Saturday, February 12, 2011

મોરનું સર્વશિક્ષા અભિયાન


ઘનઘોર જંગલ. જંગલમાંથી નદી વહે. નદી કિનારે મોટું મેદાન. ચકલી, પોપટ, મેના, બુલબુલ, કાબર, કબૂતર અને હોલો આ મેદાનમાં રોજ રમવા ભેગા થાય. જાતજાતની રમતો રમે. પકડદાવ અને સંતાકૂકડી, જાતભાતની ઊડ અને ઊડવાની રેસ. ખૂબ મજા, ખૂબ આનંદ. આ બધાં એકબીજાના ખાસંખાસ મિત્રો. સાથે રમે, સાથે ફરે અને એકબીજાને મદદ કરે.
એક દિવસ બધાં બેઠાં હતાં. વાત નીકળી ભણવાની. કાબર બોલી “ભણે કોનું ભલું થાય છે?” હોલાએ ડોક હલાવી- મેનાએ પૂંછડી, ચકલી બોલી ‘ચીં ચીં.” શાણો પોપટ સાંભળતો હતો. થોડીવાર તેણે આંખો બંધ કરી વિચાર કર્યો અને બોલ્યો “ભાઈઓ અને બહેનો ભણતર વગરનું જીવન સાવ નકામું. આપણામાંથી કોઈને વાંચતા આવડે છે? કોઈને લખતાં આવડે છે?” બધાં એકસાથે બોલ્યા “ના, ના.” પોપટ બોલ્યો, ‘ભાઈ, ભણતર એ જિન્દગીનું ચણતર છે. મને ખૂબ જ ઈચ્છા છે ભણવાની. પણ ક્યાં જાઉં? કોણ ભણાવશે? એવું બોલતાં કપાળે હાથ મૂકી પોપટભાઈ બેઠા.
એવામાં બાજુના જંગલમાંથી ઊડતો ઊડતો એક સુંદર મજાનો મોર આવ્યો. બધાં પક્ષીઓ બેઠાં હતાં ત્યાં આવીને ઊતર્યો. પીંછા પહોળા કર્યાં અને કલગી નચાવી કળા કરી. બધાં પક્ષીઓ તો મોરને જોઈ જ રહ્યાં. “આહ ! કેવું સુંદર પક્ષી આવ્યું છે? શું સરસ નાચે છે?” –બધાં વિચારમાં પડ્યાં. મોરભાઈએ ગીત ગાવાનું શરૂ કર્યું..... “જો જીવનનું કરવું હશે ઘડતર,
તો આપવું પડશે સૌને ભણતર”
એમ પાંચ દશ વાર મોરભાઈ તો નાચી નાચીને ગાવા લાગ્યા. બધાં પક્ષીઓ એકીટશે જોઈ રહ્યા હતાં. ધ્યાનથી સાંભળી રહ્યાં હતાં, પોપટ તો મનમાં ખુશ ખુશ થઈ ગયો હતો. “વાહ, કોઈક તો મળ્યું જે ભણતરનું ગણિત જાણે છે. ચકલી, હોલો, કાબર, મેના અને બુલબુલ એકબીજાની સામે જોઈ રહ્યાં હતાં. મોરે બીજી લીટી ગાઈ....
“ભણીશું ગણીશું સ્વમાનભેર જીવીશું.’......
બધાં પક્ષીઓ હવે તાનમાં આવી ગયાં હતાં. મોરભાઈ બોલે અને બાકી બધા ઝીલે. એમ બધા જ નાચવા લાગ્યાં. પછી તો ગીત આગળ ચાલ્યું. ‘દીપથી દીપ જલાઓ, તમે ભણો બીજાને ભણાવો’ ..... બધાં જ પક્ષીઓ ગીતમાં મશગુલ બની ગયાં.
થોડીકવાર પછી મોરભાઈ કળા સંકેલી થાક ખાવા ‘એક પગે ઊભા. બધાં પક્ષીઓ તેમની સામે બેસી ગયાં.
પોપટ બોલ્યો, “મિત્ર, તમારું નામ શું?”
“મને લોકો મોર કહે છે” મોરે જવાબ આપ્યો.
પોપટ બોલ્યો, “તમે ભણેલા છો?”
“હા” મોરે કહ્યું,
“અમને તમે ભણાવશો?” પોપટે પૂછ્યું.
મોરે કહ્યું. “કેમ નહિ, હું જાણું છું તે બધું જ તમને શીખવીશ પણ તેના માટે તમારે મારી શાળાએ બાજુના જંગલમાં રોજ એક કલાક આપવો પડશે. અને હા, તમે તો આવજો જ પણ તમારાં બાળકોને પણ લેતાં આવજો.”
કચ કચ કરતી કાબર બોલી “હોય કાંઈ એવું? અમારા બચ્ચાં આગળ અમારું તો નાક જ કપાઈ જાય ને?”
“કાબર બહેન, ભણતર વગરનું નાક કેવું? સમાજમાં ગૌરવથી જીવવું હોય, નાક ઊંચું રાખીને જીવવું હોય તો ભણવું જરૂરી છે. તમારી પાસે જ્ઞાન હશે તો જ તમે માથું ઊચું રાખી જીવી શકશો. અને બાળકો તો નિર્દોષ હોય છે. તેમના મનમાં આવી કલ્પના પણ નથી હોતી. ગભરાયા વગર બાળકો સાથે સહુ આવતી કાલથી મારી શાળામાં આવી જજો. લ્યો, હવે હું જાઉં છું.” એમ કહી ફરરર કરતો મોર તો ઊડી ગયો.
બધાં પક્ષીઓ એકબીજા સામે જોઈ રહ્યાં, જાણે કે કોઈ ગંભીર વિચારમાં પડી ગયાં હોય. પોપટ બોલ્યો, “બોલો મિત્રો, કાલે જઈશું ને?” બધાંએ સંમતિ માટે ડોક હલાવી અને સહુ છૂટા પડ્યાં.
બીજા દિવસે એક ડાળ પર બધાં ભેગાં થયાં. સાથે તેમનાં બાળકો પણ હતાં. બધાં એક સાથે ઊડ્યાં. બાજુના જંગલમાં મોરભાઈ રાહ જોઈ રહ્યા હતા. બધાં પહોંચ્યાં શાળાએ. મોરભાઈએ શિક્ષણ આપવાનું શરૂ કર્યું. ધીમે ધીમે પક્ષીઓનો જમાવડો થવા લાગ્યો. પોપટભાઈના જંગલનાં બધાં પક્ષીઓ અને મોરભાઈના જંગલનાં બધાં પક્ષીઓએ ભણવાનું ચાલું કર્યું. વરસને અંતે વાંચનની પરીક્ષા લેવાઈ. મોરભાઈએ બોર્ડ પર લખ્યું, “સર્વ શિક્ષા અભિયાન”. “ચાલો, મેં આ લખેલું છે તે કોણ વાંચી બતાવશે?” સૌથી પહેલો પોપટ બોલ્યો, “હું..... હું” ને ત્યાં તો બધાં પક્ષીઓ અને તેમનાં બચ્ચાં પણ હું....હું....હું..... કરતાં પાંખો ફફડાવવા લાગ્યાં. મોર ભાઈએ કાબરને પસંદ કરી. “બોલો, કાબરબેન તમે જ વાંચો.” કાબરે એક પણ ભૂલ વગર વાંચી બતાવ્યું. બધાંએ તાળીઓ પાડી, ખૂબ જ મજા આવી. ખૂબ જ આનંદ આવ્યો. બધાં પક્ષીઓએ મોરભાઈનો આભાર માન્યો. અને ઊડવા જતાં હતાં ત્યાં જ મોરભાઈ બોલ્યા, “ઊભાં રહો, એક પ્રતિજ્ઞા લો.” બધાં પક્ષીઓ બેસી ગયાં. મોરભાઈએ કહ્યું, “હું બોલું છું તેવું બોલી પ્રતિજ્ઞા લઈ પછી જ ઘરે જવાનું છે.” બધાં સાંભળી રહ્યાં.
મોરભાઈ બોલ્યા, “હું ભણ્યો છું અને હવે બીજાને ભણાવીશ.” બધાં પક્ષીઓએ પ્રતિજ્ઞા લીધી, “અમે ભણ્યાં છીએ અને હવે બીજાંને ભણાવીશું.” મોરભાઈ કળા કરી નાચવા લાગ્યાં. બધાં પક્ષીઓ પોતપોતાને માળે ગયાં. હરખનો પાર ન હતો.....

અનંત શુક્લ