Sunday, February 27, 2011
રવીન્દ્રનાથની ભાવુકતા
એક દિવસ એ રામાયણ વાંચવાનો પ્રસંગ આજે બહુ સ્પષ્ટ રીતે મારા મનમાં જાગી આવે છે.
તે દિવસે આકાશમાં વાદળાં હતાં. હું રસ્તા પર પડતા લાંબા વરંડામાં રમતો હતો. શી ખબર શાથી અચાનક સત્યે મને બિવડાવવા એકદમ પોલીસ ! પોલીસ ! એવી બૂમો પાડવા માંડી. પોલીસની ફરજ વિષે મારા મનમાં સાવ બાંધાભારે ખ્યાલ હતો. હું સમજતો કે એક માણસને ગુનેગાર તરીકે પોલીસના હાથમાં સોંપ્યો, એટલે મગર જેમ એના તીણા દાંતમાં શિકારને પકડી પાણીની અંદર અદ્રશ્ય થઈ જાય છે, તેમ એ અભાગિયાને પકડીને થાણાના અતલ પાતાળમાં અદ્રશ્ય થઈ જવું એ પોલીસનો સ્વાભાવિક ધર્મ છે. આવા નિષ્ઠુર કાયદામાંથી નિરપરાધ બાળકનો છૂટકારો ક્યાં એ નહિ સમજાવાથી હું એકદમ અંત:પુરમાં દોડી ગયો. પોલીસોએ મારો પીછો પકડ્યો છે એ અંધ ભયે મારા આખા બરડા પર ધ્રુજારી ફેલાવી દીધી. માની પાસે દોડી જઈને મેં મારે માથે આવી પડનારી આફતની વાત કરી, પણ એથી એનામાં કંઈ ચિંતાનાં લક્ષણ દેખાયાં નહિ. તેમ છતાં બહાર જવામાં મને મારી સલામતી લાગી નહિ. દિદિમા-મારી માતાનાં દૂરનાં કાકી-કૃત્તિવાસનું રામાયણ વાંચતાં. મારબલ કાગળથી મંડિત ખૂણા, ફાટેલા પૂંઠાવાળી એ મેલી ચોપડી ખોળામાં લઈ હું માના ઓરડાના બારણાં આગળ વાંચવા બેસી ગયો. સામે અંત:પુરના આંગણાની આસપાસ ચોમેર વરંડો હતો. એ વરંડામાં મેઘાચ્છન્ન આકાશમાંથી નમતી બપોરનું મ્લાન અજવાળું આવીને પડ્યું હતું. રામાયણમાં કોઈ કરુણ વર્ણન વાંચીને મારી આંખોમાંથી પાણી પડતું જોઈ દિદિમાએ જોર કરી મારા હાથમાંથી ચોપડી ખૂંચવી લીધી.
વાર્તા: બાલ સાહિત્ય
લેખક: રવીન્દ્રનાથ ઠાકુર