Thursday, January 27, 2011

પોરબંદરના આંગણે ૨૫ પ્રવૃત્તિઓ

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગરની સમગ્ર કર્મચારી ટીમ તા. ૧૭, ૧૮ અને ૧૯ જાન્યુઆરી, ૨૦૧૧ના ત્રી દિવસીય કાર્યક્રમો માટે પહોંચી હતી. પોરબંદર જિલ્લાને પાયલોટ પ્રોજેક્ટ્સ માટે પસંદ કરીને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનાં ધ્યેય અને દર્શનની ઝાંખી કરાવવાના મિશન સાથે યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ તથા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર્સે જુદ જુદા પ્રકારના ૨૫ કાર્યક્રમોનું આયોજન કરેલ હતું જે આબાલ વૃધ્ધ સૌને આવરી લેતા હતા.

તારીખ: ૧૭/૧/૨૦૧૧, સમય હતો સવારે:૮-૦૦ થી ૯-૩૦. શાળા સફાઈનો કાર્યક્રમ શરૂ થયો જેનો હેતુ હતો: બાળકોને સ્વચ્છતાનો ખ્યાલ આવે તેમજ આ પ્રવૃત્તિ દ્વ્રારા બાળકમાં ઘર, શેરી, સોસાયટી વગેરેને સ્વચ્છ રાખવાનો અભિગમ કેળવાય. ૬૦ જેટલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. બીજો કાર્યક્રમ હતો ‘ફિલ્મ નિદર્શન દ્વ્રારા શિક્ષણ’ જેનો હેતુ હતો બાળકોમાં વિવિધ મૂલ્યોનો વિકાસ થાય, તેમની કલ્પના શક્તિને વેગ મળે તથા મૂલ્યો આધારીત ફિલ્મો દ્વ્રારા શિક્ષણ પ્રાપ્ત કરે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને સહયોગ કરનાર તજજ્ઞ શ્રી અભિજીત વ્યાસે (જામનગર) ‘Donald Duck In The Land Of Mathematics’ ફિલ્મ દ્વ્રારા ગણિત અને જીવનની વિવિધ બાબતો અંગે માહિતી પૂરી પાડી હતી. સ્થળ હતું ‘ભાવસિંહજી હાઈસ્કુલ’,પોરબંદર. શ્રી સ્વામી નારાયણ પી.ટી.સી. કોલેજમાં ‘આચાર્યશ્રીઓની કાર્યશાળા’ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ૭૫ જેટલા આચાર્યશ્રીઓએ ભાગ લીધો હતો. પ્રથમ સત્રમાં માનનીય શ્રીમતી જયંતી રવિ, CEO, બાલગોકુલમ, માનનીય જ્યોતિબહેન થાનકી વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો. બીજા સત્રમાં યુનિવર્સિટીના માનનીય રજીસ્ટ્રારશ્રીએ બાળકોના ઘડતર માટે આચાર્યોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની વિશદ માહિતી આપી હતી. ઉદાહરણો દ્વારા સચોટ માર્ગદર્શન રજૂ કર્યું હતું.

બપોરના સેશનમાં ‘રંગપૂરણી અને ઓરીગામી’ દ્વ્રારા શિક્ષણની શરૂઆત થઈ. હેતુ હતો બાળકોની સર્જનાત્મકતા, તેમની આંતરિક અને બાહ્યશક્તિઓનો વિકાસ તેમજ તેમની કલ્પના શક્તિનો વિકાસ. દે ગામ સિમ પ્રાથમિક શાળાના બાળકોને ‘Sixer’ ફિલ્મ બતાવવામાં આવી અને બાળકોમાં પડેલી વિવિધ સર્જનશક્તિઓની વાતો કરવામાં આવી.

તો બીજી બાજુ, વિસાવાડા પ્રાથમિક શાળામાં ‘બાળવાર્તા કથન’ નો કાર્યક્ર્મ રાખવામાં આવ્યો. ૨૦૦ વિદ્યાર્થી સમક્ષ તજજ્ઞ દ્વ્રારા માતૃભાષાનો મહત્વ, અવલોકનની શક્તિ અને સાચો મિત્ર તેમજ પ્રામાણિકતાનું ફળ જેવી વાર્તાઓ રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી. સાથે સાથે બાળકો માટે ચિત્રકલા પ્રવૃત્તિ યોજવામાં આવી. ગ્રુપ મુજબ બાળકોએ પોતાની કલ્પનાશક્તિ દ્વારા વિવિધ પ્રકારનાં ચિત્રો દોર્યા, તો ભારતીય વિદ્યાલય ખાતે બાળકો માટે વકૃત્વ સ્પર્ધાનું આયોજન થયેલું જેમાં ૧૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, વિષયો હતા: વાચનનું મહત્વ, મારા સ્વપ્નનું ગુજરાત અને વાચન એ જ્ઞાન પ્રાપ્તિનો ઉત્સવ.

સાંજે વડિલો માટે ‘પેરેન્ટ્સ ફોરમ’ યોજવામાં આવ્યું. યુનિવર્સિટીના રજીસ્ટ્રારશ્રીએ પોતાના પ્રાસ્તાવિકમાં જણાવેલું કે સ્પર્ધાત્મક વલણથી જ બાળકોનો વિકાસ થાય છે તેવા ખ્યાલમાંથી બહાર આવવું જોઈએ. ડૉ. દેવ્યાની બહેન ગોઢાણિયા, શ્રી જિજ્ઞેશભાઈ પ્રશ્નાની અને સુશ્રી જ્યોતિબહેન થાનકીનાં પ્રવચનો હૃદયસ્પર્શી રહ્યાં. ભાર વગરનું ભણતર કેવી રીતે કરી શકીએ, માતૃભાષામાં જ શિક્ષણનું મહત્વ, ઘર એ બાળકની પ્રથમ શાળા છે, બાળકને કેળવવા પોતાની જાતને કેળવવી જરુરી છે. તેમજ માતા-પિતાનાં વર્તનોની અસર સીધી જ બાળકો પર પડે છે -જેવા વિચારો રજૂ કરવામાં આવ્યા.

ગોઢાણિયા કોલેજમાં ‘દેવશીશુના ઘડવૈયા માતા-પિતા’ વિષય પર બી.એડ.ના તાલીમાર્થીઓ તથા પ્રાધ્યાપકો માટેના કાર્યક્રમનું આયોજન થયું હતું. હેતુ હતો: બાળકોના સર્વાંગીણ વિકાસ અંગેની માહિતી ભાવિ શિક્ષકો મેળવે, તેમજ તરુણાવસ્થાની સમસ્યાઓથી ભાવિ શિક્ષકો પરિચિત થાય. આ કાર્યક્રમમાં (કમિશ્નરશ્રી, ઉચ્ચ શિક્ષણ)-શ્રીમતી જયંતી રવિ ઉપસ્થિત રહ્યાં. બી.એડ.ના તાલીમાર્થીઓની વચ્ચે જઈ તેમણે કેટલાક પ્રશ્નો પૂછી તાલીમાર્થીઓને વિચાર કરતા કરી દીધા હતા. તેઓશ્રીએ ગાંધીજીના H3 (Hand, Head અને Heart) ની વાત કરીને તે ત્રણેયમાં સાતત્ય રહેવું જોઈએ તે સમજાવ્યું. ભાવિ બાળકો તેજસ્વી, બોલ્ડ અને હિંમતવાન હોવાં જોઈએ એ સંદર્ભે તપોવન પ્રોજેક્ટની સંકલ્પના સરળ ભાષામાં રજૂ કરી હતી અને સાથે સાથે ભાવિ શિક્ષકો Individual Social Responsibility સમજે અને તપોવનની સંકલ્પનાના કાઉન્સેલીંગમાં જોડાવા માટે વિનંતી સાથે કહ્યું હતું કે આ કાર્યમાં જોડાવાથી Life Changing અનુભવ થશે છેલ્લા સેશનમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને ઉત્તમ બનાવવા માટેનાં સૂચનો માંગવામાં આવ્યાં હતાં જેમાં ખૂબ જ સારાં સૂચનો પ્રાપ્ત થયાં.

દિનાંક: ૧૮/૧/૧૧ ના રોજ બીજા દિવસના કાર્યક્રમોની શરૂઆત થઈ. ચમ માધ્યમિક શાળામાં ફિલ્મ નિદર્શન રાખવામાં આવ્યું. જેમાં તજજ્ઞ શ્રી અભિજીતભાઈ વ્યાસે ગણિત અને માનવ જીવન અંગે વ્યાખાન આપ્યું. સવારે: ૮ વાગે આ કાર્યક્રમની શરૂઆત થઈ અને તે જ સમય પોરબંદરના વિશાળ દરિયાકાંઠે બાળકો દ્વારા શિલ્પકળાના ઉત્તમ નમૂનાઓ ‘રેત શિલ્પ’ ના કાર્યક્રમના માધ્યમથી રચવામાં આવ્યાં. બાળકોમાં શિલ્પકળાનો, કલ્પનાશક્તિનો વિકાસ થાય તે હેતુ હતો. બોરડી પ્રાથમિક શાળામાં ‘બાળવાર્તા કથન’ નો કાર્યક્રમ થયો હતો. જેમાં ૨૦૦ જેટલાં બાળકો ઉપસ્થિત રહ્યાં. શેખચલ્લી, રાજા વિક્રમ, અકબર-બિરબલ, અકબરનાં નવરત્નો જેવી બોધદાયક વાર્તાઓ તજજ્ઞો દ્વારા સરસ રીતે રજૂ કરવામાં આવી. બાળકોએ એકધ્યાન થઈ આ કાર્યક્રમને માણ્યો. બપોરે રાણા વડવાળા પ્રાથમિક શાળામાં ‘રંગપૂરણી અને ઓરીગામી દ્વારા શિક્ષણ’ નો કાર્યક્રમ હતો જેમાં આસપાસના વિસ્તારની શાળાઓના આચાર્યશ્રીઓએ પણ ભાગ લીધો હતો. પ્રાણીઓ અને વિવિધ રંગો દ્વારા માનવીને શીખવા મળતાં વિવિધ મૂલ્યો અંગે સમજ આપવામાં આવી.

બપોર પછીના સેશનમાં બોરડી પ્રાથમિક શાળામાં બાળકો માટે ચિત્રકલા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી. વિવિધ ટેકનીક્સ દ્વારા ચિત્રસર્જનની માહિતી આપવામાં આવી. બપોરે ૧૨ થી ૪ દરમ્યાન ‘શિક્ષણમાં નવતર પ્રવૃત્તિઓ’ વિષય પર કે.બી.જોશી માધ્યમિક શાળામાં કાર્યક્રમ થયો. જેમાં શિક્ષણમાં નવતર પ્રવૃત્તિઓની આવશ્યકતા અને બાળકોના સર્વાંગી વિકાસમાં તેની ઉપયોગીતા વિશે વિગતે વાત થઈ. સાંજે સરકીટ હાઉસ ખાતે ‘પ્રબુધ્ધ નાગરિકો સાથે બેઠક’ નું આયોજન કરવામાં આવ્યું જેમાં આશરે ૪૦ જેટલા પ્રબુધ્ધ નાગરિકોએ ભાગ લીધો. તેમને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અંગેની માનનીય રજીસ્ટ્રારશ્રી એ માહિતી આપી. પ્રબુધ્ધોનો સુર હતો: ‘ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની કામગીરીમાં મદદ માટે તૈયાર છીએ.

તેમણે કેટલાંક મૂલ્યવાન સૂચનો કરેલાં જેમાં યુનિવર્સિટીના કાર્યક્રમો નાના ગામડાં સુધી લઈ જવા, દરેક શહેરમાં કમિટી બનાવવી, માતૃભાષામાં શિક્ષણ મળે તે જોવું, યુનિવર્સિટીએ પોતાનું જ એક ‘સમાચાર પત્ર’ તૈયાર કરવું તથા શિક્ષણમાં પર્યાવરણીય અભિગમો સામેલ કરવા વગેરે હતો.

દિનાંક: ૧૯/૧/૧૧ની વહેલી સવારથી જ ત્રીજા દિવસના કાર્યક્રમો શરૂ થઈ ગયા. સુરૂચિ માધ્યમિક શાળામાં ‘ફિલ્મ નિર્દેશન દ્વારા શિક્ષણ’ વિષય પર કાર્યક્રમ યોજાયો જેમાં ફિલ્મ દ્વારા ગણિત વિષય પ્રત્યેની રુચિ કેળવવાનું માર્ગદર્શન પ્રાપ્ત થયું. બપોરે ૧૨ થી ૨ માં મહોબતપુરા પે-સેંટર શાળા, કુતિયાણામાં બાળવાર્તા કથનનો કાર્યક્રમ યોજાયો. જેમાં યુધિષ્ઠિરે શું માગ્યું?, પરીની વાર્તા, ચાર વિદ્વાન બ્રાહ્મણોની વાર્તા, બિરબલનો ન્યાય વગેરે વાર્તાઓ રજૂ થઈ. તજજ્ઞોએ ભાવવાહી શૈલીમાં વાર્તાકથન કરીને બાળકોને મંત્રમુગ્ધ કરી દીધાં. ત્યારબાદ પે સેન્ટર-૩ પ્રાથમિક શાળા કુતિયાણામાં રંગપૂરણી અને ઓરીગામી દ્વારા શિક્ષણ નો કાર્યક્રમ યોજાયો. બાળકોમાં રહેલી રંગ સંયોજનની શક્તિઓ નીખરે તથા કાગળમાંથી વિવિધ પ્રાણીઓની આકૃત્તિઓ કેવી રીતે બનાવાય તેનું નિદર્શન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી તે જ કાગળમાંથી વિવિધ પ્રાણીઓની આકૃત્તિઓ કેવી રીતે બનાવાય તેનું નિદર્શન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી તે જ શાળામાં “ફિલ્મ નિદર્શન દ્વારા શિક્ષણનો કાર્યક્રમ યોજાયો. જેમાં Sixer અને ‘હાથી કા અંડા’ ફિલ્મો બતાવવામાં આવી. ફિલ્મ તજજ્ઞ શ્રી અભિજીતભાઈ વ્યાસે બંને ફિલ્મોના શૈક્ષણિક મહત્વ વિશે વિશદ સમજણ આપી.
બાળકોના અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા તેની સાથે સાથે તરુણોને મૂંઝવતી સમસ્યાઓ અને તેના ઉકેલની દિશાઓ સૂચવે તેવો ‘તરુણાવસ્થાની મૂંઝવણો અને માર્ગદર્શન’નો કાર્યક્રમ શ્રી ઓ.એન.મોઢા હાઈસ્કૂલમાં યોજવામાં આવ્યો જેમાં તરુણાવસ્થા એ સંક્રાંતિકાળની અવસ્થા છે, આ અવસ્થામાં અનેક પ્રકારનાં વળાંકો આવતા હોય છે, તરુણો પોતાની હસ્તરેખા જાતે જ દોરી શકે છે, તરુણો સામાજિક અને આધ્યાત્મિક બાબતો સમજે અને તેઓ સુદ્રઢ ભારતના નિર્માતા બને જેવા વિચારો તજજ્ઞો દ્વારા રજૂ કરવામાં આવ્યા. ત્રણ દિવસના કાર્યક્રમોમાં ‘પત્રકાર ફોરમ’ પણ રાખવામાં આવ્યું. જેમાં જિલ્લાના પત્રકારો હાજર રહ્યા. યુનિવર્સિટીની માહિતી માન. રજિસ્ટ્રારશ્રીએ પોતાના પ્રાસ્તાવિકમાં આપી હતી તથા તેમના પ્રશ્નોના સહજતાથી પ્રત્યૂત્તરો આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમોને સફળ બનાવવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એ.કે.રાઠોડ તથા જિલા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના કર્મચારીશ્રીઓનો સુંદર સહકાર મળ્યો હતો.
શાળા સફાઇ

ફિલ્મ નિદર્શન દ્વારા શિક્ષણ


















આચાર્યશ્રીઓની કાર્યશાળા















રંગપૂરણી અને ઓરીગામી


















વકતૃત્વ સ્પર્ધા























પેરેન્ટ્સ ફોરમ



































રેતશિલ્પ























































પ્રબુધ્ધ નાગરિકો સાથે બેઠક




































તરુણમાનસ: મૂંઝવણ અને માર્ગદર્શન