Saturday, March 12, 2011

શ્રેષ્ઠ વિદ્યાર્થી શ્રી અરવિંદ


ડ્ર્યુએટ અને તેમનાં પત્નીને ઓસ્ટ્રેલિયા જવાનું થયું. આથી તેમણે લંડનમાં એક ઘર ભાડે લીધું ને તેમાં પોતાની વૃધ્ધ માતાની સાથે આ ત્રણેય ભાઈઓની રહેવાની વ્યવસ્થા કરી. હવે શ્રી અરવિન્દને ત્યાંથી સેન્ટ પોલ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીએ પહેલાં પ્રવેશ-પરીક્ષા આપવી પડતી હતી. શ્રી અરવિંદ આ પરીક્ષા આપી એમને બધા વિષયોમાં ઘણા સારા માર્કસ મળ્યા. પણ ફક્ત ગ્રીક-ભાષામાં ઓછા માર્કસ મળ્યા. સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. વોકર તો ખૂબ જ અનુભવી વિદ્વાન હતા. શ્રી અરવિંદને જોઈને જ તેઓ ઓળખી ગયા કે આ કોઈ સામાન્ય વિદ્યાર્થી નથી. આ તો ખૂબજ તેજસ્વી વિદ્યાર્થી છે. એમના માકર્સ જોઈને બોલ્યા; તારું ગ્રીક નબળું જણાય છે, પણ એ તો હું તને પાકું કરાવી દાઈશ. આમ સેન્ટ પોલમાં પ્રવેશતાં વેંત જ શ્રી અરવિંદને પ્રિન્સિપાલની મદદ મળી, પ્રેમ મળ્યો ને તેમની ગ્રીક ભાષા પણ પાકી થઈ ગઈ. પછી તો તેઓ ઈટાલિયન, રશિયન, સ્પેનિશ, જર્મન- આ ઘણી ભાષાઓ શીખ્યા. શ્રી અરવિન્દને એમના વર્ગના વિદ્યાર્થીઓ કરતાં પણ ઘણું વધારે આવડતું હતું. આવો બુદ્ધિશાળી ને હોંશિયાર વિદ્યાર્થી આટલું બધું ઊંચું જ્ઞાન ધરાવતો હોવા છતાં આ નીચલી શ્રેણીમાં પડયો રહે તે યોગ્ય નથી, એવું પ્રિન્સિપાલ વોકરને લાગ્યું. આથી એમણે શ્રી અરવિન્દની જ્ઞાનની કક્ષા પ્રમાણે તેમને ત્રણ-ચાર ધોરણ ઉપર ચઢાવી દીધા. શ્રી અરવિન્દે ઘેર રહીને અભ્યાસ કર્યો હતો, એનું પૂરેપૂરું વળતર તેમને આ રીતે મળી ગયું. પાછળ રહેવાને બદલે તેઓ આ રીતે આગળ નીકળી ગયા. સ્કૂલમાં તેમની ગણના હવે હોંશિયાર વિદ્યાર્થીઓમાં થવા લાગી. વર્ગમાં શિક્ષકો જે ભણાવતા, તેમાં બરાબર ધ્યાન રાખીને તેઓ ભણતા, એટલે તેમને વર્ગમાં શીખવાડેલું તો ત્યાં ને ત્યાં જ આવડી જતું. ઘેર વાંચવાની જરૂર જ પડતી નહીં. તેઓ ઘરમાં બેસીને તો અંગ્રેજી ને ફ્રેન્ચ સાહિત્યના તેમજ ઈતિહાસના મોટાં મોટાં પુસ્તકો વાંચ્યા કરતા. તેઓ વર્ગનું કંઈ લેશન કરતા નથી અને બધું બહારનું જ વાંચ્યા કરે છે, તે ખબર તેમના શિક્ષકોને પણ પડી. શિક્ષકોને આથી ચિંતા થવા લાગી કે આવો હોંશિયાર વિદ્યાર્થી ઘરલેશન ન કરવાથી કદાચ પરીક્ષામાં નાપાસ પણ થઈ જાય. એટલે તેમને બોલાવીને ઠપકો આપતાં કહ્યું; બહારનું વાંચવાનું ઓછું કરી અભ્યાસક્રમનું વાંચો. પણ વર્ગનું તો બધું જ આવડી ગયું હોય ત્યાં એનું એ શું વાંચવાનું ? એટલે શ્રી અરવિંદનું બહારનું વાંચન તો ચાલુ જ રહ્યું. પછી જ્યારે પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે શિક્ષકોને ભારે આશ્ચર્ય થયું કેમકે ઈતિહાસ અને સાહિત્યના બધાં જ ઈનામો શ્રી અરવિન્દને મળ્યાં હતાં ! ઉપરાંત સમગ્ર સ્કૂલમાં શ્રેષ્ઠ સાહિત્યના લેખન માટે આપાતું બટરવર્થ પ્રાઈઝ અને ઈતિહાસ માટે અપાતું વુડવર્થ પ્રાઈઝ પણ એમને જ મળ્યાં હતાં. સાહિત્યમાં અપાતાં શ્રેષ્ઠ ઈનામમાં એક વરસે તો તેમને અરેબિયન નાઈટ્સ નું સચિત્ર પુસ્તક જેના મોટી ડિક્ષનેરી જેવા સોળ ભાગ હતા તે મળ્યા હતા ! આ સોળે ભાગ ઘણા લાંબા સમય સુધી શ્રી અરવિન્દે પોતાની પાસે રાખ્યા હતા.

- જ્યોતિબેન થાનકી

(અમને શ્રી અરવિંદની વાત કહો)