Thursday, January 27, 2011

બંગાળના ઋષિ – આત્મીય નાનાજી


નાનાં બાળકોને મામાને ઘેર જવું બહુ ગમે. ત્યાં કોઈ જાતની રોક-ટોક ન હોય. નાના-નાનીના લાડપાન મળે ને કોઈ બિલકુલ ખિજાય નહીં. તેથી હંમેશા બાળકો મોસાળે જવા આતુર હોય. શ્રી અરવિન્દને પણ નાના હતા ત્યારે મામાના ઘેર જવું બહુ જ ગમતું. તેમના નાના રાજનારાયણ બોઝ બંગાળના ઋષિ ગણાતા. તેઓ દેવઘરમાં રહેતા હતા. નાનાજી ભલે મોટા વિદ્વાન હતા, ભલભલા લોકો પણ તેમની સાથે વાત કરતા અચકાતા, પણ બાળકોની સાથે તો તેઓ બાળક જેવા બનીને ગેલ કરતા. બધાં બાળકોને નાનાજી પાસે રહેવું બહુ જ ગમતું. એક વખત તેઓ બધાં બાળકોને લઈને દૂર દૂર ફરવા ગયા. પાછાં ફરતાં મોડું થઈ ગયું. શ્રી અરવિન્દ અને તેમના બંને મોટાભાઈઓ, તેમના માસીનાં છોકરાંઓ- બધાં દોડતાં આગળ નીકળી ગયાં. તેમને એમ કે નાનાજી ધીમે ધીમે પાછળ આવી રહ્યા છે. પણ ઘણે આગળ નીકળી ગયા પછી પાછળ વળીને જોયું તો નાનાજી કયાંય દેખાતા ન હતા. ઘણી રાહ જોઈ તો ય નાનાજી આવ્યા નહીં, એટલે બાળકો તેમને શોધવા પાછાં ફર્યા. થોડું આગળ ચાલ્યા પછી જોયું તો એક ઝાડ નીચે નાનાજી ઊભા ઊભા ઊંઘી ગયા હતા. બાળકોએ તેમને જગાડ્યા ને પછી બે બાળકોએ જોરથી તેમનો હાથ પકડી રાખ્યો ને તેમને સાથે લઈને ચાલ્યા કે રખેને, પાછા રસ્તામાં કયાંક ઊંઘી જાય તો ! નાનાજી સાથે બધાં બાળકોને ખૂબ જ આત્મીયતા હતી.

મજાક ભારે પડી !

મોટા મામા યોગેન્દ્રને તો શ્રી અરવિંદ ખૂબજ ગમતા હતા. તેઓ તેમને લાડમાં ‘અરૉ’ કહીને બોલાવતા. પછી તો ઘરમાં બધા જ તેમને ‘અરૉ’ કહીને બોલાવવા લાગ્યા. એક દિવસ મોટા મામાને ‘અરૉ’ ની મશ્કરી કરવાનું સૂઝયું. એમણે એક અરીસો લીધો ને ‘અરૉ’ ની સામે ધરીને કહ્યું:” જો તો ‘અરૉ’ આમાં એક વાંદરો છે.” મામાને એમ કે તે હમણાં ચિડાઈ જશે ને તે જોવાની મઝા પડશે. પણ ‘અરૉ’ એ તો જરા પણ ચિડાયા વગર અરીસો હાથમાં લઈને મામાની સામે ધર્યો ને કહ્યું; ‘બડા મામા, બડો બાનર.” પાંચ વર્ષના ‘અરૉ’ની આવી તીક્ષ્ણ બુદ્ધિ જોઈને મામા તો છક થઈ ગયા ! મશ્કરી કરવા જતાં પોતાની જ મશ્કરી થઈ ગઈ ! તે બિચારા પછી શું બોલે ? શ્રી અરવિંદ પાંચ વર્ષના થયા ત્યાં સુધી રજાઓમાં મામાને ત્યાં જવા મળ્યું. પછી તો એમના પિતાએ એમને દાર્જિલિંગની કોન્વેન્ટ સ્કૂલમાં દાખલ કરી દીધા એટલે એ પછી કયારેય મોસાળ જવાની એમને તક જ ન મળી.

લેખક : જ્યોતિબહેન થાનકી
‘અમને અરવિંદની વાત કહો’