત્યાંના સમુદ્રમાં અમે ખૂબ નહાયા હતા.”
“પણ ત્યાં તમે શ્રી અરવિંદની સમાધિ પર ગયા હતા?
“ત્યાં તો અમે રોજ જતા ને પ્રણામ કરતા.”
“અમે તો ઉપર શ્રી અરવિંદની રૂમમાં પણ ગયા હતા.”
“પણ તમને શ્રી અરવિંદની વાતની ખબર છે?”
“ત્યારે અમને ડેડીએ થોડી વાત કરી હતી. પણ બધું યાદ નથી. તમે અમને એ વાત કહો.”
માસીએ શ્રી અરવિંદના જીવનની વાત કહેવી શરૂ કરી. બાળકોની અંગ્રેજ જેવા બનાવવાની પિતાની ધુન, સાત વરસની ઉંમરે ઈંગ્લેંડમાં માતાપિતાથી દૂર પાદરીને ત્યાં રહેવાની વ્યવસ્થા, પૈસાની તીવ્ર ખેંચ- અનેક મુશ્કેલીઓ છતાં વર્ગમાં પ્રથમ નંબર- અનેક વિષયોનાં ઈનામો- આ બધી એમના બાળપણની – અભ્યાસની વાતો બંને સાંભળતા રહયાં. પછી તો રોજ રાત્રે આ ક્રમ ચાલુ રહ્યો. માસીના આશ્ચર્ય વચ્ચે એક દિવસ બંનેએ પથારી લીધીને વહેલા વહેલા સૂવા માટે તૈયાર થઈ ગયા.
“કેમ રે? આજ આટલું વહેલું!”
“માસી,પછી શ્રી ઓરોબિંદોની વાત પૂરી નહીં થાય- એટલે હવે આપણે વહેલી વાત શરૂ કરશું?”
બાળકોને આટલો બધો રસ પડતો જોઈને માસી પણ બમણા ઉત્સાહથી બાળકોને રસ પડે તે રીતે વાત કરવા લાગ્યાં. અને એમની અનુભવી શિક્ષકની દ્રષ્ટિ બાળકોનાં ચિત્તમાં આ વાતના પડતા પ્રભાવની નોંધ લેતી રહી. એક દિવસ તેમણે શ્રીમાતાજી આઠ વરસનાં હતાં ને જંગલમાં ફરવા ગયાં ત્યારે એક વૃક્ષની ચેતનાએ તેમને બોલાવ્યાં એ વાત કરી. એ વૃક્ષ પાસે ગયાં તો એક કઠિયારો કુહાડીથી એ વૃક્ષને કાપતો હતો. એ વૃક્ષે આંસુ ભરી આંખે માતાજીને કહયું, “મને બચાવી લો.” કઠિયારાને વિનંતી કરીને તેમણે એ વૃક્ષને બચાવી લીધું – આ વાતની તો બંનેના ચિત્ત ઉપર પ્રબળ અસર થઈ. બીજે દિવસે સવારે મોટી બહેન જ્યારે બગીચામાં ગયાં તો નાનો હાથમાં પાણીની પાઈપ પકડી ગુલાબના છોડને નવડાવી રહયો હતો...!
“અરે, અત્યારમાં તું આ શું કરે છે?”
“માસી, એને સ્નાન કરાવું છું.”
“કેમ?”
“જુઓને એ કેટલો ગંદો થઈ ગયો છે! એને ગંદા રહેવું બિલકુલ ગમતું નથી, એમ તે કહે છે.”
માસી તો આશ્વર્યથી આ નાના બાળકને જોઈ જ રહ્યાં. એ પછી તેઓ દરરોજ ફૂલ છોડને નવડાવતા રહ્યા. ફૂલ ચૂંટવાનું કામ પણ તેઓ કરવા લાગ્યા. એક દિવસ મોગરાના છોડ પર ત્રણ ચાર ફૂલ બાકી હતાં. માસીએ કામવાળીને તે ફૂલ ઉતારી લાવવા કહ્યું. તેણે ફૂલ તોડી લીધાં, પછી નાનાને ખબર પડી, એટલે તેણે ભેંકડો તાણ્યો.
“એણે ફૂલ કેમ તોડ્યાં?”
“મેં તેને કહ્યું એટલે તોડ્યાં!”
“પણ આટલાં બધાં તો ભગવાનને માટે તોડ્યાં જ છે.મેં એટલાં ફૂલ છોડ પર ખાસ રહેવા દીધાં. બધાં ફૂલ તોડી લઉં તો મોગરાને ખરાબ લાગે છે, તે હસતો નથી!”
વનસ્પતિ સાથેના તાદાત્મ્યની આટલી સઘન અનુભૂતિ બાળકો કરી રહ્યાં હતાં, અને તેમના વર્તનમાં એ પ્રગટ થઈ રહ્યું હતું, એ પ્રત્યક્ષ જોઈને માસી આનંદથી વિભોર બની ગયાં ને રડતા મુન્નુને વહાલથી ચૂમી ભરીને કહ્યું, “બેટા, મને ખબર નહોતી કે બધાં જ ફૂલ તોડી લેવાથી મોગરાને ખરાબ લાગે છે. હવેથી હું હંમેશા થોડાં ફૂલ રહેવા દઈશ.”
તે રાત્રે શ્રી અરવિન્દના જેલજીવનની વાત આવી. જેલમાં એકાંત ખોલીમાં એમને સહેવા પડતાં કષ્ટોની વાત સાંભળીને બંનેના ચહેરા ઉપર દુ:ખ ફરી વળ્યું. પણ પછી જેલમાં ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા. એમને સર્વત્ર એમના દર્શન થયાં. એ વાત સાંભળીને બંને આનંદમાં આવી ગયા. પછી તો તેઓ વારંવાર પૂછવા લાગ્યા, “હેં માસી, સાચ્ચે જ બધામાં શ્રી કૃષ્ણ દેખાય?”
“હા, જરૂર દેખા!”
“ખરબચડા ધાબળામાં, જેલના સળિયામાં, દીવાલોમાં બધામાં એમને શ્રીકૃષ્ણ ભગવાન દેખાય.”
“આપણે પણ જોઈ શકીએ?”
“હા જરૂર.”
“હા, પણ આપણેય ‘મેડિટેશન’ કરવું પડે. ‘ડેડી’ બારણું બંધ કરીને મેડિટેશન નથી કરતા?”
બીજે દિવસે સવારે નહાઈધોઈને તૈયાર થયા બાદ બંનેએ માસીને કહ્યું, “ચાલો માસી, આપણે મેડિટેશન કરીએ.”
“તેમાં શું કરવાનું?” માસીએ અજાણ બની પૂછ્યું.
“એટલીય તમને ખબર નથી, ભગવાનને આપણી અંદર બોલવવાના.” નાનાએ કહ્યું.
પછી માસીને વચ્ચે બેસાડી આજુબાજુ બંને બેઠા. નાનીમાએ શિખવાડેલ ‘શ્રીકૃષ્ણ: શરણં મમ’ ના મંત્રનો શરુઆતમાં મોટે મોટેથી પાઠ કર્યો અને પછી ધ્યાન શરુ થયું. દસેક મિનિટમાં મોટો તો હલચલ કરવા મંડ્યો. પણ નાનો એકાગ્ર થઈને બેસી રહ્યો. પંદર-વીસ મિનિટ વીતી ગઈ. પછી એ જાગ્યો, કહે, “માસી, મંત્ર બોલતાં બોલતાં ‘વ્હાઈટ લાઈટ’ માથા ઉપરથી અંદર આવી, પછી ‘બ્લુ લાઈટ’ ને પછી ‘ગોલ્ડન લાઈટ’ આવીને એમાં મારું આખું શરીર પીગળી ગયું ! પછી શું થયું ખબર નથી.
‘બેટા,આટલાં વરસોના ધ્યાન પછી પણ માસીને આવી અનુભૂતિ નથી થઈ. એ તને પહેલી જ વારમાં થઈ.’ આટલા છ વરસના બાળકને આવી કલ્પના આવે જ નહીં એટલે એ કાલ્પનિક અનુભૂતિ તો નહોતી જ. વળી તેના ચહેરા ઉપર એક શાંત આભા ઝળકી રહી હતી, એ જોઈને માસીને થયું કે સાચ્ચે જ દિવ્યચેતનાનો તેને અનુભવ થયો છે. માસીએ તેને કહ્યું,
“બેટા, સાચ્ચે જ તારા ઉપર કૃષ્ણકૃપા ઉતરી છે.”
“તો પછી મને બધેય શ્રીકૃષ્ણ ભગ્વાન દેખાશેને?”
“હા, જરૂર દેખાશે.”
“તો તો હું રોજ મેડિટેશન કરીશ.”
જ્યારે નાનીમાએ આ વાત સાંભળી, ત્યારે તેઓ તો બંને ઉપર વારી જ ગયાં અને વહાલથી વરસી પડ્યાં. તેમણે કહ્યું, “હવે હું તમને રોજ ભગવાનની સ્તુતિનો એક એક શ્ર્લોક શિખવાડીશ.” પણ એક જ દિવસમાં તમારે એ મોઢે કરી લેવાનો, એ શરત.” બાળકોએ શરત મંજૂર રાખી, સરસ્વતી, ગણેશની સ્તુતિથી માંડીને રામ, કૃષ્ણ, વિષ્ણુ, શિવ,શક્તિ, સૂર્ય, હનુમાનજી –આ બધાંની સ્તુતિનો દરરોજ એકેક શ્ર્લોક શીખવા લાગ્યા. જે કોઈ આવે તેમની આગળ પોતે મેળવેલી ‘મહાન સિદ્ધિ’ નું પ્રદર્શન પણ કરવા લાગ્યા. એક દિવસ મોટા મામા સવારે આવ્યા. ઘરમાં શાંતિ પથરાયેલી જોઈને તેમને નવાઈ લાગી.
“ચીકુ, મુન્નુ બહાર ગયા છે શું?”
નાની બહેને કહ્યું, “અહીં આવો, જુઓ તેઓ શું કરે છે તે?”
તેમને બંનેને માસીની આસપાસ ધ્યાનમાં મગ્ન થયેલા જોઈને મામા તો તાજુબ જ થઈ ગયા!
“આ તોફાનીઓ ધ્યાનમાં! હું સ્વપ્ન તો નથી જોતો ને?”
“હમણાં તો આવું જ ચાલે છે.”નાની બહેને કહ્યું.“જોઈએ રમત તેમની ક્યાં સુધી ચાલે છે?”
તે દિવસે માળામાંથી ખિસકોલીનું બચ્ચું નીચે પડી ગયું. ચીકુને ખબર પડી. ચૂપકીદીથી તેણે પકડી લીધું. ઉંદરના મોટા પાંજરામાં નેપકીન ઉપર સુંવાળું કપડું બિછાવી પોચી પથારી કરી તેમાં સુવડાવી દીધું. અર્ધી અર્ધી કલાકે તેને દૂધ પિવડાવવા બહાર કાઢે. પંપાળીને પછી પાછું સુવડાવી દે. બંનેએ એનું નામ પણ પાડી દીધું. ફ્રીસ્કી. પછી તો આખો દિવસ ફ્રીસ્કીની જ વાતો ચાલી. તેને કઈ રીતે મુંબઈ લઈ જવું, ત્યાં ક્યાં રાખવું, નિશાળે જાય ત્યારે કેવી રીતે સાચવવું, એ બધી જ યોજનાઓ બંનેએ સાથે મળીને ઘડી લીધી. ને એમ સાંજ પડી ગઈ. આખરે ખિસકોલીએ શોધી કાઢ્યું કે તેનું બચ્ચુ પિંજરામાં છે, તે પિંજરાની આજુબાજુ આંટા મારવા લાગી.
“કહું છું, છોડી દો બચ્ચાને!”
“ના મમ્મી. અમારે એ જોઈએ છે. અમે નહીં છોડીએ.”
“જો બેટા, તને કોઈ પાંજરામાં પૂરી દે, ને મમ્મી બહાર ઊભી ઊભી જોયા કરે તો તને ને મમ્મીને કેવું દુ:ખ થાય? તેની મમ્મી રડે છે.”
“ભૈયા, મમ્મીની વાત સાચી છે. આપણે એને છોડી મૂકીએ.”
છોડી મૂકતાં પહેલાં પાછું દૂધ પિવડાવ્યું. થપથપાવ્યું ને છૂટ્ટું મૂકી દીધું. અને તુરત જ ખિસકોલી એને મોઢામાં પકડીને લઈ ગઈ. એ જોઈને બંને તેને ગુમાવ્યાના દુ:ખને ભૂલીને આનંદિત થઈ ગયા.
આમ હવે વેકેશનના દિવસો ખૂબ ઝડપથી પસાર થઈ રહ્યા હતા. એમાં માસીને પાંચ દિવસ કૉન્ફરન્સમાં જવાનું થતાં બંને બાળકો ખૂબ ઉદાસ થઈ ગયા. પણ હવે એમની મમ્મી પૂરી સ્વસ્થ થઈ ગઈ હતી. એમણે બંને બાળકોને ખાનગીમાં એક યોજના બતાવી ને બંને આનંદથી તાળીઓ પાડી કહેવા લાગ્યાં, “તમે જાઓને, અમે અહીં શું કરશું, એ અમે તમને કહેશું જ નહીં! અમે તો ખૂબ ખૂબ મજા કરશું, નહીં મમ્મી!”
જ્યારે માસી જવા નીકળ્યાં ત્યારે મુન્નુએ કહ્યું : “માસી તમારી પર્સ સૂતાં પહેલાં ખોલીને જોજો.” સૂચના પ્રમાણે માસીએ પર્સની અંદરનું ખાનું ખોલ્યું તો એક કવર હતું. કવરની અંદર હતી પાંચ દિવસની તારીખ લખેલી પાંચ કાપલીઓ-તેમાં લખ્યું હતું “ગુડ નાઈટ માસી!” ટ્રેનમાં હાથમાં કાપલી લઈને માસી તો વિભોર બની ગયાં ને મનોમન બોલી ઊઠયાં, “ચીકુ, મુન્નુ તમારા નિખાલસ, પ્રેમભર્યા હૃદયને જ આ સૂઝે!” એ નિર્મળ પ્રેમપ્રવાહ દ્વારા માસી ટ્રેનના ઘઘરાટમાં પણ ગુડનાઈટના મીઠા તીણા અવાજને સાંભળી રહ્યાં! તેમને આ બાળકોએ એ દર્શન કરાવ્યું કે આત્માને જો દિવ્યચેતનાનો સ્પર્શ થઈ જાય તો પછી તેમનામાંથી પ્રેમ અને આનંદની જ અભિવ્યક્તિ થવા લાગે છે.
પાંચ દિવસની કૉન્ફરન્સ પૂરી કરીને છઠ્ઠે દિવસે વહેલી સવારે સાત વાગ્યાની ટ્રેનમાં મોટી બહેન જ્યારે ઘરે આવ્યાં, ત્યારે રિક્ષામાંથી જ તેમણે રસ્તા ઉપર રાહ જોતા ઉભેલા ચીકુ-મુન્નુને જોઈ લીધા. પણ દૂરથી રિક્ષાને આવતી જોઈને બંને દરવાજાની પાછળ સંતાઈ ગયા ને મોટીબહેન પણ અજાણ બની ગયાં. પણ જેવાં તેઓ દરવાજામાં પેઠાં કે બંનેએ હાઉ કરીને માસીને ડરાવી દીધાં! ને તેનો આનંદ બંનેના ચહેરા ઉપર છવાઈ રહ્યો. પછી માસીના હાથમાંથી બેગ લેતાં કહ્યું,
“હેપી બર્થ ડે માસી!”
“અરે, તમને ક્યાંથી ખબર?”
“મમ્મીએ કહ્યું. અમને એ પણ ખબર છે કે તમે દસ વાગે જન્મયાં છો.”
“એ અમને નાનીમાએ કહ્યું.”
“જુઓ માસી, તમારા ઓરડાને અમે તાળું માર્યું છે. દસ વાગ્યા પહેલાં ખોલવાની મનાઈ છે.”
“કેમ ?”
“એ અમારું સિક્રેટ છે. અમે તમને નહીં બતાવીએ.”
“અરેરે, નક્કી મારી ગેરહાજરીમાં તોફાન કર્યું લાગે છે?”
“એ તો તમે ઘરમાં આવો પછી ખબર પડે.” બંને માસીનો હાથ પકડીને ઘરમાં લઈ આવ્યા અને માસી એમના ઓરડા તરફ જતાં હતાં ત્યાં બંને તેમનો રસ્તો રોકીને ઊભા રહી ગયા ને કહ્યું, “માસી પ્લીઝ. નહીં. દસ વાગે.”
“હજુ તો ખાસ્સા બે કલાકની વાર છે. હવે તો મને ચટપટી થાય છે કે ક્યારે દસ વાગે ને ક્યારે મારો રૂમ ખૂલે.”
“અને પછી જ્યારે દસ વાગે રૂમ ખોલ્યો ત્યારે માસીના અચંબાનો પાર ન રહ્યો. રંગબેરંગી કાગળોનાં તોરણોથી આખો ઓરડો શણગારેલો હતો. બરાબર વચ્ચે ટિપોય પર જરીના રંગીન કાગળોથી મઢેલું પૂંઠાનું મોટું ઘર હતું. ઘરની આસપાસ વૃક્ષો હતાં. વૃક્ષની એક ડાળીએ નાનકડો ઝૂલો લટકતો હતો! બંનેએ હાથમાં એ ઘર લઈને ‘હેપી બર્થડે ટુ યુ, ડીયર ડીયર માસી’ – ગાતાં ગાતાં માસીના હાથમાં આપ્યું. અને તે જ ક્ષણે માસીના માનસપટ પર All can be done if the God touch is there – ‘સાવિત્રી’ માં લખેલી શ્રી અરવિંદની આ પંક્તિ તાદશ થઈ. સાચ્ચે જ પ્રભુના સ્પર્શે બાળકોનાં હૃદયમાં સુષુપ્તપણે રહેલો પ્રેમ જાગી ગયો હતો. માસીને આ ભેટ આપતી વખતે બંનેના મુખ ઉપર જે આનંદ છવાયો, એવો આનંદ ભાગ્યે જ તેમનામાં જોવા મળતો હતો. પછી તો તેમણે બંનેએ મમ્મીને ને માસીને હાથ પકડીને નચાવ્યાં. એમને આ રીતે છોડીને ચીકુ સરકી ગયો ને નાનો બંનેને નચાવતો રહ્યો. આખરે ચીકુએ ઈશારો કર્યો એટલે નાનાનું ગાન પૂરું થયું ને તે બધાંને ડાઈનિંગ ટેબલ પર લઈ આવ્યો.
“માસી આજે મારી બનાવેલી ચા તમને પિવડાવીશ.”
“મમ્મી પાસેથી હું ચા બનાવતાં શીખી ગયો છું!”
આ વળી બીજી નવી વાત માસીએ સાંભળી!
“અરે, આવા સુંદર કપ-રકાબી ક્યાંથી”
માસીનું આશ્વર્ય જોઈને બંનેનું મોઢું મલક મલક થવા માંડ્યું. પછી કહે, “તમને ગમ્યાં ને? આ અમારી બર્થડે ગિફ્ટ છે.”
“તમે મને ઘર તો આપ્યું!”
“એ કંઈ ઉપયોગમાં ન આવે. આમાં તો તમે રોજ ચા પીશોને?”
“દીદી, તમે ગયા પછી બેઉ જણાએ તમને ગિફ્ટ આપવા નક્કી કર્યું. બેત્રણ દિવસ જુદી જુદી વસ્તુઓનો વિચાર કર્યો પછી એમને લાગ્યું કે સારી જાતનાં ક્પ-રકાબી તમારી પાસે નથી અને તેઓ મને બજારમાં લઈ ગયાં. અનેક જોયા પછી આના પર પસંદગી એમની જ છે, હું માત્ર મૂળ પ્રેક્ષક જ હતી!”
“માસી, તમને અમારી ભેટ ગમી ને?”
“અરે બહુ બહુ ગમી. આવી સુંદર પસંદગી તો હું પણ ન કરી શકત.”
અને ત્યારે બંનેના ચહેરા ઉપર પ્રગટેલો આનંદ હવે સમુદ્રની ભરતીની જેમ ઊછળી રહ્યો હતો! અને તે દિવસે માસીને એ ચામાં જે અમૃતનો સ્વાદ મળ્યો તેવો ક્યારેય મળ્યો ન હતો. પછી તો માસીએ પણ બંનેને એરોપ્લેન અને પાટાવાળી નાની ટ્રેનની ભેટ આપી ખુશ કરી દીધા! પણ પછી નાનાએ ધડાકો કર્યો.
“માસી મારે કાલની મુંબઈ જવાની ટિકિટ આવી ગઈ છે!”
“હજુ તો દસ દિવસની વાર છે, તારી સ્કૂલ ખૂલવાને. તું મને બનાવે છે!”
“ના માસી સાચું કહું છું!”
“ખરેખર? કેમ આટલાં વહેલાં?”
“ડેડી બેંગલોરથી આઠ દિવસ માટે મુંબઈ આવે છે. મમ્મી કહે છે, અમે ત્યાં પહોંચી જઈએ તો સ્કૂલનાં પુસ્તકો, નોટો બધું લેવાઈ જાય!” મોટાએ કહ્યું.
“પણ માસી, હવે આપણી ‘શ્રી ઓરોબિંદોની કહાની’ પૂરી નહીં થાય. આવતા ઉનાળામાં અમે આવશું ત્યારે જ હવે તો થશે!”
“કેમ દિવાળી ઉપર નહીં આવો?”
“ના, અમે ત્યારે દાદા-દાદી પાસે જશું ને બધા શ્ર્લોક તેમને સંભળાવશુ!” એની ખુશી અત્યારથી તેના ચહેરા ઉપર દેખાતી હતી.
સ્ટેશને મૂકવા આવેલાં માસીની બંનેએ ભારપૂર્વક મુંબઈ આવવાનું આમંત્રણ આપ્યું. નાનીબહેનની આંખમાં આંસુ ઊમટી આવ્યાં ને ગળગળા અવાજે બોલી:
“થાકેલી આવેલી પણ પ્રફુલ્લિત થઈને જાઉં છું! ખરેખર આ વેકેશન અદ્દભૂત બની ગયું!”
“અમે ત્રણેય નવું જ જીવન લઈને પાછાં જઈ રહ્યાં છીએ.” “તો તને હવે સમજાયું ને કે બાળકોને જો સાચી ચેતનામાં મૂકવામાં આવે તો તેઓ વાસ્તવમાં ખૂબ પ્રેમાળ ને આનંદી જ હોય છે...!”
આનંદથી સભર બનેલાં ત્રણેયને વળાવીને રાત્રે મોટીબહેન ઘરે આવ્યાં ને પોતાના ટેબલને સરખું કરવા ગયાં ત્યાં ટેબલના કાચ નીચે કાર્ડમાં ઉપર નાના મોરપીંછની નીચે મોટા લાલ અક્ષરે લખ્યું હતું. “માસી ગુડ નાઈટ – પૂરા એક વરસ માટે!” આ શબ્દોની પાછળનો પ્રેમ માસીના અંતરમાં વ્યાપી ગયો ને તેમની આંખમાંથી આંસુ સરી પડ્યાં.
પંદર દિવસ બાદ તેમને મળેલા પત્રમાં નાની બહેને લખ્યું હતું, “દીદી, બંને તમને ખૂબ ખૂબ યાદ કરે છે. હવે તો સવારની સ્કૂલ શરુ થઈ ગઈ છે.સવારે સમય મળતો નથી. પણ રાત્રે સૂતાં પહેલાં બધા શ્ર્લોકોથી પ્રાર્થના કરે છે ને પછી મેડિટેશન કરે છે ને સૂતી વખતે બંને એક સાથે ત્યાં જેમ કહેતા હતા તેમ જ કહે છે, “ગુડનાઈટ, માસી.” એ પછી જ સૂએ છે. આ વાંચતા માસીના ટેબલ પરના કાચની નીચેના શબ્દોમાંથી આંદોલનો પ્રગટ થઈને માસીના કાનમાં ગુંજવા લાગ્યા,”ગુડનાઈટ માસી!”
‘દેવ શિશુના ઘડવૈયા માતાપિતા’ લેખક: જ્યોતિ થાનકી