Sunday, March 27, 2011

શિક્ષણનો આરંભ



યાદ આવે છે નિશાળે જવાની વાત. એક દિવસ મેં જોયું તો મારા મોટાભાઈ સોમેન્દ્રનાથ અને મારાથી ઉંમરમાં મોટો મારો ભાણેજ સત્ય નિશાળે જાય છે, પરંતુ મને નિશાળે જવાને યોગ્ય ગણવામાં આવ્યો નથી. મોટેથી રડવા સિવાય મારી યોગ્યતા જાહેર કરવાનો બીજો કોઈ ઉપાય મારા હાથમાં નહોતો. આ પહેલાં હું કદી ગાડીમાંયે બેઠો નહોતો કે ઘરમાંથી બહાર પણ નીકળ્યો નહોતો; તેથી સત્ય જ્યારે નિશાળેથી આવીને નિશાળે જવાના રસ્તાનો પોતાનો ભ્રમણવૃત્તાંત લાંબો ચોડો કરીને ભભકાદાર સ્વરૂપમાં રોજ મારી આગળ રજૂ કરવા લાગ્યો, ત્યારે મારું મન કેમે કરીને ઘરમાં ટકવાની ના જ પાડવા લાગ્યું. મારા શિક્ષકે મારા મોહનો વિનાશ કરવા માટે પ્રબળ ચપેટાઘાત સાથે આ સારગર્ભ વાણી ઉચ્ચારી હતી: આજે તું નિશાળે જવા માટે રડે છે, પણ એક વખત નહિ જવા માટે તું આના કરતાંયે વધારે રડવાનો છે. એ શિક્ષકનાં નામઠામ, આકૃતિ, પ્રકૃતિ કશું જ મને યાદ નથી, પરંતુ એ ગુરુવાક્ય અને ગુરુતર ચપેટાઘાત મનમાં બરાબર યાદ છે. આવી મોટી સાચી ભવિષ્યવાણી જિંદગીમાં મેં કદી સાંભળી નથી.

રડવાના જોરે હું ઓરિએન્ટલ સેમિનારીમાં અકાળે દાખલ થયો. ત્યાં હું શું ભણ્યો એ યાદ નથી, પરંતુ એક શિક્ષા-પ્રણાલી યાદ રહી ગઈ છે. પાઠ ન આવડે તો છોકરાને પાટલી પર ઊભો રાખી તેના બંને હાથ લાંબા કરાવી તે હાથ પર વર્ગની સ્લેટો ભેગી કરીને ખડકવામાં આવતી..... આવી રીતે બહાર ધારણાશક્તિનો અભ્યાસ કરવાથી તે શક્તિ અંદર પણ ઊતરી શકે છે કે નહિ એ માનસશાસ્ત્રીઓએ ચર્ચાવાનો વિષય છે.

વાર્તા: બાલ સાહિત્ય

લેખક: રવીન્દ્રનાથ ઠાકુર