Thursday, January 27, 2011

યુવાનો છે, ઉજ્જવળ ભાવિના ઘડવૈયા

પ્રત્યેક યુગમાં જ્યારે જયારે માનવજાતિએ ઉત્ક્રાન્તિ તરફ પગલાં માંડયા છે ત્યારે એ પગલાં યુવાનો દ્વ્રારા જ મંડાયા છે. મહાન પરિવર્તનની દિશામાં સમાજે જ્યારે જ્યારે આગેકૂચ કરી છે ત્યારે તેના અગ્રદૂતો યુવાનો જ હતા. આજે માનવજાતિ વિકાસની જે કક્ષાએ પહોંચી છે વર્તમાન સમયમાં માનવજાતિએ વિકાસક્ષેત્રે જે હરણફાળ ભરી છે, તેના સૂત્રધારો પણ યુવાનો જ રહ્યા છે. વિશ્વે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. સમગ્ર વિશ્વને જાણે આપણે ગજવામાં લઈને ફરી રહ્યાં છીએ. મિડિયાની ક્રાન્તિએ તો વિશ્વને નાનું બનાવી દીધું છે. હજુ પણ દિનપ્રતિદિન નવી નવી શોધખોળો થતી જ રહે છે. વિજ્ઞાન, ટેકનોલોજી, સ્પેસરીસર્ચ, જીનેટીકસ સાયન્સ, બાયોકેમિસ્ટ્રીમાં અદ્દભુત શોધો થઈ છે અને હજુ પણ થતી રહે છે આ શોધો આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવશે કે પછી અંધકારમાં ધકેલી દેશે, એવો પ્રશ્ન શાણા ચિંતકોને મૂંઝવી રહ્યો છે પરંતુ મને શ્રધ્ધા છે આજના યુવાનો પર, યુવાનોની અંદર રહેલી પ્રચંડ શક્તિ પર, સાહસ ખેડવાની તેમની હિંમત પર, આવા યુવાનો જ ઉજ્જવળ ભાવિના ઘડવૈયા છે. શ્રી માતાજી યુવાનોને પ્રકાશની સેનાના વીર સૈનિકો ગણાવે છે તેઓ કહે છે,
યુવાનો છે પ્રકાશની સેનાના વીર સૈનિકો અદ્દભૂત ઉષાના સૂર્યનેત્ર બાળકો,ભાવિમાં પ્રગટનારા દિવ્ય જગતના પુરોધાઓ અંધકાર અને અજ્ઞાનની સામે, જડતા અને તમસની સામે મોરચો માંડીને શ્રધ્ધાપૂર્ણ રીતે આગળ ઘસી રહેલા વીર યોધ્ધાઓ શક્તિથી ભરપૂર,ઉત્સાહથી છલકાતા,
જીવનરસથી સભર આશા અને ઉલ્લાસથી ઉજ્જવળ ભાવિ તરફ સતત આગેકૂચ કરી રહેલા આ વીર સૈનિકો તો છે, માનવજાતિના ઉજ્જવળ ભાવિના સર્જકો.

ઉજ્જવળ ભવિષ્યના સર્જનારા યુવાનો સૃષ્ટા છે. સ્વામી વિવેકાનંદ આ સંદર્ભમાં કહે છે કે, “મને નચિકેતા આપો, તો હું ભારતની કાયાપલટ કરી નાખું” નચિકેતા સત્યનિષ્ઠા, વચનબધ્ધતા, ઉદારતા, જ્ઞાનપિપાસા, ખંત અને પ્રલોભનોની સામે અચલ રહેવાના દ્રઢ મનોબળનું પ્રતીક છે. આવા યુવાનો જ દેશને ઉન્નત બનવી શકે. શરીરથી બળવાન મનથી સુદ્રઢ અને આત્મશક્તિઓથી દીપ્ત યુવાનો દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે.
યુવાન કેવો હોવો જોઈએ? એ અંગે આપણા ઋષિઓ કહે છે: યુવા સાધુ સ્યાત્ યુવા અધ્યાપક: આશિષ્ઠ: દ્રઢિષ્ઠ: બલિશ્ઠ:
ઋષિઓએ યુવાનોના આ પાંચ લક્ષણો બતાવ્યાં છે:
સાધુ સ્યાત્ :- યુવાન સજ્જન હોવો જોઈએ.

સજ્જન માટેના ગુણો છે, સત્યનિષ્ઠા, ઉત્તમ ચારિત્ર્ય, પવિત્રતા, ઉદારતા, ત્યાગ, પ્રેમ અને શ્રધ્ધા- સજ્જનના લક્ષણો યુવાનમાં હોવાં જોઈએ.
યુવા અધ્યાપક:
યુવાન નિરંતર અધ્યયન કરતો હોવો જોઈએ એટલે કે તેની જ્ઞાનપિપાસા તીવ્ર હોય અને તે અભ્યાસુ હોવાથી તેના મનની ક્ષિતિજો હંમેશા વિસ્તરતી રહેવી જોઈએ. આ ઉપરાંત તે આશાવાદી, મનથી સુદ્રઢ અને શરીરથી બળવાન હોવો જોઈએ. આવા યુવાનો આપણા પ્રાચીન ઋષિઓના આશ્રમોમાં તૈયાર થતા અને તેઓ સમાજનું ઉત્તમ ઘડતર કરતા. આથી જ આપણી સંસ્કૃતિ મહાન હતી અને અનેક ઝંઝાવાતોની સામે ટક્કર ઝીલતી અણનમ રહી શકી છે. હવે ફરીથી એકવીસમી સદીનું ભારત મહાનતા તરફ પ્રયાણ કરી રહ્યું છે, ત્યારે શ્રી અરવિંદના શબ્દો આપણને યુવાનોમાં શ્રદ્ધા જગાવી જાય છે કે “ભાવિ યુવાનોના હાથમાં છે.”
જયંતિ રવી