ચાલો, આપણે આપણાં બાળકોની સલાહ લઈએ !
આપણે બાળકો સાથે સંબંધ સારો, સાચો અને અતૂટ વિશ્વાસનો બાંધવો છે?
આવા સંબંધનું રહસ્ય શું છે ?
એક જ વાક્યમાં કહીએ તો આ છે: બાળકોને સાચી રીતે સમજવાનો સતત પ્રયત્ન.
આપણે સાધારણ રીતે માની બેસીએ છીએ કે, આપણે આપણાં બાળકોને સમજીએ છીએ, અને આપણે બાળકોને શિખામણ આપીને અને શિખામણને ફરી ફરી ઘૂંટવાથી બાળકોમાં સારી ટેવ પડે છે, સારી વર્તણૂક ઘડતાં થાય છે, અને સારે અને સાચે રસ્તે ચાલતાં થાય છે.
આ કંઈ ખોટું નથી; પરંતુ આવી આપણી આ માન્યતામાં કેટલીક અગત્યની વાતો પૂરવાની જરૂર છે, અને આપણી આ માન્યતાને કાર્યાન્વિત કારવામાં સૌંદર્યપૂર્ણ કળા કેળવવાની જરૂર રહે છે.
બાળકો સાથેના સંબંધો કેળવવા માટે આપણે તપસ્યાની જરૂર રહે છે.
ચાલો, આપણે આ તપસ્યા કરવાની શરૂઆત કરીએ.
આ તપસ્યાનાં પ્રથમ ત્રણ સોપાનો છે.
પહેલું સોપાન : એક સંકલ્પ :
આપણે આપણાં બાળકને જે જે કહેવું છે, જે જે શિખામણ આપવી છે, તે કદી ખીજમાં નહિ આપીએ.
અને જે શિખામણનું આપણે પોતે જ અમલ નથી કરતા, તે શિખામણ આપવાનો આપણને અધિકાર નથી.
બીજું સોપાન : એક અગત્યનો પ્રશ્ન પૂછો?
આપણે આપણાં બાળકને કેટલી હદ સુધી સમજીએ છીએ?
આપણાં બાળકની નૈસર્ગિક શોધની પ્રક્રિયા કઈ છે તે આપણે જાણવાની કોશિશ કરી છે?
બાળકોનું અવલોકન કરવું અને બાળકોને સાચી રીતે સમજવું – આ આપણી પોતાની જ કેળવણીનો ભાગ છે અને આપણા પોતાના જ વિકાસની સીડી છે એ સમજવું ઘણું અગત્યનું લાગે છે, અને આ વિષય પર તો ખૂબ ખૂબ કહી શકાય અને લખી શકાય.
ત્રીજું સોપાન : બાળકને શિખામણ આપવાને બદલે આપણે બાળકને જે કરવાનું કહેવું છે તે બાળક પોતે જ કરવા પ્રેરિત થાય તેવી અવસ્થાનું સર્જન કરવું – એ એક આનંદમય કળા આપણે શીખવા તૈયાર છીએ?
અને એ સંદર્ભમાં,
ચાલો, આપણે આપણાં બાળકોની સલાહ લેવાની કળા કેળવીએ:
- શ્રીમતી જયંતિ એસ.રવિ.