Sunday, February 27, 2011

કૃત્રિમ પગ


શહેરના છેવાડાના મહોલ્લામાં રાજુ તેના માતા-પિતા સાથે રહેતો હતો. નાનપણથી જ રાજુને નૃત્યનો ખૂબ જ શોખ. ભણવાની સાથે સાથે વધારાના સમયમાં તે નૃત્ય શીખવા જતો. તેના ગુરુજી રાજુનું નૃત્ય જોઈને કહેતા, “આ છોકરો ભરતનાટ્યમ્ માં એક્કો બનશે.” રાજુ ને પણ નૃત્ય કરવું ખૂબ જ ગમતું. ગુરુજી એકજ વખત શીખવાડે અને રાજુ તરત જ શીખી જાય. તેની સાથે બીજા નૃત્ય શીખનાર છોકરા- છોકરીઓ કરતાં રાજુ નૃત્યમાં હંમેશા આગળ જ રહેતો. શહેરમાં નાના બાળકોના નૃત્યનો કાર્યક્રમ યોજાયો. હરિફાઈમાં ઘણાં બાળકોએ ભાગ લીધેલો. રાજુએ પણ ભાગ લીધો હતો અને તેનો પ્રથમ નંબર આવ્યો હતો. બધા દર્શકોને લાગ્યું હતું કે રાજુ આપણા શહેરના નાક સમાન છે. જોત જોતામાં રાજુ તો મોટો થઈ ગયો.
એક દિવસ પોતાના સ્કુટર પર બેસી તે ઘરના કામે ગયો હતો તેવામાં સામેથી ઘસમસતી આવતી કારે તેને ટક્કર મારી. રાજુ ઊછળીને પડયો. તેનો જમણો પગ રસ્તા પાસે પથ્થર સાથે જોરથી અથડાયો અને પગના હાડકાં તૂટયાં. આજુબાજુ ચાલનાર લોકો ભેગા થઈ ગયા. તેને દવાખાને લઈ ગયા અને તેના માતા-પિતાને ખબર આપી. ડૉક્ટરે એક્સરે લીધો અને કહ્યું “તેના પગના નીચેના બન્ને હાડકાં તૂટી ગયાં છે અને પગના પંજામાં પણ ભયંકર નુકસાન થયું છે. પ્રયત્ન કરું છું પણ મારે ન છૂટકે અર્ધો પગ કદાચ કાપી નાંખવો પડે !” રાજુના માતા-પિતા તો આ વાત સાંભળીને બેભાન જ થઈ ગયાં. લોકોએ તેમને પાણી છાંટી ભાનમાં આણ્યાં. રાજુને ઘેનનું ઈન્જેકશન આપેલું તેથી તેને તો કાંઈ ખબર જ ન પડી. ઓપરેશન ચાલુ થયું. ડોક્ટર પાસે બીજો કોઈ વિક્લ્પ ન રહ્યો અને રાજુનો અર્ધો જમણો પગ કાપવો પડયો.
જ્યારે રાજુને ભાન આવ્યું ત્યારે ખબર પડી કે પોતે જમણો પગ ગુમાવી ચૂકયો છે. તેની આંખમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી. પોતાનું સ્વપ્ન અધુરું દેખાવા લાગ્યું. નૃત્યમાં તે સમગ્ર દેશમાં શ્રેષ્ઠ બનવા માગતો હતો. માતા-પિતાએ તેને છાનો રાખવા ખૂબ જ પ્રયત્નો કર્યા. આખરે નિરાશાના વાદળો વચ્ચે તેનાં આંસુ સુકાઈ ગયાં. હવે તે ધીમે ધીમે ઘોડી લઈને ચાલતો થયો. જમણો પગ અર્ધો હતો. નૃત્યને તીલાંજલી આપવી પડશે તે વિચાર તેને રડાવી મૂકતો. પણ શું થાય ? હવે તે લાચાર હતો.
એવામાં ગામમાં એક જાહેરાત થઈ. લાયન્સ કલબ દ્વારા કૃત્રિમ પગ બેસાડવામાં આવશે. રાજુના માતા-પિતાએ આ જાણ્યું. તેઓ કેમ્પમાં રાજુને લઈ ગયા. ડૉક્ટરે રાજુનો પગ બરાબર તપાસ્યો અને જયારે તેણે જાણ્યું કે રાજુ તો પ્રથમ કક્ષાનો નૃત્યકાર હતો અને હજુ પણ તે નૃત્ય કરવાની ઈચ્છા રાખે છે તો ડોક્ટરે તેના માટે વિશિષ્ટ સાધનોનો ઉપયોગ કરી એવો પગ બનાવી આપવાનું વચન આપ્યું કે રાજુ કે બીજા કોઈને પણ ખ્યાલ સુધ્ધાં નહિ આવે કે રાજુને કૃત્રિમ પગ છે અને સાથે સાથે તે નૃત્ય પણ કરી શકશે. રાજુના માતા-પિતા અને ખૂદ રાજુની આંખમાંથી હર્ષનાં આંસુ આવ્યાં.
થોડાક જ સમય પછી રાજુ બે પગે વ્યવસ્થિત ચાલતો થયો. મંદિરે જઈ મા સરસ્વતીને નૃત્યનું સંપૂર્ણ જ્ઞાન આપવાની પ્રાર્થના કરી. ત્યારબાદ પોતાના ગુરુજીને મળવા ગયો. ગુરુજીને વાતની ખબર પડી હતી પરંતુ તેમના મનમાં શંકા હતી કે હવે કૃત્રિમ પગથી રાજુ પહેલાના જેવું નૃત્ય ન જ કરી શકે. ગુરુજીએ રાજુને પોતાની પાસે બેસાડયો. તેના બરડા પર હાથ ફેરવીને તેમણે રાજુને સમજાવવાની કોશીષ કરી. “બેટા, હવે તું નૃત્ય છોડી દે અને ભણવા તરફ જ ધ્યાન આપ.” ગુરુજીના આ વાક્યો રાજુના લાગણીશીલ હૃદય ઉપર ઘા સમાન હતા. તેની આંખો ચોધાર આંસુએ રડી પડી. રાજુએ કહ્યું “ગુરુજી, મા સરસ્વતીની કૃપાથી હું બાકીના લોકોની જેમ જ નૃત્ય કરી શકીશ. આપ મને જ્ઞાન આપો.” રાજુની દર્દભરી વિનંતીથી ગુરુનું હૃદય પીગળી ગયું અને બીજા દિવસથી જ તેની તાલીમ શરૂ થઈ.
પગની અસહ્ય પીડા રાજુને સતાવી રહી હતી પણ મનની મક્ક્મતા તેને હિંમત આપતી હતી . નૃત્ય કરતાં કરતાં તેનો જમણો પગ કયારેક ઘાયલ થતો. ભયંકર વેદના થતી પણ પોતાના લક્ષ્યને પાર પાડવા તે મક્ક્મ હતો. પીડાને ગણકાર્યા સિવાય તેણે તાલીમ લેવાનું ચાલુ રાખ્યું. પરિણામે હવે તેનો પગ ટેવાઈ ગયો અને રાજુ બીજા લોકોની જેમ જ નૃત્ય કરતો થઈ ગયો.
શહેરમાં રાજયકક્ષાની નૃત્ય હરિફાઈ યોજાઈ. રાજુએ ભાગ લીધો. તેની પ્રત્યેક છટા પર લોકો તાળીઓ પાડી ઊઠયા. હરિફાઈના નિર્ણાયકોએ કાર્યક્રમને અંતે નિર્ણય જાહેર કર્યો. “રાજુ શ્રીવાસ્તવ પ્રથમ નંબર મેળવે છે.” નિર્ણાયકોએ તેને છાતી સરસો ચાંપી દીધો. ગોલ્ડ મેડલ સાથે પ્રમાણપત્ર એનાયત થયાં. એવામાં તેના ગુરુજીને રાજુએ જોયા. સીધો જ સ્ટેજ પરથી ગુરુ ચરણે વંદન કરવા દોડયો. બેઉ જણ પછી સ્ટેજ પર આવ્યા અને ગુરુએ માઈક હાથમાં લઈ જાહેર કર્યું, “મિત્રો, રાજુ શ્રીવાસ્તવ મારા વિદ્યાર્થી કરતા પોતે જ પોતાનો ગુરુ છે. તમે જાણતા નહિ હોવ કે તેને એક જ પગ છે. બીજો કૃત્રિમ પગ છે.” નિર્ણાયકો તો સાંભળીને દંગ રહી ગયા. ગુરુએ કહ્યું, “તેની આકરી મહેનત, પીડા સહન કરવાની સહનશક્તિ અને લક્ષ્યને પ્રાપ્ત કરવા બધું જ કરી છૂટવાની તૈયારીએ તેને મહાન બનાવ્યો છે.” તાળીઓના ગડગડાટ વચ્ચે કાર્યક્રમ પૂર્ણ થયો.

- અનંત શુક્લ