Saturday, February 12, 2011

વિચિત્ર હોંશ


અમારા આ ઘરની ગલીમાં થઈને હું જ્યારે નિશાળે જાઉં છું, ત્યારે રોજ દશ વાગે ફેરીવાળાને ફેરી લઈને જતો જોઉં છું.
“બંગડી લો, બં.....ગડી ! બંગડી લો બં..... ગડી !” એવી એ બૂમો પાડે છે. એની ટોપલીમાં ચીનાઈ માટીનાં રમકડાં છે.
એને મન ફાવે તે રસ્તે એ જાય છે; અને મન ચાહે ત્યારે ઘેર જઈને ખાય છે.
દશ વાગે કે સાડા દશ વાગે, --- એને નથી કશી ઉતાવળ કે નથી મોડું થઈ જશે એવી કશી બીક.
એ જોઈ મને થાય છે કે સલેટ બલેટ ફેંકી દઈને આવી રીતે ફેરી લઈને ફર્યા કરું !
સાડા ચાર વાગે, હાથ શાહીવાળા કરીને જ્યારે હું ઘેર પાછો ફરતો હોઉં છું, ત્યારે બાબુઓના પેલા ફૂલબાગમાં કોદાળી લઈને માળી માટી ખોદતો હોય છે.
વખતે કોદાળી પગ પર પડે એ બીકે કોઈયે એને રોકતું નથી.
એના શરીર પર ને માથા પર કેટલીયે ધૂળ લાગે છે, પણ એ માટે કોઈયે આવીને એને વઢતું નથી ! નથી મા એને ચોખ્ખાં લૂગડાં પહેરાવતી, કે નથી એની ધૂળરેત ધોઈ નાખવાની ઈચ્છા કરતી.
એ જોઈ મને થાય છે કે હું જો બાબુઓના એ ફૂલબાગનો માળી હોત તો કેવું સારું !
જરા રાત થઈ ન થઈ ત્યાં તો મા મને ઊંઘાડી દેવાનું કરે છે. હું બારીમાંથી બહાર રસ્તા પર જોઉં છું તો પહેરાવાળો માથે પાઘડી પહેરીને જતો હોય છે.
ગલીમાં અંધારું છે, લોકોની અવરજવર બહુ નથી, ગેસની બત્તી ધીમી ટમટમ બળે છે. એ પહેરાવાળો હાથમાં ફાનસ ઝુલાવતો અમારા ઘરના દરવાજે ઊભો રહે છે. રાતના દશ અગિયાર વાગી જાય છે, પણ એ માટે કોઈયે એને કશું કહેતું નથી.
એ જોઈ મને થાય છે કે હુંયે પહેરાવાળો બની ગલીના નાકે મારી મરજી પ્રમાણે જાગું !

‘શિશુ’માંથી
વાર્તા: બાલસાહિત્ય લેખક: રવીન્દ્રનાથ ઠાકુર