Saturday, March 12, 2011

ચતુર પંડિત


એક મોટું નગર હતું. આ નગરમાં ચંદ્રસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. તે ખૂબ જ વિદ્વાન હતો. વિદ્યાનો ઉપાસક હતો. વિદ્વાનો, પંડિતોની કદર કરતો. તેમની ચતુરાઈ પ્રમાણે ઈનામ પણ આપતા.

આ રાજાના દરબારમાં દર અઠવાડિયે પંડિતોની સભા ભરાતી. ગામે ગામથી પંડિતો એકઠા થતા. ચતુરાઈની વાતો થતી.

એક દિવસ રાજાએ પંડિતોની સભા ભરી હતી. આ સભામાં ઘણે દૂરથી એક પંડિત આવ્યા હતા. તે પંડિત ચતુર પંડિત હોવાનો દાવો કરતા હતા. રાજાએ તેની ચતુરાઈ માપવાનું વિચાર્યું.

તેણે પંડિતને પૂછ્યું : શું તમે ખરેખર ચતુર પંડિત છો ?

પંડિતે કહ્યું : હા, તમે મારી પરીક્ષા લો.

રાજાએ પંડિતને કેટલાક પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું : ફૂલ કોનું સારું ?

પંડિતે કહ્યું : ફૂલ કપાસનું સારું હોય છે. કપાસમાંથી આપણે વસ્ત્ર બનાવી શકીએ છીએ. જે આપણા શરીરનું રક્ષણ કરે છે.

રાજાએ બીજો પ્રશ્ન પૂછ્યો : મીઠાશ કોની સારી ?

પંડિતે જવાબ આપ્યો : મીઠાશ વાણીની સારી. મીઠી વાણીની અસર સારી થાય છે.

રાજાએ કહ્યું : દૂધ કોનું સારું હોય છે ?

પંડિતે કહ્યું : માતાનું દૂધ સૌથી સારું હોય છે. તે આપણને જીવન આપે છે.

પંડિતના સંતોષકારક જવાબ સાંભળી રાજા ખુશ થઈ ગયા. તેણે પંડિતને ચતુર પંડિત નું બિરુદ આપ્યું તથા ઘણી સુવર્ણમુદ્રાઓ આપી તેમની કદર કરી.

- હસમુખભાઈ રામદેપુત્રા

(પમરાટ)