Sunday, March 27, 2011

નાનકડો વ્યાપારી



ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળના એક મોટા શિક્ષણશાસ્ત્રી હતા. એક દિવસ તેઓ પાલખીમાં બેસીને નિરીક્ષણ માટે પ્રવાસ કરી રહ્યા હતા. રસ્તામાં પાલખીવાળાઓ પાલખી ઉતારી આરામ કરી રહ્યા હતા. એવા સમયે એક નાનકડો છોકરો વિદ્યાસાગરની પાસે પહોંચી ગયો. એ ગરીબ છોકરાએ હાથ જોડીને એમને કહ્યું કે, બાબુજી, મને એક પૈસો આપો.

વિદ્યાસાગરજી બાળકોને ખૂબ પ્યાર કરતા હતા. નાનકડા છોકરાને જોઈને એમણે પૂછ્યું –“છોકરા પૈસાનું તું શું કરીશ ? હું ખૂબ ભૂખ્યો છું ખાવા ખાઈશ છોકરાએ જવાબ આપ્યો.

એક પૈસાની જગ્યાએ હું તને બે પૈસા આપું તો ? વિદ્યાસાગરજીએ કહ્યું. એક પૈસાનું ખાવાનું આજે ખાઈશ અને બીજા એક પૈસાનું કાલે છોકરાએ જવાબ આપ્યો.

પરંતુ જો હું તને ચાર પૈસા આપું તો ? વિદ્યાસાગરજીએ કહ્યું. ત્યારે છોકરાએ કહ્યું, - બાબુજી, તમે મારી મજાક શા માટે કરો છો ? જો તમે મને સાચે જ ચાર પૈસા આપો તો, હું બજારમાંથી કેરી ખરીદીને વેચીશ. એનાથી મારી પાસે આઠ પૈસા થશે એમાંથી હું એક પૈસાનું ખાવાનું ખાઈશ અને બાકીના પૈસાની કેરીઓ ખરીદીને વેચીશ. આ રીતે મારા ખાવાની દરરોજની વ્યવસ્થા થઈ જશે.

છોકરાનો જવાબ સાંભળી વિદ્યાસાગરજી ખૂબ જ ખુશ થયા. એમણે એ છોકરાને એક રૂપિયો આપ્યો અને કહ્યું જો તું જેવું કહે છે તેવું કરતો રહ્યો તો હું તને દુકાન ખોલવા માટે વધારે પણ આપીશ.

આમ કહીને વિદ્યાસાગરજી પાલખીમાં બેસીને જતા રહ્યા. થોડા સમય પછી આ છોકરો વિદ્યાસાગરજીને મળ્યો અને એણે કહ્યું- આપે મને જેટલા પૈસા આપ્યા હતા, મેં એ પૈસાના એટલા જ રૂપિયા કરી લીધા છે.વિદ્યાસાગરજીને છોકરાની વાત સાંભળીને ખૂબ આનંદ થયો. એમણે આ છોકરાને થોડા રૂપિયા આપી બજારમાં એક દુકાન ખોલી આપી.

આ છોકરાનો વ્યાપાર ધીમે-ધીમે વધવા લાગ્યો. અને તે એક મોટો વ્યાપારી બની ગયો. એક દિવસ વિદ્યાસાગરજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. એ સમયે આ મોટા વ્યાપારીએ વિદ્યાસાગરજીના પગ પકડી લીધા. વિદ્યાસાગરજી તો આ વાત ભૂલી ગયા હતા. તેથી એમની સમજમાં ન આવ્યું કે વાત શું છે ?

એ વ્યાપારીએ કહ્યું- બાબુજી, આપે મને ઓળખ્યો નહિ ? હું એ જ છોકરો છું જેને આપે એ દિવસે એક રૂપિયો આપ્યો હતો. એના પ્રતાપથી અને આપના આશિર્વાદથી હું આજે મોટો વ્યાપારી બની ગયો છું.

વ્યાપારી વિદ્યાસાગરજીને પોતાની દુકાન પર લઈ ગયો. અને એમનું ખૂબ આદરપૂર્વક સન્માન કર્યું. અને રૂપિયાથી ભરેલી એક થેલી એમના ચરણોમાં ખૂબ જ પ્રેમથી મુકી અને કહ્યું- બાબુજી, તમારી કૃપાથી જ હું ધનવાન બન્યો છું. આપ મારી આ નાનકડી ભેટ સ્વીકાર કરો.

- દિનેશકુમાર પ્રજાપતિ

(સંસ્કાર પુષ્પ)