Wednesday, July 28, 2010

પોતપોતાની ટેવ


એક વીંછી હતો. એક કાચબો હતો. વીંછી અને કાચબો બંને પાકા દોસ્ત હતા. વીંછી એક છિદ્રમાં રહેતો હતો. કાચબો પાસે જ એક તળાવમાં રહેતો હતો. બંને એકબીજાને રોજ મળતા હતા. જમીન ઉપર વીંછી કાચબાને મદદ કરતો હતો. પાણીમાં કાચબો વીંછીની મદદ કરતો હતો.

એક દિવસે વીછીએ કહ્યું – દોસ્ત કાચબા ! આજે તો મને તળાવની પારે લઈ જા. કાચબો બોલ્યો – મિત્ર ! હું તો તારા માટે હંમેશા તૈયાર છું. ચાલો ક્યારે ચાલવું છે ?

આ સાંભળીને વીંછી તૈયાર થઈ ગયો. કાચબાએ વીંછીને પોતાની પીઠ ઉપર બેસાડી લીધો.

બંને મિત્ર વાતો કરતા જઈ રહ્યા હતા. ચાલતાં-ચાલતાં રસ્તામાં વીંછીએ કાચબાની પીઠમાં ડંખ માર્યો. પણ કાચબો કંઈ બોલ્યો નહિ. થોડી વાર પછી વીંછીએ બીજી વખત કાચબાની પીઠ ઉપર ડંખ માર્યો.

આ વખતે કાચબો બોલ્યો – દોસ્ત વીંછી ! તું આ શું કરી રહ્યો છે ? આથી મને પીડા થાય છે.

વીંછી બોલ્યો – સારું હવે નહિ કરું. ત્રીજી વખત તેણે કાચબાની પીઠ ઉપર ફરી ડંખ માર્યો. હવે કાચબાને ઘણો ક્રોધ આવ્યો. તે બોલ્યો – ભાઈ વીંછી ! તું આ શું કરે છે ? મારી પીઠને વીંધી નાંખીશ કે શું ?
વીંછી બોલ્યો – મિત્ર ! આ તો મારી ટેવ છે.
થોડે દૂર ગયા પછી કાચબાને ખૂબ ક્રોધ આવ્યો. તે બોલ્યો – ભાઈ, મિત્ર વીંછી ! મને તો ડૂબકી મારીને તરવાની ટેવ છે. વીંછી ડરીને બોલ્યો – મિત્ર ! હું પાણીમાં ડૂબી જઈશ. મને તરતા નથી આવડતું.

કાચબો બોલ્યો – હું શું કરું ? મારી તો આદત છે.

આમ કહીને કાચબાએ ઝટ ડૂબકી મારી. વીંછી ડૂબવા લાગ્યો. તેને એક સાધુએ ડૂબતો જોયો. સાધુએ પોતાનો હાથ નાખીને વીંછીને બહાર કાઢવાની ઈચ્છા કરી. પણ વીંછીએ સાધુના હાથમાં ડંખ માર્યો.

સાધુનો હાથ હાલી ગયો અને વીંછી ફરીથી પાણીમાં પડી ગયો. સાધુએ ફરી એનો બીજો હાથ પાણીમાં નાખ્યો અને તે વીંછીને બહાર કાઢવા લાગ્યો, પણ વીંછીએ ફરી ડંખ માર્યો. સાધુનો હાથ હાલવાથી વીંછી ફરી પાણીમાં પડી ગયો.

છેવટે ઘણા પ્રયત્નો કર્યા બાદ સાધુ મહારાજે તે વીંછીને પાણીની બહાર કાઢી લીધો. તે તળાવની નજીક ઈન્નૂજી પોતાની બિલાડી સાથે ઉભી હતી. તે આ બધું જોઈ રહી હતી. થોડી વાર પછી ઈન્નૂએ સાધુ મહારાજને કીધું – હે મહારાજ ! તમે કેવા માણસ છો ? આ વીંછીએ કેટલીય વાર તમારા હાથમાં ડંખ માર્યો, તો પણ તમે એને પાણીમાં તણાઈ જવાથી બચાવી લીધો.

મહાત્માજી હસ્યા અને ઈન્નૂને કહ્યું – બેટા ! આ તો પોતપોતાની ટેવ છે. મારી ટેવ છે – “જીવ માત્ર પર દયા કરવી.”

“એકતા જિન્દાબાદ”- ડૉ. હર્ષદેવ માધવ