મારી ઉંમર તે વખતે સાત આઠ વરસથી વધારે નહિ હોય. મારા એક ભાણેજ શ્રી જ્યોતિ:પ્રકાશ મારા કરતા ઉંમરમાં ઠીક ઠીક મોટા હતા. તેમણે તે વખતે અંગ્રેજી સાહિત્યમાં પ્રવેશ કર્યો હતો અને ખૂબ ઉત્સાહથી હેમલેટની સ્વગતોક્તિ તેઓ બોલી જતા હતા. મારા જેવા છોકરાની પાસે કવિતા લખાવવાનું ઓચિંતાનું તેમને કેમ મન થઈ આવ્યું તે હું કહી શકતો નથી. એક દિવસ બપોરે તેમણે મને તેમના ઓરડામાં બોલાવી કહ્યું, “તારે કવિતા લખવાની છે.” આમ કહી તેમણે ચૌદ અક્ષરના પયાર છંદની રચના મને સમજાવી દીધી.
પદ્ય ચીજ અત્યારસુધી મેં કેવળ છાપેલી ચોપડીઓમાં જ જોઈ હતી-ન કંઈ ભૂલ, ન કંઈ શંકા, ક્યાંય મર્ત્યજનોચિત દુર્બળતાનું કોઈ ચિહ્ન જોવા ન મળે! આ પદ્ય જાતે પ્રયત્ન કરીને લખી શકાય એવી કલ્પના કરવાની પણ મારી હિંમત ચાલતી નહોતી. એક વખત અમારા ઘરમાં ચોર પકડાયો હતો. ખૂબ બીતાં બીતાં, અતિશય કુતૂહલનો માર્યો હું એને જોવા ગયો. જોયું તો એ સાવ સાધારણ માણસ જેવો જ હતો ! આવી સ્થિતિમાં દરવાને જ્યારે એને મારવા માંડ્યો, ત્યારે મને મનમાં બહુ દુ:ખ થયું. પદ્ય સંબંધમાં પણ મારી એવી દશા થઈ. કેટલાક શબ્દોને જરી હાથમાં આઘા પાછા કરતાં જ જ્યારે એનો પયાર છંદ બની ગયો, ત્યારે પદ્યરચનાના મહિમા સંબંધી મારો જે મોહ હતો તે ઊતરી ગયો. આજે જોઉં છું તો બાપડા પદ્યની ઉપર બેશુમાર માર પડી રહ્યો છે. ઘણી વખત દયા પણ આવે છે. પરંતુ હાથ એવા સળવળે છે કે મારનેયે રોકી શકતો નથી. ચોરની પીઠ ઉપર પણ આટલા બધા માણસોનો આટલો માર પડ્યો નહોતો.
ભય એકવાર ભાંગ્યો, પછી મને રોકનારું કોણ હતું? અમારી કચેરીના એક કર્મચારીની કૃપાથી એક નીલરંગી કાગળની નોટ મળી ગઈ. તેમાં મેં મારા હાથે પેનસિલ વડે વાંકીચૂંકી લીટીઓ દોરી મોટા મોટા કાચા અક્ષરે કવિતાઓ લખવા માંડી.
હરણના બચ્ચાને નવાં શિંગડાં ઊગે ત્યારે એ જેમ અહીં તહીં માથું મારતું ફરે, તેમ મારી આ નવી કાવ્યસૃષ્ટિ લઈને મેં સૌને હેરાન કરવા માંડ્યા. ખાસ તો મારા મોટાભાઈ સોમેન્દ્રનાથ મારી આ કવિતાઓથી એવો ગર્વ અનુભવતા કે શ્રોતાઓ ભેગા કરવાના ઉત્સાહમાં તેઓ આખું ઘર ઉપર નીચે કરી નાખતા. મને યાદ છે કે એક દિવસ ભોંયતળિયે આવેલી અમારી જમીનદારી કચેરીના માણસોની આગળ કવિત્વની ઘોષણા કરીને અમે બંને ભાઈ કચેરીમાંથી બહાર નીકળતા હતા, બરાબર એ જ વખતે તે વખતના “નેશનલ પેપર”ના સંપાદક શ્રીયુત નવગોપાલ મિત્રે અમારા ઘરમાં પગ મૂક્યો. તરત જ મારા મોટાભાઈએ તેમને ગિરફ્તાર કરી કહ્યું: “નવગોપાલબાબુ, રવિએ એક કવિતા લખી છે, સાંભળો ને !” સંભળાવતાં કંઈ વાર ન લાગી. કાવ્યગ્રંથાવલિનો બોજો હજી ભારે થયો નહોતો. કવિકીર્તિ તે વખતે કવિના ઝભ્ભાનાં ગજવામાં આસાનીથી ફરી શકતી હતી. હું પોતે જ તે વખતે લેખક, મુદ્રક અને પ્રકાશક ત્રણે હતો. માત્ર જાહેરાતના કામમાં મારા મોટાભાઈ મારી મદદમાં હતા. પદ્મ ઉપર મેં એક કવિતા લખી હતી. બારણા સામે ઊભા રહીને મેં તે ઉત્સાહથી લલકારીને નવગોપાલબાબુને ગાઈ સંભળાવી. તેમણે જરા હસીને કહ્યું : “સરસ લખાઈ છે. પરંતુ પેલા ‘દ્વિરેફ’ શબ્દનો અર્થ શો?”
‘દ્વિરેફ’ અને ‘ભ્રમર’ બંને ત્રણ અક્ષરના શબ્દ છે. ભ્રમર શબ્દ વાપર્યો હોત તો છંદમાં કંઈ ખાટું મોળું થઈ જવાનું નહોતું. એ જડબાંતોડ શબ્દ હું ક્યાંથી લઈ આવ્યો હતો તે મને યાદ નથી. પરંતુ આખી કવિતામાં એ શબ્દની જ ઉપર મારી સૌથી મોટી આશા બંધાયેલી હતી. કચેરીના માણસો પર એ શબ્દની ખૂબ જ અસર થઈ હતી એ નિશ્ચિત વાત હતી. પરંતુ નવગોપાલબાબુ એનાથી લેશમાત્ર ચળ્યા નહિ, એટલું જ નહિ, તેઓ હસી પડ્યા. મને પાકી ખાતરી થઈ ગઈ કે નવગોપાલબાબુ સમજદાર માણસ નથી. આ પછી કદી પણ મેં તેમને કવિતા સંભળાવી નથી. એ પછી તો ઉંમરમાં હું ઘણો મોટો થયો છું, પરંતુ કોણ સમજદાર છે ને કોણ નથી એની પરખ કરવાની પ્રણાલીમાં વિશેષ પરિવર્તન થયું હોય એવું લાગતું નથી. હશે, ભલેને નવગોપાલબાબુ હસે, પણ ‘દ્વિરેફ’ શબ્દ મધુપાનમત્ત ભ્રમરની પેઠે એના સ્થાન પર અવિચલિત રહ્યો.
લેખક: રવીન્દ્રનાથ ઠાકુર
વાર્તા: બાલસાહિત્ય