Saturday, February 12, 2011
પરીઓની ભેટ
ગોકુળ નામે ગામ.
ગામમાં ગોપાલ નામે ગોવાળ રહે.
ગોપાલને વાંસળી વગાડવાનો બહુ શોખ. એની વાંસળીના સૂરમાં એવો તે જાદુ હતો કે વહેતાં ઝરણાંય ઘડી બે ઘડી સૂર સાંભળવા થંભી જતા!
દરરોજ સવારે ગોપાલ ગાયો ચરાવવા જંગલમાં જતો. જંગલમાં એક મજાની નદી. નદીકાંઠે એક ઝાડ. ઝાડ નીચે એક મોટો પથરો. એ પથરા ઉપર બેસી ગોપાલ વાંસળીમાંથી મધુર સૂર રેલાવે. ગાયો વાંસળીના સૂર સાંભળતી અને ઘાસ ચરતી. સાંજ પડે ગોપાલ અને ગયો ઘરે જાય.
એક દિવસ ગોપાલ પથરા ઉપર બેસી વાંસળી વગાડતો હતો. એ વખતે ગુલાબ પરી, જૂઈ પરી એમ ઘણી બધી ફૂલપરીઓ નદીકાંઠેથી પસાર થતી હતી. વાંસળીના સૂર સાંભળી પરીઓ ગોપાલ પાસે દોડી આવી.
ગોપાલ તો આંખો મીંચીને વાંસળી વગાડવામાં મશગૂલ હતો. પરીઓ તેની પાસે આવી એની એને ખબરેય ના પડી. પરીઓ કલાકો સુધી વાંસળીના સૂર સાંભળતી જ રહી.
સાંજ પડી. ગોપાલને ગાયો લઈ ઘરે જવાનો સમય થયો. એણે વાંસળી વગાડવાનું બંધ કરી આંખો ખોલી. જોયું તો તેની સામે એક એકથી સુંદર પરીઓ હતી. દરેકના હાથ-પગ, નાક, કાન, ગળામાં જાત-જાતના અલંકારો હતા. એથી તો એ વધુ સુંદર દેખાતી હતી.
વાંસળીના સૂર બંધ થતા જ પરીઓને સમયનું ભાન થયું. તેમનેય પોતાના ઘરે જવાનું હતું. જતાં પહેલાં ગોપાલને કશીક ભેટ આપવાનું વિચારી કહે,
“માગ, માગ, માગે તે આપું, ધન આપું, દોલત આપું, માન આપું, આપું, દામ,
માગ, માગ તે આપું ઈનામ.”
આ સાંભળી ગોપાલને થયું, ધન-દોલત માંગીને શું કરું ? એવું કશુંક માંગું જે જગત આખાને કામ લાગે. પછી, થોડીવાર વિચારીને તેણે પરીઓને કહ્યું,
“ધનનું શું કરું? દોલતનું શું કરું? માનનું શું કરું? દામનું શું કરું?
મારે ન એ કશાનું કામ,
જગ બને સુંદર એવું આપો ઈનામ.”
પરીઓએ ઘણું વિચારી જોયું પણ, તેમને કશી ખબર પડતી નહોતી કે જગત સુંદર કઈ રીતે બને? એ વખતે જગતના એક પણ છોડ ને ઝાડને ફૂલ નહોતા. એટલે એ સુંદર નહોતા દેખાતા.
નદીની આસ-પાસ ઉગેલા છોડ-ઝાડ જોઈ રહેલી ગુલાબપરીએ કીધું, “આ બધા છોડ-ઝાડને અલંકારોથી સજાવવામાં આવે તો કેવા સુંદર લાગે?”
બધી પરીઓ અને ગોપાલને પણ આ વાત ગમી. પછી બધી ફૂલપરીઓએ પોતાના અલંકારો વડે જગત પરના ઘણાં બધા છોડ અને ઝાડને શણગારી દીધા. ફૂલપરીઓના અલંકારો એટલે ફૂલો.
એ દિવસથી જગત પરના બહુ બધા છોડ અને ઝાડ ફૂલોથી શોભી ઊઠ્યા. ફૂલોની શોભાથી આખું જગત સુંદર-સુંદર થઈ ગયું.
મહેશ ‘સ્પર્શ’