બાલદોસ્તો,
પરીક્ષાના દિવસો નજીક આવી રહ્યા છે. પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવવા માટે સહુ પોતપોતાની રીતે અભ્યાસમાં એકાગ્ર બની ગયા હશો. અભ્યાસમાં એકાગ્રતા અત્યંત જરૂરી છે. પશ્ચિમના મહાન ચિંતક એમર્સન પાસે એક યુવાન આવ્યો. તેણે તેમને પૂછ્યું, “સફળતાનું રહસ્ય શું છે?” તેમણે કહ્યું: “સફળતાનું રહસ્ય છે, એકાગ્રતા. યુધ્ધમાં, વેપારમાં કે જીવનની કોઈપણ બાબતોમાં.” સફળતા મેળવવા જરૂરી છે, મનની એકાગ્રતા.
મનની એકાગ્રતા એટલે તમે વાંચતા હો, લખતા હો, કે કોઈપણ કાર્ય કરતા હો, ત્યારે તમે કાર્ય સાથે એકરૂપ બની ગયા હો. મન સંપૂર્ણપણે એ કાર્યમાં જ ડૂબેલું હોય, અન્ય કોઈ પ્રકારના વિચારો મનમાં ન હોય, આ સ્થિતિ એ એકાગ્રતાની સ્થિતિ છે. હોલેન્ડની ઉચ્ચતર માધ્યમિક શાળામાં એક પ્રયોગ કરવામાં આવ્યો. તેમાં કેટલાક વિદ્યાર્થીઓને મનની એકાગ્રતા અને ધ્યાનનું શિક્ષણ શ્રી અંધારે એસ. જોઆ દ્વારા આપવામાં આવ્યું. પછી તેમણે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી તેની સરખામણી જે વિદ્યાર્થીઓને આવું શિક્ષણ નહોતું અપાયું, તેમની સાથે કરવામાં આવી. તો પરિણામ એ જણાયું કે એકાગ્રતાનું શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીઓનાં પરીક્ષામાં ઘણા સારા માર્ક્સ આવ્યા હતા, એટલું જ નહીં, પરંતુ તેઓ ઈતર પ્રવૃત્તિઓ, ખેલકૂદ વગેરેમાં પણ આગળ હતા. ઈંગ્લેન્ડ અને યુરોપના કેટલાક દેશોની સ્કૂલોમાં પણ હવે એકાગ્રતા અને ધ્યાનનું શિક્ષણ પ્રાયોગિક ધોરણે આપવામાં આવી રહ્યું છે.
મન જ્યારે એકાગ્ર થાય છે, ત્યારે તેનામાં અદ્દભુત શક્તિ પ્રગટ થાય છે. જેવી રીતે સૂર્યના કિરણો લેન્સ દ્વારા એકત્ર થાય તો તેમાં એવી દાહકશક્તિ પ્રગટ થાય છે કે લેન્સની નીચે રાખેલી વસ્તુને તે બાળી નાંખે છે. મનની શક્તિઓ એ જ રીતે વેરવિખેર હોય ત્યારે કશું નકકર પરિણામ ઉપજાવી શકતી નથી, પણ જો તેને એકાગ્ર કરવામાં આવે તો તેના અદ્દભુત પરિણામ આવે છે. સ્વામી વિવેકાનંદ એકાગ્રતાની શક્તિની મહત્તા વિષે કહે છે કે, “જ્ઞાન પ્રાપ્ત કરવાની આપણી પાસે માત્ર એક જ રીત છે, અધમમાં અધમ માણસથી માંડીને ઊંચામાં ઊંચા યોગી સુધી બધા માટે રીત તે જ છે. એ છે એકાગ્રતાની. પ્રયોગશાળામાં કામ કરતો રસાયણશાસ્ત્રી પોતાના મનની તમામ શક્તિને એક બિંદુમાં કેન્દ્રિત કરીને મૂળતત્વો ઉપર પ્રયોગ કરે છે, ત્યારે તે તત્વોનું પૃથક્કરણ થાય છે અને આ રીતે તેને જ્ઞાન મળે છે. ખગોળશાસ્ત્રી પણ પોતાના મનની શક્તિઓને એકાગ્ર કરીને એક કેન્દ્ર ઉપર લાવે છે અને દૂરબીનની સહાયથી આકાશી પદાર્થો પર તેમનો પ્રયોગ કરે છે. પરિણામે તારાઓ અને નક્ષત્ર મંડળો પોતાનું રહસ્ય તેની પાસે ખુલ્લું કરે છે. ખુરશી પર બેઠેલો અધ્યાપક કે પુસ્તક લઈને બેઠેલો વિદ્યાર્થી કે કંઈ પણ જાણવાનો પ્રયાસ કરતા હરકોઈ માણસને માટે આ જ રીત છે.”
એકાગ્રતાની શક્તિથી કેવાં આશ્ચર્યજનક પરિણામો સર્જાય છે, તેના અનેક દ્રષ્ટાંતો સ્વામી વિવેકાનંદના જીવનમાંથી જ આપણને જોવા મળે છે. તે વખતે તેઓ અમેરિકામાં કોઈ ગ્રામ્ય વિસ્તારમાં નદી કિનારે ચાલી રહ્યા હતા. તે વખતે તેમણે જોયું કે થોડા યુવાનો પુલ સાથે દોરીથી બાંધેલા અને નદીમાં તરતાં મૂકેલાં ઈંડાના કોચલાંઓને બંદૂકથી વીંધવાના પ્રયત્નો કરી રહ્યા હતા. પણ તેઓ કોઈ વીંધી શકતા નહોતા. સ્વામીજી સ્મિત ફરકાવતા તેમને જોઈ રહ્યા. યુવકોને આ રીતે તેમનું જોવું ગમ્યું નહીં, એટલે તેઓએ સ્વામીજીને કહ્યું, “કરી તો જુઓ, આ કામ કંઈ સહેલુ નથી.” સ્વામીજીએ યુવકના હાથમાંથી બંદૂક લીધી, નિશાન તાકીને એક પછી એક એમ એક ડઝન કોચલાંઓ વીંધી નાખ્યાં. પેલા યુવકો આશ્ચર્યચક્તિ થઈને જોઈ જ રહ્યા. અને કહ્યું કે, “તમે અચ્છા નિશાનબાજ છો એટલે તમે આ કરી શક્યા.” ત્યારે સ્વામીજીએ કહ્યું, “દોસ્તો, આ પહેલાં મેં બંદૂક ક્યારેય હાથમાં લીધી નથી. પણ આ તો મનની એકાગ્રતાને લઈને હું કરી શક્યો છું.” પછી તેમણે એ યુવાનોને મનની એકાગ્રતાની શક્તિ વિષે સમજાવ્યું.
સ્વામી વિવેકાનંદની એકાગ્રતાની શક્તિનો એક બીજો પ્રસંગ પણ ખૂબ જ પ્રેરણાદાયી છે. તે વખતે સ્વામીજી કોલકતાના બેલુડમઠમાં હતા. તેમણે વાંચવા માટે એન્સાઈક્લોપિડિયા બ્રિટાનિકાના (વિશ્વકોષ) દળદાર ગ્રંથો મંગાવ્યા હતા. તેમના શિષ્યે આ જોઈને કહ્યું, “સ્વામીજી, એક જિંદગીમાં તો માણસ આટલા બધા ગ્રંથો વાંચી શકે નહીં.” આ સાંભળીને તેમણે કહ્યું, “એ તમે શું કહ્યું? આ દશ ભાગ તો મેં થોડા દિવસોમાં વાંચી નાંખ્યા છે. અગિયારમો ભાગ વાંચી રહ્યો છું.”
સાંભળીને શિષ્યને ભારે આશ્ચર્ય થયું અને કહ્યું ? “ખરેખર વાંચી નાખ્યા ?”
“હા, તમારે આ દશ ભાગમાંથી કંઈ પણ પૂછવું હોય તો તમે પૂછી શકો છો!”
શિષ્યે ગુરુની પરીક્ષા કરવી શરૂ કરી. શિષ્ય જુદા જુદા ભાગોમાંથી સ્વામીજીને પ્રશ્ન પૂછતા રહ્યા અને સ્વામીજી બધાના જવાબો આપતા ગયા. કયાંક કયાંક તો તેઓ પુસ્તકમાંથી ઉદ્દધૃત કરેલાં વાક્યો જ બોલતા આથી આશ્ચર્યમાં ગરકાવ થયેલા શિષ્યે ગુરુની તીવ્ર યાદશક્તિથી અભિભૂત થઈને કહ્યું “સ્વામીજી, માનવની મગજ શક્તિની આ વાત નથી. આપ તો ચમત્કારિક પુરુષ છો ” ત્યારે સ્વામીજીએ કહ્યું; “એમાં ચમત્કાર જેવું કશું જ નથી આ તો એકાગ્રતાની શક્તિનું પરિણામ છે.”
આમ મનની સંપૂર્ણ એકાગ્રતાને પરિણામે સ્વામી વિવેકાનંદની યાદશક્તિ તીવ્રતમ બની ગઈ હતી. તેઓ કહે છે કે “મનની એકાગ્રતાની કેળવણી જ ખરી કેળવણી છે. હાલની કેળવણીની પ્રથા સાવ ખોટી છે. મનને હજુ વિચાર કરતાં પણ ન આવડે તે પહેલાં તો તેમાં હકીકતો ઠાંસી ઠાંસીને ભરી દેવામાં આવે છે. પહેલાં તો એ શીખવવું જોઈએ કે મનને કેવી રીતે વશ રાખવું? મારે જો ફરીથી શિક્ષણ લેવાનું થાય તો, અને એમાં મારું ચાલે તો મનની એકાગ્રતા પ્રાપ્ત કરવાનું હું પહેલાં શીખું, લોકોને અમુક વસ્તુ શીખતાં સમય લાગે છે તેનું કારણ એ છે કે તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે મનને એકાગ્ર કરી શકતા નથી.” જો મનની એકાગ્રતા હોય તો કાર્ય ખૂબ ઝડપથી થઈ શકે છે અને તે પણ ઉત્તમ રીતે થઈ શકે છે. આથી સમય, શક્તિ અને સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે છે અને નિર્ધારિત લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકાય છે. માટે વિદ્યાર્થી દોસ્તો, મનની શક્તિઓને અભ્યાસમાં સંપૂર્ણપણે એકાગ્ર કરી પરીક્ષાઓની તૈયારી કરશો તો પરીક્ષામાં તો જવલંત સફળતા મેળવશો જ પણ પછી મનની શક્તિઓની એકાગ્રતાથી જીવનના દરેક ક્ષેત્રોમાં પણ જ્વલંત સફળતા મેળવી શકશો.
શ્રીમતી જયંતી રવિ