Saturday, February 12, 2011
નિ:સ્વાર્થ ભાવના
કુદરતની અમીદ્રષ્ટિ ભરેલું એક સુંદર જંગલ, એમાં સર્વે પશુ-પંખીઓ તથા પ્રાણીઓ આનંદસભર નિર્વાહ કરતા હતા. જંગલના નિયમ પ્રમાણે તમામ પ્રાણીઓ પોતાનું એક જૂથ બનાવી રહેતા હોય છે. તેમાં એક હાથીનું ટોળું પણ રહેતું હતું. આ ટોળાના બધા જ હાથીઓ જંગલમાં નકામો ઉપદ્રવ ફેલાવતા અને જુવાન હાથીઓ તો નકામા ઝાડ પણ ઉખેડતા; પરંતુ આ ટોળામાં એક હાથી અલગ જ પ્રકારનો અને શાંત હતો. જેને, તેના આ બીજા મિત્રોનો નકામો ઉપદ્રવ જરા પણ ગમતો નહિ.
એક દિવસ આ શાંત હાથી જંગલમાં દૂર ચારો ખાતો હતો. તેવામાં અચાનક તેની નજર એક સિંહ ઉપર પડી, પેલો સિંહ એકલા-અટૂલાં હરણનો ધીરે-ધીરે શિકાર કરવા પીછો કરવાની તૈયારીમાં હતો. હરણને તો જરા પણ ખબર નહતી. હાથી તો તરત જ ત્યાંથી હરણ પાસે આવી હરણની જોઈને નિરાશ થઈ ત્યાંથી ચાલ્યો ગયો. ત્યાર બાદ હાથીએ હરણ સામે જોયું તો હરણ ખૂબ જ ઉદાસ અને ચિંતામાં હતું. પેલા હાથીએ તો હરણને પૂછ્યું, કેમ હરણભાઈ તમે આમ ઉદાસ લાગો છો ? આ તમારી ઉદાસીનું કારણ જરા મને જણાવશો ભાઈ ? હાથીની મીઠી ભાષા સાંભળી હરણ તો તરત જ બોલ્યું, “જુઓને ભાઈ, હું બીમાર છું. મારું શરીર પણ ખૂબ જ નબળું પડ્યું છે, તેથી મને મારા પેલા મિત્રો ટોળામાંથી મને એકલું છોડીને જતા રહ્યા. તેથી ભાઈ એકલા પડવાનું મને ખૂબ જ દુ:ખ થાય છે.
હાથીભાઈએ તો હરણની વાત સાંભળી ને બોલ્યો, “હરણભાઈ, તમે જરા પણ ચિંતા ન કરશો. હું તમારા ટોળાના તમામ મિત્રોને શોધીને સમજાવીને જલદી લાવું છું.” અને હાથીભાઈ તો ત્યાંથી દૂર-દૂર જંગલમાં પેલા હરણના ટોળાને શોધવા લાગ્યા, આખો દિવસ શોધતા-શોધતા સાંજ પડવા લાગી અને હાથીને પાણીની તરસ પણ ખૂબ લાગી હતી. તેથી તે તળાવ કિનારે પાણી પીવા લાગ્યો અને આમ તેમ જોવા લાગ્યો. તેવામાં દૂરથી એક હરણનું ટોળું તળાવ તરફ આવતું જોયું. પેલા હરણના ટોળાએ તો હાથીને તળાવ કિનારે જોતાં આમ તેમ ભાગવા લાગ્યું. હાથી તેને રોકતા બોલ્યો, “અરે ! ભાઈ તમે આમ મારાથી ડરશો નહિ, તમે મને તમારો જ મોટોભાઈ સમજો.” હાથીની વાણીની મીઠાશ સાંભળીને બધાં જ હરણાંઓએ તો હાથી ઉપર ભરોસો મૂક્યો અને હાથીભાઈની સામે જ ઊભા રહ્યાં, હાથી તો તરત જ બોલ્યો, “અરે ભાઈ હરણાંઓ, તમે પેલા તમારા એક બીમાર અશક્ત મિત્રને એકલું મૂકીને કેમ જતા રહ્યાં છો ? આમ અસહાય અને એકલાને છોડી જવું તે તો સારું ન કહેવાય. તમારે તેને સાથે રાખીને ફરીથી મિત્રતા બાંધવી જોઈએ.” આમ, હાથીના પ્રેમાળ વર્તન-વાણીએ પેલાં હરણાંના ટોળાનું મન જીતી લીધું.
પેલા હાથીભાઈ તો, હરણાંના ટોળાને સાથે લઈને ત્યાંથી ચાલતા થયા અને ત્યાંથી તે સીધા જ પેલા બીમાર ઉદાસ હરણની પાસે આવ્યા. તરત જ ટોળાએ આ હરણને તેના ટોળામાં સમાવી લીધું અને ફરીથી પ્રેમપૂર્વક મિત્રતા બાંધી. પેલું બીમાર હરણ તો ખૂબ ખુશ થયું અને તે થોડા દિવસોમાં સાજું અને તાજું થવા લાગ્યું. તેને ટોળાની સાથે રમવાની, ફરવાની તથા કૂદકા લગાવવાની ખૂબ જ મજા આવવા લાગી.
‘બાળમિત્રો’ તમને ખબર છે ને કે, કોયલનો, મોરનો તથા બીજા પક્ષીઓનો અવાજ આપણને કેમ ગમે છે? કારણ કે, તેની બોલી મીઠી છે. તો તેથી સત્ય તો છે કે, જે માણસ પ્રેમથી બોલે છે અને નિ:સ્વાર્થ ભાવે મનમાં ભેદ રાખ્યા વિના પ્રેમની ભાષા બોલે તેને સૌનો પ્રેમ મળે છે. જેમ કે, હાથીભાઈની મીઠી બોલી અને તેની મધુર વાણીથી એક હરણને નવું જીવન મળ્યું, તો ચાલો આપણાં વાણી-વર્તન, વિચારો બદલાવી દુનિયાભરનો પ્રેમ મેળવીએ !
લેખક: નારણભાઈ એચ. મકવાણા