Friday, August 27, 2010
આપ્યું અને તાપ્યું
વાત જૂના જમાનાની છે.
દસેક વરસનો એક છોકરો. અર્જુન એનું નામ.
અર્જુનના બાપા નગરશેઠ હતા. એમની સંપત્તિનો પાર નહોતો. મોટો એક મહેલ હતો. ધીકતો વેપાર હતો. સાત સાત વહાણોના સાત સાત કાફલા સાત સાત દરિયા ઉપર ચાલતા હતા.
અર્જુન નગરશેઠનો એકનો એક દિકરો હતો. એટલે એના લાડનો પાર નહીં. પાણી માગે ત્યાં દૂધ હાજર થાય. ઘરેણું પહેરવાની ઈચ્છા થાય તો સોનાની આખી દુકાન એના પગ પાસે ઠલવાઈ જાય. કપડું માગે ત્યાં મોટી ગાંસડી હાજર થાય.
અર્જુનને એના બાપે મોઢે પણ બહુ ચડાવેલો. ભણેગણે કશું નહિ. છોકરાઓ સાથે કજિયા કરતો ફરે. રસ્તે જતાં-આવતાંની મશ્કરીઓ કરે. શિક્ષકની સામે થાય અને શિક્ષક એને કશો ઠપકો આપે તો ઊલટો મારવા દોડે.
નગરશેઠનો દીકરો, એટલે એને કોઈ કશું કહી પણ ન શકે. જો કોઈ કશું કહે તો તરત નગરશેઠના માણસો છૂટે. કહેનારને જ મારે.
ગામ આખાનાં લોકો પાસે નગરશેઠ પૈસા માગે. જો કોઈ અર્જુનની ફરિયાદ કરે તો શેઠ તરત એની પાસે પૈસાનો તકાદો કરે. પૈસા ના મળે તો બિચારાને જેલમાં ધકેલી દે. ગામનો રાજા પણ શેઠનો દેવાદાર હતો. શેઠ કહે તેને સજા કરતો.
પૈસાનું જોર એવું છે. પૈસા આગળ મોટા મોટા રાજા અને પ્રધાનો પણ ગુલામ બની જાય છે.
આમ અર્જુન એના બાપાને પૈસે લહેર કરતો હતો. એને પહેરવા-ઓઢવા અને ખાવાપીવા સિવાય કશું આવડતું નહોતું.
એમ કરતાં અર્જુન વીસેક વરસનો થયો. અચાનક નગરશેઠ માંદાં પડ્યા. અને મરી ગયા. મરતાં મરતાં એ બધી મિલકત અર્જુનને આપતાં ગયા.
હવે તો અર્જુનને મજા પડી ગઈ. કમાવાની ચિંતા નહોતી. બાપા અઢળક દોલત આપતા ગયા હતા. એણે પોતાના ઘરમાં મિજબાનીઓ ગોઠવવા માંડી. નાચગાનનાં જલસા શરૂ કર્યા. દિવસો ઉપર દિવસો આમ જ પસાર થવા લાગ્યા.
અને એક દિવસ એક માઠા સમાચાર મળ્યાં. દરિયામાં તોફાન જાગ્યું હતું અને અર્જુનના સાતે કાફલા એ તોફાનમાં ડૂબી ગયા હતા.
એક દિવસ અર્જુન એના મિત્રો સાથે શિકારે ગયો. ઘોડે ચડીને હથિયારો સજીને સૌ મિત્રો નીકળી પડયા. દૂરદૂરના જંગલમાં પહોંચી ગયા.
એ વખતે એનો મહેલ સાચવવા એક પહેરગીર જ રહ્યો હતો.
સાંજના વખતે એકાએક મોટી ગડગડાટી સંભળાઈ. ધરતીની અંદર જાણે કોઈએ મોટો ગોળો ગબડાવ્યો હોય એવો અવાજ આવ્યો. લોકો સમજી ગયા: ધરતીકંપ થવા લાગ્યો હતો. એકાએક ધરતીએ મોટા આંચકા ખાવા માંડયા અને એવા એક આંચકાથી અર્જુનનો મહેલ કડડભૂસ કરતો ભાંગી પડ્યો. પહેરેગીર એની ઓરડીમાં બેઠોબેઠો રસોઈ કરતો હતો. એ બિચારો મહેલના કાટમાળ હેઠળ દટાઈ ગયો અને એના ચૂલામાંના લાકડાં આસપાસ વેરાઈ ગયાં.
એ સળગતાં લાકડાંએ તો વળી બીજો કેર કર્યો. મહેલના ભાંગી પડેલાં લાકડાં એને કારણે સળગી ઊઠયાં. અર્જુનના મહેલના ભંગારમાં આગ લાગી ગઈ. એના ઘરનું રાચરચીલું, કબાટ, તિજોરીઓ, કપડાં બધું સળગી ઊઠ્યું. આગ ઠારવા કોઈ ન આવ્યું. ગામના લોકોને નગરશેઠે બહુ સતાવ્યા હતા. એની ધરવખરી બચાવવા કોણ દોડે?
દોડ્યા ફક્ત થોડા ચોર. એમણે સળગતી આગમાં ઝુકાવીને પણ ધનની પેટીઓ ને તિજોરીઓ બહાર ખેંચી કાઢી અને બધું ઘન લઈને એ ચાલતા થયા.
ત્રણ દિવસ પછી અર્જુન શિકારેથી પાછો આવ્યો. ત્યારે બળી બળીને કાળા પડી ગયેલા પથરા સિવાય કશુંક બચ્યું નહોતું. અર્જુનના મહેલની એ હાલત જોઈને એના મિત્રોએ તરત પોતાના ઘોડા હંકારી મૂકયા. અર્જુનને આશ્વાસન આપવા પણ કોઈ ઊભું ન રહ્યું.
બિચારો અર્જુન ! એ ઘોડા પરથી ઊતરીને જમીન પર આળોટી પડયો. એ હવે સાવ ગરીબ થઈ ગયો હતો ભિખારી જેવી એની હાલત બની ગઈ હતી એના બાપાએ આપેલી બધી મિલકત ખતમ થઈ ગઈ હતી.
એ પચીસ વરસનો થયો હતો. પણ એને કશું કામ આવડતું નહોતું. હવે શું ખાવું, શું પહેરવું અને કયાં રહેવું એ પણ સવાલ થઈ પડયો.
ત્યારે જ એની આંખ ઊઘડી. પોતે કશું ભણ્યો નહોતો એને પસ્તાવો થયો. વેપાર- ધંધામાં પણ કશું ધ્યાન આપ્યું નહોતું એનો વસવસો થયો. પણ હવે શું? બાપાએ આપ્યું હતું એ બધું એ ગુમાવી બેઠો હતો. તમે શિયાળાની રાતે તાપણા નજીક બેસો. ખૂબ તાપો. એથી એ વખતે તો ટાઢ લાગતી નથી. પરંતુ જેવા તાપણાથી દૂર જાવ તેવી ટાઢ લાગવા માંડે છે. તાપેલું કામ આવતું નથી. તેમ તમને ગમે તેટલો મોટો વારસો મળે, એ સદાય બેસી રહેતો નથી. પણ અર્જુનને કશી ચિંતા નહોતી. મહેલ જેવડું ઘર હતું અને અંદર તિજોરીમાં લાખો રૂપિયા પડયા હતા. સાચવતાં ન આવડે તો બાપનું કે બીજા કોઈનું આપેલું કામ આવતું નથી. એવું ધન તો કયારે ઊડી જાય એય સમજાતું નથી.
આવા વિચારો કરતો અર્જુન સાવ સૂનમૂન થઈને બેઠો હતો. ત્યારે જ એનો ખભો કોઈએ હલાવ્યો. એણે પાછા વળીને જોયું. એનો ઘોડો ઊભો ઊભો એના ખભાને હલાવતો હતો.
અર્જુન ઊભો થયો. એણે ઘોડાની પીઠ થાબડી. હવે એની પાસે એક આ ઘોડો જ રહ્યો હતો. એ ઘોડાને દોરીને અર્જુન ગામની ધર્મશાળામાં લઈ ગયો. હવે એને માટે આ ધર્મશાળાનો જ આશરો રહ્યો હતો.
પણ ધર્મશાળામાં તો રહેવા મળે. ખાવાનું શું? સાંજ પડતાં જ ભૂખ લાગી. એટલે અર્જુન એક મિત્રને ઘેર ગયો અને ખાવાનું માગ્યું. પણ મિત્ર તો એના પૈસાનો સગો હતો. હવે એ અર્જુનને શેનો દાદ આપે? એણે અર્જુનને કાઢી મૂકયો.
બીજા, ત્રીજા, ચોથા એમ બધા મિત્રોએ તેને જાકારો દઈ દીધો. આખરે અર્જુન એક સાવ અજાણ્યા ખેડૂતને આંગણે જઈને ઊભો રહ્યો. ત્યાં એણે ખાવાનું માગ્યું. ખેડૂતને એની દયા આવી. પણ સાવ મફતમાં ખાવાનું કોણ આપે? ખેડૂતે કહ્યું, “મારું એક કામ કરે તો થોડા પૈસા દઉં. એમાંથી ખાવાનું લઈને ખાજે.”
અર્જુને પૂછ્યું, “શું કામ?”
ખેડૂત કહે, “મારી દીકરીનાં લગ્ન નક્કી થયાં છે.એની કંકોતરી એના સસરાને ગામ પહોંચાડવાની છે. અહીંથી દસ ગાઉં દૂર છે. બોલ, જઈશ?”
પહેલાં તો અર્જુનને થયું કે, કામની ના પાડી દઉં. એણે આખી જિંદગી કશું કામ જ નહોતું કર્યું. પછી પારકો કાગળ પહોંચાડવાનું કામ તો ગમે જ શાનું ? પણ પછી એને પોતાની ભૂખ યાદ આવી અને પોતાનો ઘોડો યાદ આવ્યો. ઘોડા પર બેસીને કંકોતરી પહોંચાડવી અઘરી નહિ પડે, એવું લાગ્યું. એણે ખેડૂતને કામ કરવાની હા પાડી દીધી. એ કંકોતરી લઈને ચાલી નીકળ્યો.
આખે રસ્તે એ વિચારતો હતો કે બાપાએ આપેલું કશું રહ્યું નથી. હવે મારે મારી મહેનતથી જ જીવવાનું છે.
એમ કરતાં દસ ગાઉની સફર પૂરી થઈ. પેલા ખેડૂતના વેવાઈને એણે કંકોતરી પહોંચાડી. એ ખેડૂતે એને વહાલથી એક દિવસ રાખ્યો. જમાડયો. પછી એને દક્ષિણા આપીને વિદાય કર્યો. એણે વળી પાછો ઘોડો દસ ગાઉ દોડાવ્યો. પોતાને ગામ એ પાછો આવ્યો. ખેડૂતને ખબર આપ્યા કે તમારી કંકોતરી પહોંચી ગઈ છે. એ સાંજે એણે પેલી દક્ષિણાની રકમમાંથી ગામના કંદોઈ પાસેથી ગાંઠિયા લઈને ખાધા. એને લાગ્યું કે બાપને પૈસે મળતાં મેવા-મીઠાઈઓ કરતાં આ ગાંઠિયા વધુ મીઠા છે.
એ પછી તો અર્જુનને આવાં ઘણાં કામ મળવા લાગ્યાં. પોતાના ઘોડા પર બેસીને એ તે ગમે તે ગામે કાગળ, પત્ર, કંકોતરી પહોંચાડી આવતો. એનું માન વધવા લાગ્યું. એક મહેનતુ અને પ્રામાણિક માણસ તરીકે એ મશહૂર થઈ ગયો.
લેખક – યશવન્ત મહેતા
‘ઉમંગ બાળવાર્તામાળા ભાગ-૫’