Sunday, March 27, 2011

અનરાધાર


ચોમાસુ બેઠું. વાદળો ઘેરાવા લાગ્યાં, પણ વરસવું કે, ના વરસવું એ અંગે અંદરોઅંદર ચર્ચા થવા લાગી.

એક વાદળે વીજળીનો ચમકારો મારતાં કહ્યું, ધરતી પર પાપ વધી ગયાં છે, લોકોને કુદરતમાં શ્રધ્ધા કે વિશ્વાસ રહ્યાં નથી. ચોમાસું આવે ત્યારે જ લોકો આપણને યાદ કરે છે. સાચું કહું. મારી ઈચ્છા તો વરસવાની છે જ નહિ.

બીજા વાદળે પહેલા વાદળની વાતમાં સૂર પુરાવતાં કહ્યું, પહેલાંના વખતમાં આપણે ન વરસતાં ત્યારે લોકો કેવાં કેવાં વાનાં કરતાં ! ભજનો અને પ્રાર્થના થતાં. આજે આપણું માન રહ્યું નથી. ચાલો વીખરાઈ જઈએ.

ત્રીજા વાદળે પોતાની હૈયાવરાળ કાઢતાં કહ્યું, મિત્રો, તમારી વાત સાચી છે. આજે માણસ પોતાની જાતને ભગવાન કરતાં પણ મોટો માની બેઠો છે. જાતજાતનાં અખતરા કરીને પોતાને માટે જ ખતરા ઊભા કરે છે. આ વરસે તો એની આગાહી પણ...

ચોથા વાદળે સૌથી આગળ આવીને કહ્યું, અરે ભાઈઓ, માણસમાં ધીરજ છે જ ક્યાં ! આપણા ઉપર ગંદા વાયુ છોડી આપણને કેવાં ગૂંગળાવી નાખે છે ? કેવા કેવા પ્રયોગો કરી વાતાવરણ બગાડે છે ? આવા માણસો ઉપર દયા કરવા જેવી છે જ નહિ.

ગરમાગરમ ચર્ચા ચાલવા લાગી. અંતે ન વરસવું એવો નિર્ણય લેવાઈ ગયો. સઘળાં વીખરાઈ જવાની તૈયારી કરવા લાગ્યાં.

એવામાં એક બુલંદ અવાજ સંભળાયો. એ અવાજ આકાશનો હતો. આકાશે વાદળોની વાત ધ્યાનથી સાંભળી હતી.

વાદળોને વીખરાતાં અટકાવીને આકાશે કહ્યું, અરે પ્રિય વાદળો, માણસોમાં અને તમારામાં કોઈ જ ફરક નથી. હું સારી રીતે જાણું છું કે માણસોએ ગંદકી અને પ્રદૂષણ ફેલાવવામાં બાકી રાખ્યું નથી. એને વળી શાં લાજ અને શરમ ! માણસ એટલે માણસ ! આપણાથી એના જેવા ન થવાય. આપણે કુદરત કહેવાઈએ.

આકાશની વાત સાંભળી વાદળો ગળગળાં થઈ ગયાં. અનરાધાર વરસી પડ્યાં.

- ફિલિપ ક્લાર્ક