Wednesday, July 28, 2010
વખતના વાજાં વાગે
રાવળપુર નામનું એક નાનું ગામ હતું. ત્યાં શ્રવણ નામે એક છોકરો રહેતો હતો. તે અભ્યાસમાં ઘણો હોશિયાર હતો. રાવળપુર ગામની શાળામાં તે સાત ધોરણ સુધી ભણ્યો. પછી બાજુના રાયપુર શહેરની માધ્યમિક શાળામાં ભણ્યો, અને છેલ્લી પરીક્ષા સારા ગુણ સાથે પસાર કરી. તેને સંસ્કૃત ભાષામાં વધુ રસ હતો. તેનું જ્ઞાન પણ તેણે સારી રીતે મેળવ્યું હતું.
તેને વધુ ભણવાની હોંશ હતી, એટલે તે રાયપુર શહેરની નજીકમાં આવેલી સંસ્કૃત વિદ્યાપીઠમાં અભ્યાસ માટે જોડાયો. ત્યાં તેણે સંસ્કૃતનો સારી રીતે અભ્યાસ કર્યો.સંસ્કૃત વિશેનું પોતાનું જ્ઞાન જાણીને તથા બીજા માણસો સંસ્કૃત ભાષા ઓછી સમજતા હતા તે જાણીને તેના મનમાં એવું અભિમાન આવી ગયું કે, પોતે તે બધા કરતાં ચડિયાતો છે. બીજા માણસો ગમાર છે એટલે જ સંસ્કૃત સમજી શકતા નથી એવી તેના મનમાં છાપ ઊભી થઈ.
પોતે સંસ્કૃત સારી રીતે જાણે છે, તેવું બીજાને બતાવવા માટે તે નાની-મોટી દરેક બાબતો સંસ્કૃતમાં જ બોલવા લાગ્યો. અધૂરામાં પૂરું તેના ગુરુ પણ તેના જેવા જ હતા. તે પણ સંસ્કૃત ભાષા બોલવાના આગ્રહી હતાં.
જ્યાં સુધી ગુરુની સાથે રહેવાનું હતું ત્યાં સુધી તો – ગુરુ અને શિષ્ય – બંને સંસ્કૃત ભાષા સારી રીતે જાણતા હોવાથી કોઈને ખાસ મુશ્કેલી પડી નહિ. પરંતુ શ્રવણનો અભ્યાસ પૂરો થયો એટલે તેને પોતાના ગામ રાવળપુર જવાનું થયું. તેણે ગુરુને નમસ્કાર કરી, ગુરુની વિદાય માંગી.
ગુરુએ કહ્યું, “શ્રવણ ! તું મારો પ્રિય શિષ્ય છે. ચાલ હું તને તારા ગામ સુધી મૂકવા માટે આવું છું.”
આમ કહીને ગુરુ શ્રવણની સાથે ચાલી નીકળ્યા. ચાલતાં-ચાલતાં રસ્તામાં ગુરુએ શ્રવણને શિખામણ આપી, “તું સંસ્કૃત ભાષા સારી રીતે ભણ્યો છે અને જાણે પણ છે. આ ભાષા તો દેવભાષા છે, માટે તારે બોલવામાં તે ભાષાનો જ ઉપયોગ કરવો, અને યાવની કે પ્રાકૃત ભાષાનો ઉપયોગ તો જીવ જતો હોય તો પણ કરવો નહિ.”
ગુરુ અને શિષ્ય ગુરુના આશ્રમથી ચાલીને આવતા હતા, એવામાં રસ્તામાં ગુરુને તરસ લાગી.
તે વખતે શહેરોનો કે રસ્તાનો બહુ વિકાસ થયો ન હતો, પરંતુ વાડીઓ ખૂબ હતી. દરેક વાડીમાં કૂવા હતા. તેઓ આવી એક વાડીની પાસે આવ્યા. વાડીમાં કૂવો પણ હતો. તે કૂવામાં પાણી છે કે નહિ, કૂવો કેટ્લો ઊંડો છે તથા પાણી પીવા માટે કૂવામાં ઊતરી શકાય તેવું છે કે નહિ, તે જોવા માટે ગુરુ કૂવાની નજીક ગયા. કૂવાનું બાંધકામ પાકું ન હતું. જોવા જતા ગુરુનો પગ ખસ્યો અને ગુરુ કૂવામાં પડી ગયા.
ગુરુ એકાએક કૂવામાં પડી જવાથી શિષ્ય તો ખૂબ જ ગભરાઈ ગયો. તેને તરતા આવડતું ન હતું. તે તો જોરજોરથી બૂમો પાડવા લાગ્યો, “મમ ગુરુ કૂપે પતિત:, ધાવન્તુ લોકા:, ઉદ્ધર.”
તેની બૂમો તો આજુબાજુમાં પોતપોતાની વાડીઓમાં કામ કરતા ખેડૂતોએ સાંભળી. પરંતુ કોઈ તેના કહેવાનો અર્થ સમજ્યા નહિ, તેથી કોઈ તાત્કાલિક મદદ માટે આવ્યા નહિ.
તેટલી વારમાં તો ગુરુ પાણીમાં એક ડૂબકું ખાઈ ગયા, પરંતુ હાથ-પગ હલાવીને, ગમે તે રીતે પાણીની સપાટી ઉપર આવ્યા. વળી, થોડુંક તરતા આવડતું હતું એટલે પાણીની સપાટી પર મોઢું રાખી શક્યા. તેમણે શિષ્યની બૂમો સાંભળી.
હવે ગુરુને સમજાયું કે, તેમના શિષ્યની આવી સંસ્કૃત ભાષા ખેડૂતો કે બીજા કોઈ ક્યાંથી સમજશે ? અને સમજશે નહિ, તો મદદે કોણ આવશે ? અને જો કદાચ મોડા-મોડા મદદે આવે તો પણ તેઓ પહોંચે તે પહેલાં તો પોતે ડૂબી જશે. “ભો ! શ્રવણ ! યાવત સમય: તાવત વિધિ (સમય વરતે સાવધાન) પ્રાકૃતમ્ ઉચ્ચર (પ્રાકૃતમાં બોલ).”
શિષ્ય ગુરુની સૂચના સમજી ગયો અને તેણે તરત તળપદી ભાષામાં બૂમો પાડી, “દોડો, દોડો ! મારા ગુરુ કૂવામાં પડી ગયા છે. કોઈ આવો, તેમને બચાવો !”
આ સાંભળીને આજુબાજુનાં ખેતરોમાંથી ખેડૂતો ઝડપથી ત્યાં દોડી આવ્યા અને વાડીનો કોસ કૂવામાં ઉતાર્યો તથા તેની મદદથી ગુરુને બહાર કાઢ્યા.
ગુરુ-ચેલો ખેડૂતોનો આભાર માની આગળ ચાલ્યા.
સમય, સ્થળ અને સંજોગો પ્રમાણે ભાષાનો ઉપયોગ કરવો જોઈએ તેવું તેમને બેઉને આ પ્રસંગ ઉપરથી સમજાયું.
સંસ્કૃત શીખ્યાથી શું થયું ?
ને પ્રાકૃતથી શું નાસી ગયું ? (અખો)
વાંદરાએ લાફો માર્યો-સિંહને :- પ્રભુલાલ દોશી