Sunday, March 27, 2011

ઈન્સ્પેક્શન




હાઈસ્કૂલના પહેલા જ વર્ષનો, પરીક્ષા વખતનો એક બનાવ નોંધવા યોગ્ય છે. કેળવણીખાતાના ઈન્સ્પેક્ટર જાઈલ્સ નિશાળ તપાસવા આવ્યા હતા. તેમણે પહેલા ધોરણના છોકરાઓને પાંચ શબ્દ લખાવ્યા. તેમાં એક શબ્દ કેટલ (Kettle) હતો. તેની જોડણી મેં ખોટી લખી. માસ્તરે મને પોતાના બૂટની અણી મારી ચેતવ્યો. પણ હું શાનો ચેતું? મને એમ ભાસી ન શક્યું કે માસ્તર મને સામેના છોકરાની પાટીમાં જોઈ લઈ જોડણી સુધારવાનું કહે છે. માસ્તર તો અમે એકબીજામાંથી ચોરી ન કરીએ એ જોતા હતા એવું મેં માનેલું. બધા છોકરાના પાંચે શબ્દ ખરા પડ્યા ને એકલો હું ઠોઠ ઠર્યો! મારી મૂર્ખાઈ મને માસ્તરે પાછળથી સમજાવી; પણ મારા મન ઉપર તે સમજૂતીની કશી અસર ન થઈ. મને બીજા છોકરાઓમાંથી ચોરી કરતાં કદી ન આવડ્યું.

લેખક: ગાંધીજી

સત્યના પ્રયોગો અથવા આત્મકથા

નાટકની મારા પર અસર

પિતાશ્રીએ ખરીદેલું એક પુસ્તક મારી નજરે ચડ્યું. એ શ્રવણપિતૃભક્તિ નાટક. આ વાંચવાનું મને મન થયું. તે હું અતિશય રસપૂર્વક વાંચી ગયો. એ જ દિવસોમાં કાચમાં ચિત્રો દેખાડનારા પણ ઘરે આવતા. તેમની પાસેથી શ્રવણ પોતાનાં માતપિતાને કાવડમાં બેસાડી યાત્રા કરવા લઈ જાય છે એ દ્રશ્ય પણ મેં જોયું. બન્ને વસ્તુની મારા ઉપર ઊંડી છાપ પડી. મારે પણ શ્રવણ જેવા થવું એમ મનમાં થાય. શ્રવણના મૃત્યુ સમયનો તેનાં માતા-પિતાનો વિલાપ હજુ યાદ છે. એ લલિત છંદ મેં તો વાજામાંયે ઉતાર્યો. વાજું શીખવાનો શોખ હતો ને એક વાજું પિતાશ્રીએ અપાવ્યું પણ હતું.

આજ અરસામાં કોઈ નાટક કંપની આવેલ તેનું નાટક જોવાની મને રજા મળી. હરિશ્ચંદ્રનું આખ્યાન હતું. એ નાટક જોતાં હું થાકું જ નહીં. એ ફરી ફરી જોવાનું મન થાય. એમ વારંવાર જવા તો કોણ જ દે? પણ મારા મનમાં મેં એ નાટક સેંકડો વખત ભજવ્યું હશે. હરિશ્ચંદ્રનાં સ્વપ્નાં આવે. હરિશ્ચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય? એ ધૂન ચાલી. હરિશ્ચંદ્રની ઉપર પડેલી તેવી વિપત્તિઓ ભોગવવી ને સત્યનું પાલન કરવું એ જ ખરું સત્ય. જેવી નાટકમાં લખેલી તેવી જ વિપદો હરિશ્ચંદ્રને પડી હશે એમ મેં તો માની લીધેલું. હરિશ્ચંદ્રનાં દુ:ખ જોઈ, તેનું સ્મરણ કરી હું ખૂબ રોયો છું. આજે મારી બુદ્ધિ સમજે છે કે હરિશ્ચંદ્ર કોઈ ઐતિહાસિક વ્યક્તિ નહીં હોય. છતાં મારે મન હરિશ્ચંદ્ર અને શ્રવણ આજે પણ જીવતા છે. હું આજે એ નાટકો વાંચું તો આજે પણ મને આંસુ આવે એમ માનું છું.

લેખક: ગાંધીજી

સત્યના પ્રયોગો અથવા આત્મકથા