Tuesday, April 12, 2011

પ્રભાવક તેજસ્વી પ્રતિભા


એ સમયે હિંદમાં ઉચ્ચ કક્ષાના ઑફિસર બનવા માટે ઈંગ્લેન્ડમાં આઈ.સી.એસ. ની પરીક્ષા હિંદીઓએ આપવી પડતી. આ ખૂબ જ અઘરી પરીક્ષા હિંદીઓ માટે હતી. એની પ્રવેશ પરીક્ષા જ એટલી અઘરી હતી કે ભલભલા તેમાં જ નાપાસ થઈ જતા. આ પરીક્ષામાં પણ શ્રી અરવિન્દે ઘણા સારા માર્કસ મેળવ્યા એટલે તેમને આઈ.સી.એસ. ના વિદ્યાર્થી તરીકે વરસના દોઢસો પાઉન્ડની સ્કોલરશીપ મળી. આમ સ્કૂલની સ્કોલરશીપ અને આઈ.સી.એસ. સ્કોલરશીપ મળતાં કોલેજમાં ભણવાનો ખર્ચ નીકળી ગયો. તેઓ કેમ્બ્રિજ કોલેજની હોસ્ટેલમાં રહેવા જઈ શકયા. તેમની સ્કોલરશીપની પરીક્ષાના એક પરીક્ષક સુપ્રસિદ્ધ સાહિત્યકાર ઓસ્કાર બ્રાઉનિંગ હતા. એક સદ્દગૃહસ્થને ત્યાં શ્રી અરવિન્દ ને તેમની મુલાકાત થઈ. શ્રી અરવિન્દને મળીને આનંદ વ્યક્ત કરતાં તેમણે કહ્યું, મિ. ઘોષ, એ તો તમને ખબર જ હશે કે સ્કોલરશીપની પરીક્ષામાં તમે ઘણાં ઊંચા નંબરે પાસ થાઓ છો, પણ મારે તમને ખાસ એ કહેવું છે કે હું છેલ્લા તેર વર્ષથી આ સ્કોલરશીપ પેપર્સ તપાસું છું, પણ તમે જે ઉત્તરો લખ્યા છે, તેવા ઉત્તરો હજુ સુધી મેં કોઈના ય જોયા નથી, તમારો એ નિબંધ તો ખરેખર અદ્દભુત હતો ! પછી તેમણે પૂછયું; પણ તમે કયાં રહો છો ? શ્રી અરવિન્દે એમને પોતાની હોસ્ટેલની ઓરડીની વાત કરી તે સાંભળીને તેમણે કહ્યું, અરેરે, પેલી કંગાળ કોટડી ! આવો હોંશિયાર અને બુદ્ધિશાળી વિદ્યાર્થી આવી કંગાળ કોટડીમાં રહેતો હોય, એ વાત તેઓ માની જ શકતા નહોતા. પછી તેમણે પેલા સદ્દગૃહસ્થને કહ્યું, જુઓ તો ખરા, આવા સ્કોલરશીપ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થી પ્રત્યે આપણે કેવા અસભ્ય થઇએ છીએ. મહાન બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ અહીં આપણી પાસે આવે છે ત્યારે આપણે એમને કોટડીમાં પૂરીએ છીએ. હું માનુ છું કે તેમના અભિમાન પર અંકુશ મૂકવા આપણે તેમ કરીએ છીએ. આથી જાણી શકાય છે કે શ્રી અરવિન્દે કોલેજમાં પણ પોતાના પ્રોફેસરોની કેટલી બધી ચાહના અને આદર મેળવ્યાં હતાં. તેમના વર્ગના વિદ્યાર્થીઓ પણ તેમની તેજસ્વી પ્રતિભાથી ખૂબ પ્રભાવિત થયા હતા.