Saturday, March 12, 2011

મૂળશંકર થી દયાનંદ


શિવરાત્રિ વ્રત-પ્રબોધ

કિશોર મૂળશંકરના જીવનમાં એક અમોઘ ક્રાન્તિકારી ઘટના બની. એ ઘટના હતી-શિવરાત્રિ વ્રત, મૂર્તિપૂજા પ્રત્યેની અનાસ્થા, પ્રબોધ, અને સાચા શિવની પ્રાપ્તિ તથા દર્શન માટેની ઉત્કટ અભીપ્સા.

સવંત 1894ના મહાવદ 14ના દિવસે મહાશિવરાત્રિનું પર્વ આવ્યું. પિતાએ વ્રત-પૂજા-ઉપવાસ રાખવા આજ્ઞા કરી. પરંતુ મૂળશંકર પ્રથમ સંમત થયો નહિ. તેમ જ માતાએ પણ વ્રત માટે ઉપવાસ-નિરાહાર રહેવું અને રાત્રિભર જાગરણ કરવાનું હોવાથી તે ભૂખ અને ઊંઘ સહન કરવાને અસમર્થ હોવાથી સંમતિ આપી નહિ. પરંતુ પિતાએ મૂળશંકરને શિવરાત્રિનું વ્રત કરવા કહ્યું અને વ્રત માહાત્મ્ય કથા સંભળાવી. તેથી બાળક મૂળશંકર વ્રત રાખવા તૈયાર થયો અને તેણે વ્રતનો આરંભ કર્યો.

શિવરાત્રિની સાંજે-રાતે ટંકારાના દક્ષિણ તરફના દેરીનાકા બહાર આવેલ (સંવત 1887માં કરસનજી ત્રિવાડી નિર્મિત)કુબેરનાથ મંદિરમાં વ્રત-જાગરણ માટે અનેક વ્રતધારીઓ એકત્ર થયા ત્યારે મૂળશંકર પણ પિતાજીની સાથે ત્યાં ગયો.

રાત્રિના પ્રથમ પ્રહરની પૂજા કરી. બીજા પ્રહરની પણ પૂજા થઈ ગઈ. રાત્રિના બાર વાગી ગયા. ત્યારબાદ વ્રતધારીઓ એક પછી એક ઝોકાં ખાવા માંડ્યા, ડોલવા માંડ્યા અને ઊંઘવા માંડ્યા. સર્વપ્રથમ તેના પિતાજીને ઊંઘ આવી ગઈ. પૂજારીઓ પણ બહાર જઈને સૂઈ ગયા. રાત્રિના આ ગંભીર, નીરવ, નિસ્તબ્ધ, સૂમસામ સમયમાં શિવાલયમાં બે જ્યોતિઓ પ્રકાશિત થઈ રહી હતી : એક દીપકની જ્યોત અને બીજી મૂળશંકરના ચિત્તમાં ઝગમગતી જ્યોત. દીપકની જ્યોત જ્ઞાન-શૂન્ય, ગ્રહણશક્તિરહિત અને કોઈ ઘટનાનું પરિણામ આપવાને સમર્થ ન હોઈ માત્ર પ્રકાશ ફેંકી શકે છે, પરંતુ મૂળશંકરની ચમત્કારી ચિત્તવૃત્તિની જ્યોત જ્ઞાનવાન, ગ્રહણશક્તિ સંપન્ન અને અતુલ શીધ્રતાથી ઘટનાનું પરિણામ મેળવવાને સમર્થ હતી. મૂળશંકર પર પણ નિદ્રાદેવીનું આક્રમણ થયું. પરંતુ વ્રતના ફળને પ્રાપ્ત કરવા શિવ દર્શન માટે અધીરો બનેલો એ બાળ મહાત્મા મૂળશંકર આંખે પાણીની છાલકો મારીને જાગતો જ રહ્યો.

જ્યારે મંદિરમાં સંપૂર્ણ નિસ્તબ્ધતા પ્રસરી રહી હતી, ત્યારે મંદિરના દરમાંથી ઉંદરો બહાર આવીને શિવલિંગ પર દોડાદોડી કરવા લાગ્યા. તેના પર ચડીને પ્રસાદ આરોગવા માંડ્યા અને તેને અપવિત્ર કરવા લાગ્યા. મૂળશંકરે આ દ્રશ્ય જોયું. જેમ વાદળમાંથી છૂટીને આભ-ધરતીને વારણા લેતી વીજળીનું તાંડવ ખેલાય, શાંત-સ્થિર સરોવરમાં પવનના તોફાનથી તરંગો ઊઠે, તેમ મૂળશંકરના ચિત્ત-આકાશમાં વિચારોનું તાંડવ મચ્યું. શંકાઓનું તોફાન ઊઠ્યું, પ્રશ્નોની હારમાળા ઊઠી કે, શું કથામાં વર્ણિત તે જ આ મહાદેવ છે. આ તો મનુષ્યની સમાન દેવ છે. પોઠિયા પર સવારી કરે છે. ખાય છે, હરે છે, ફરે છે, કૈલાસવાસી છે, વરદાન અને શાપ આપે છે. એ તો દેવોનો દેવ મહાદેવ છે. મહાદેવ તો કામારી, ત્રિપુરારિ, નીલકંઠ, જટાધારી, ડાક-ડમરું દ્વારા તાંડવ ખેલનાર, હાથમાં પિનાક-ધનુષ્યધારી, દૈત્યોનો નાશ કરનાર, ગળામાં ખોપરીની અને સર્પની માળા ધારણ કરનાર મહાસમર્થ મહાદેવ શું આ જ શિવ છે ? મૂળશંકરના મનમાં વિચારોનું તાંડવ નાચવા માંડ્યું.

આમ મૂળશંકરના મનમાં વિચારોની ઊથલ-પાથલ મચી રહી કે, આવો મહાદેવ હોવા છતાં એક નાના ઉંદરને પણ હટાવી શકતો નથી. તો આ શંકરમાં અને કંકરમાં-પથ્થરમાં કોઈ ભેદ જ ક્યાં રહ્યો ?

મૂળશંકરે પોતાના મનના વિચારોના સમાધાન માટે પિતાને જગાડ્યા, પરંતુ પિતા પાસે પ્રતિભાશાળી પુત્રની શંકાનું સમાધાન ક્યાં હતું ? તેઓએ કહ્યું- કૈલાસ પર જે મહાદેવ રહે છે તેની મૂર્તિ બનાવીને આવાહન કરીને પૂજા કરવામાં આવે છે. અત્યારે કળિયુગમાં તે શિવનાં સાક્ષાત્ દર્શન થતાં નથી. એટલા માટે પથ્થર વગેરેની મૂર્તિ બનાવીને તેમાં મહાદેવની ભાવના કરીને પૂજા કરવાથી કૈલાસવાસી મહાદેવ પ્રસન્ન થાય છે.

આથી મૂળશંકરની શંકાનું સમાધાન ન થયું. તેથી તેણે દ્રઢ નિશ્ચય કરી લીધો કે જ્યાં સુધી મહાદેવનાં પ્રત્યક્ષ દર્શન નહિ થાય, ત્યાં સુધી તેની પૂજા કરીશ નહિ. ક્ષુધા અને નિદ્રાથી સંતપ્ત થયેલા મૂળશંકરે પિતા પાસે ઘરે જવાની આજ્ઞા માગી. પિતાએ ઘરે જઈને વ્રતભંગ ન કરવાની ભોજન ન કરવાની ખાસ સૂચના આપી અને રક્ષણ માટે સિપાઈની સાથે મૂળશંકરને ઘરે મોકલ્યો.

મૂળશંકરે ભૂખ લાગેલી હોવાથી માતા પાસે ભોજનની ઈચ્છા વ્યક્ત કરી. વાત્સલ્ય હૃદય માતા પ્રથમથી જ વ્રત-ઉપવાસના પક્ષમાં ન હતી. તેણે મીઠાઈ ખાવા માટે આપી અને પિતાને વ્રત-ભંગની જાણ ન કરવા મૂળશંકરની તાકીદ કરી. મૂળશંકર ભોજન કરીને રાત્રે એક વાગ્યે સૂઈ ગયો અને સવારે આઠ વાગે ઊઠ્યો. પિતાને સવારે વ્રતભંગની જાણ થતાં તેનાં પર ગુસ્સે થયા. પરંતુ માતા અને કાકાએ તેમને શાંત કર્યા. મૂળશંકરને મૂર્તિપૂજા, વ્રત અને ઉપવાસ પર હવે કોઈ શ્રધ્ધા કે વિશ્વાસ રહ્યો નહિ, તેથી કાકા દ્વારા તેમાંથી મુક્તિ મેળવી લીધી. પઠન-પાઠનમાં એકાગ્ર બનીને એક પંડિત પાસે નિઘંટુ, નિરુક્ત, પૂર્વમીમાંસા તથા કર્મકાંડના ગ્રંથોનો અભ્યાસ કર્યો.

પ્રબોધ : શિવરાત્રિની ઘટના મૂળશંકરના જીવનમાં મૌલિક પરિવર્તનના કારણભૂત બની કારણકે મૂળશંકરની નાનપણની એ પ્રકૃતિ હતી કે કોઈ વાત બાબા વાક્યં પ્રમાણમ્ અર્થાત્ આંખ મીંચીને માની ન લેવી. દરેક વાતને પ્રમાણની એરણ પર તર્કના હથોડાથી ટીપીને જે અસત્ય, નિ:સાર, નિ:સત્વ અને અર્થહીન જણાય તેનો ત્યાગ કરવો એ દયાનંદનું જીવનદર્શન હતું. જેથી તેમણે સમાજમાં અને દેશમાં બુધ્ધિવાદ અને તર્કપ્રવણતાનું સ્થાપન કર્યું અને તેઓ યુગપ્રવર્તકના રૂપમાં પૂજ્ય બન્યા.

શિવરાત્રિની એ ઘટનાએ મૂળશંકરને સાચા શિવનાં દર્શન કરવા હડસેલો મારીને બેઠો કર્યો. તેમને સાચા શિવને મેળવવાની ધૂન જાગી, જાણે અલખની ધૂણીના દેવતા પરની રાખને ફૂંક મારતાં તેનું પડળ ઊડી જાય, તેમ બાળ મહાત્મા મૂળશંકરના આત્મા આડેના પડળ પર શિવરાત્રિએ ફૂંક મારીને દયાનંદ બનાવ્યો.

લેખક : દયાલ મુનિ

સ્વામી દયાનંદ

(જીવન ચરિત્ર)