Sunday, September 12, 2010

એક દિવસમાં......


'આવ બેટા રાજુ, આવ. તું અહીં શા માટે આવ્યો છે ખબર છે ?'

‘હા. મને બધી ખબર છે. મારા પપ્પા મને અહીં શા માટે મૂકી ગયા, એ હું બરાબર જાણું છું. તેઓ મને મારી મારીને થાકી ગયા એટલે હવે તમારી પાસે માર ખાવા મોકલી દીધો છે. અહીં તો કોઈ જરાક તોફાન કરે એટલે એને તમે લાકડીએથી ફટકારો છો, એમ મમ્મી કહેતી હતી. પણ હું કંઈ લાકડીઓના મારથી બીશ નહીં. હું જે ત્યાં કરતો હતો એ જ અહીં કરવાનો, કરવાનો ને કરવાનો જ.’ જમીન પર જોરથી પગ પછાડતાં પછાડતાં રાજુએ નવજીવન સંસ્થાના સંસ્થાપક જેમને સહુ મોટાભાઈના વહાલભર્યા નામથી સંબોધતા હતા તેમને બેધડક કહી દીધું. રાજુની બોલવાની ખુમારી, એનો જુસ્સો, એની દીલની સચ્ચાઈ મોટાભાઈ ને સ્પર્શી ગયાં અને તેમને લાગ્યું કે છે તો પાણીદાર રત્ન. ભલેને ઉપર ઉપર કાદવથી ખરડાયેલું હોય.

તેમણે અત્યંત વ્હાલથી રાજુને કહ્યું, “આવ મારા દીકરા, આવ. હું તારા જેવા ખુમારી વાળા અને પરાક્રમી છોકરાની જ શોધમાં હતો. બેસ કહું ને બેસી જાય, લાકડી બતાવું ને ડરના માર્યા ધ્રૂજી જાય એવા છોકરાઓ તો મેં બહુ જોયા. પણ હું તો તારા જેવા કોઇ બહાદુર બેટાની શોધમાં હતો કે જે મને પણ કહી દે કે હું તમારાથી જરાય ડરતો નથી. આજે મને એવો દીકરો મળ્યો ખરો ! આવ તો ખરો, હવે આપણે બે મળીને ધરતી ધ્રુજાવશું.’

રાજુ આ તે કેવી વાત સાંભળી રહયો હતો ! આવું તો એણે કયારેય સાંભળ્યું ન હતું. ડેડી કે મમ્મી આગળ આવી કરડાકીથી બોલ્યો હોય તો બે ચાર શબ્દો બોલતાંની સાથે જ બે ચાર થપ્પડ પડી જ ગઈ હોય, ને, “તું કેમ કરવાનો એ અમે ય જોઈ લેશું. વંઠી ગયો છે. સાવ રખડુ થઈ ગયો છે. કોઇ કહયામાં રહયો નથી. ભણવાનું નામ નહીં ને બસ ભટક્યા કરે છે. મોટો થઈને ભીખ માંગજે ભીખ.” આવું આવું તો તે કેટલુંય સાંભળતો રહેતો. હવે તો એ બધાં વાક્ય એને મોઢે થઈ ગયાં હતાં અને એની પોતાના ઉપર બિલકુલ અસર પડતી ન હતી. પણ આજે તો તે કંઈક જુદું જ સાંભળતો હતો ! એણે તો મનોમન લાકડીના પ્રહારો ખમવાની પણ તૈયારી કરી રાખી હતી તેના બદલે મોટાભાઈના આવા ફુલ જેવા શબ્દો તેને સાંભળવા મળ્યાને તેના નાનકડા હૃદયમાં હલચલ મચી ગઈ. આવું પણ કોઇ તેના માટે બોલી શકે ખરું ? પણ શું ખરેખર તેઓ એના માટે આ બોલતા હતા કે પછી એના ડેડીની જેમ બનાવટ કરતા હતા ? એ સમજવા તેણે મોટાભાઈ સામે એક તીરછી નજર ફેંકી. આ નજરમા આખી દુનિયા પ્રત્યે તિરસ્કાર ભર્યો હતો. એની આંખમાંથી નિકળતી ધિક્કારની જ્વાળાથી જાણે તે આખી દુનિયાને બાળી નાંખવા માંગતો ન હોય ! એમ તે મોટાભાઈ સામે તાકી જ રહયો.

“રાજુ અહીં આવ ને ! મારી પાસે બેસ. એમ બારણામાં શું ઊભો રહયો છે ? હવે તો આ તારું જ ઘર છે બેટા !”

‘ના. મારે કોઇ જ ઘર નથી હવે. મારા ડેડી-મમ્મીએ મને કાઢી મૂકયો છે અને અહીં મને નાંખી ગયા છે. પણ હું હવે જોઉં છું કે તમે મને અહીં કેમ રાખી શકો છો ? તે ધૂંધવાતો હતો તેના મનનો રોષ ઉગ્ર હતો. એનો અંતરનો આક્રોશ અને માતા પિતા પ્રત્યેનો તિરસ્કાર જોઈને મોટાભાઈને લાગ્યું કે આ રત્નના પાસાં પાડવાનું કામ બહુ જ સાવધાનીથી કરવું પડશે. પણ એક વખત પાસાં પડયા પછી તો આ રત્ન અવશ્ય ઝળકી ઊઠશે !’

“ચાલ રાજુ, આપણે જમી લઈએ. આજે તો તારા પિતાજીએ બધાં જ બાળકોને શ્રીખંડ પૂરીનું જમણ આપ્યું છે. તને શ્રીખંડ બહુ ભાવે છે ને ? બધાંએ જમી લીધું. આપણે બે જ બાકી છીએ.”
‘ના. હું શ્રીખંડ નહીં ખાઉં.’

‘કેમ ? તને તો બહુ ભાવે છે ને ?’

‘પણ કહયુંને કે હું નહીં ખાઉં.’

‘અરે , મારો બહાદુર દીકરો, પહેલવહેલો ઘરે આવ્યો ને જો તે ન ખાય તો હું પણ નહીં ખાઉં !’

‘પણ તમારે શું છે તે તમે નહી ખાઓ ?’

‘તો તારે શું છે તે તું નહીં ખાય ?’

મોટા ભાઈનું આ વાક્ય સાંભળી રાજુ એક ક્ષણ સ્થિર થઈ ગયો. તેના મનમાં કંઈક ગડમથલ ચાલતી હોય તેમ તેને લાગ્યું. અને પછી તે એકાએક જોરથી બરાડી ઊઠ્યો : ‘હું કદી શ્રીખંડ ખાવાનો નથી, નથી ને નથી.’ ને તેને યાદ આવ્યો તે દિવસનો પ્રસંગ. ઘરે મહેમાનો આવ્યા હતાં. ત્યારે તે મમ્મીને કહેવા લાગ્યો : ‘મમ્મી, બહુ ભૂખ લાગી છે.’ કેમકે તે જાણતો હતો કે ફક્ત મહેમાનો હોય ત્યારે જ મમ્મી એની સાથે સારી રીતે બોલે છે અને કંઈ કહેતી નથી. મહેમાનોએ કહ્યું કે, ‘રાજુ અમારી સાથે જમશે તો અમને બહુ જ ગમશે.’

મમ્મીએ ના પાડી કહ્યું : ‘પિન્ટુ બાલમંદિરથી આવશે ત્યારે બંને ભાઈઓ સાથે જમશે.’ પણ રાજુએ મમ્મીની વાત ગણકારી જ નહીં ને મહેમાનોની સાથે જમવા બેસી ગયો. તેણે શ્રીખંડ જ ઝાપટ્યો. ત્રણ વાટકા શ્રીખંડના ખાઈ ગયો. અને પછી મહેમાનોના ગયા બાદ એને જે મેથીપાક મમ્મીએ આપ્યો તે રાજુ કદી ભૂલ્યો ન હતો. અને ત્યારે એણે મમ્મીને કહી દીધું કે હવે જિંદગીમાં તારા શ્રીખંડને અડું તો કહેજે.’ અને ખરેખર, તે એના આ બોલને વળગી રહ્યો. એ પછી ઘરમાં ઘણીવાર શ્રીખંડ આવ્યો પણ રાજુ એને અડકયો પણ નહીં. ત્યારે મમ્મી એના દેખતાં જ પિન્ટુને કેવા લાડથી શ્રીખંડ ખવડાવતી હતી; પણ તેણે ક્યારેય રાજુને એમ નહોતું કહ્યું કે ‘તું નહીં ખાય તો હું પણ નહીં ખાઉં.’ આ પ્રસંગ યાદ આવતાં તેનું મોઢું ક્રોધથી લાલચોળ થઈ ગયું. અને તેણે પોતાના હાથની મુઠ્ઠીઓ જોરથી વાળી દીધી.
રાજુના આ હાવભાવને મોટાભાઈ નીરખતા જ રહ્યા. થોડી વાર પછી બોલ્યા : ‘રાજુ, આપણે બંને ભૂખ્યા રહેશું તો ચાલશે; પણ મારાં પેલાં દરદીઓ ભૂખ્યાં નહીં રહી શકે. બિચારી ખિસકોલીને પાણી પીવું હશે. પેલા પોપટની મરડાઈ ગયેલી ડોકે માલિશ કરવું પડશે. અને નાનકડા સસલાને તો કૂતરાએ મોઢામાં પકડેલું તે બિચારું હજુ ય ફફડે છે, તેને ઘાસ નાંખવું પડશે. એમાં તું મને મદદ કરીશ ?’
હેં ! મોટાભાઈ પાસે ખિસકોલી, પોપટ અને સસલા એવાં પ્રાણીઓ છે ! તો મોટાભાઈ જંગલી અને ગામડિયા ન કહેવાય ! એને એના પપ્પાના શબ્દો યાદ આવી ગયા.
’ફેંકી દે, તારું એ કબૂતરનું બચ્ચું. આવા જંગલી ને ગામડિયાવેડા ક્યાંથી શીખી લાવ્યો !’
‘પણ ડેડી, એનો બિચારાનો પગ ભાંગી ગયો છે. બેચાર દિવસમાં તે સાજું થઈ જાય પછી ઉડાડી મુકીશ. આ તો બિચારું ઊડી શકતું નથી તે કૂતરાં ખાઈ જશે.’
‘મેં કહ્યું ને કે ઘરમાં આવું ‘ન્યુસન્સ’ ન જોઈએ.’ એમ કહીને તેના ડેડીએ કબૂતરનાં બચ્ચાનો બારીમાંથી ઘા કરી દીધો હતો. એ બિચારું તરફડીને મરી ગયું.ત્યારે એના હૃદયમાં કેવું તીવ્ર દુ:ખ થયું હતું અને ત્યારે એના ડેડી એને જગતના ક્રૂરમાં ક્રૂર માણસ લાગ્યા હતા.
અરે, અહીં તો મોટાભાઈ પાસે કેટલાં બધાં પશુપંખીઓ હતાં. આ બધાંને જોઈને રાજુ આનંદમાં આવી ગયો.
માંદી ખિસકોલીની સુંવાળી રુંવાટીવાળી પીઠ ઉપર ધીમે ધીમે હાથ ફેરવતાં રાજુનો ગુસ્સો ક્યાં ચાલ્યો ગયો. એની પણ એને ખબર ન પડી. તે તો ભૂલી જ ગયો કે તે આજે જ અહીં આવ્યો હતો. તેને એવું લાગ્યું કે આ બધાં તો એના ચિરપરિચિત સ્વજનો છે. પોપટની વાંકી ડોક પર ગરમ હૂંફાળા કપડાંથી શેક કરતાં કરતાં એના કુમળા હૃદય પર બાઝેલા ધિક્કાર અને તિરસ્કારના પડ તૂટવા લાગ્યા. એથી તે ખુશ થઈની બોલી ઊઠ્યો, “મોટાભાઈ, આ પોપટ તો બોલે છે.” ‘આવો. આવો. મને સારું છે.’ પોપટને આ રીતે બોલતો જોઈને એનું હૃદય આનંદથી નાચી ઊઠ્યું. જગત પ્રત્યેનો એનો ધિક્કાર ઓગળવા માંડયો. ફફડતાં સસલાને તેણે પ્રેમથી ઊંચકી લીધું ત્યારે તો જાણે દુનિયાભરનો પ્રેમ એના હૃદયમાં આવી ગયો હોય તેમ તે સસલાને વહાલથી થપથપાવવા લાગ્યો. આ દરદીઓની માવજત કરી, જ્યારે બંને પાછા વળ્યા ત્યારે રાજુના અંતરમાં એના કાળમીંઢ જેવા બની ગયેલા હૃદયને કોરીને પ્રેમનું ઝરણું વહેવા માંડ્યું હતું. મોટાભાઈ એને હવે આત્મીય લાગ્યા. કેમકે તેઓ એના ડેડીની જેમ ‘હા બેટા,આમ કરશું. તેમ કરશું.’ એમ ખાલી બોલતાં જ નહોતા પણ ખરેખર કરતા હતા. આ ખાતરી, આ મૂંગા પ્રાણીઓએ રાજુને કરાવી આપી.તેથી હવે રાજુને મોટાભાઈ વિશ્વાસ મૂકવા જેવા માણસ લાગ્યા.

હવે રાજુનો રોષ ઓગળી ગયો હતો. પશુપંખીઓએ તેના હૃદયને આર્દ્ર બનાવી દીધું હતું. મોટાભાઈએ તેને જાતજાતના પ્રાણીઓની વાતો કહેતાં કહેતાં પ્રેમથી શ્રીખંડ ખવડાવી દીધો.
‘રાજુ, પેલા છોડવાઓ બિચારા રાહ જોતા હશે. ચાલને બગીચામાં,એને જરા મળી આવીએ.’ બપોરે મોટાભાઈએ રાજુને કહ્યું. ઓહ, મોટાભાઈને તો છોડવાઓ પણ ગમે છે ! રાજુ મોટાભાઈને અહોભાવથી જોઈ રહ્યો. બંને બગીચામાં ગયા. ત્યાં રાજુ જેવડાં, તેનાથી મોટા, તેનાથી નાના, કેટલા બધા છોકરાઓ કામ કરી રહ્યા હતા. તે બધા છોકરાઓને બગીચામાં કામ કરતાં જોઈને વિસ્મિત થઈ ગયો.
‘અરે કેતન, નયન, વીરેન, સુરુ-બધા અહીં આવો તો ! જુઓ, આજે આપણા કુટુંબમાં એક બહાદુર સભ્ય ઉમેરાયો છે, અને તે છે આપણો આ રાજુ.’
મોટાભાઈએ સહુને રાજુની ઓળખાણ કરાવી અને સહુએ રાજુના આગમનને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું. મોટાભાઈ રાજુને એક એક વૃક્ષ અને છોડવાઓનો પરિચય કરાવતાં એના અંતરના ભાવોને નીરખી રહ્યા હતા. ‘રાજુ, આ છે કેતનની દાડમી. કેવી લાલચટક ફુલોથી શોભે છે ! હવે નાનાં નાનાં દાડમ પણ લાગ્યાં છે. પણ એનાં એક એક ફૂલ, કળી અને દરેક નાનાં લાગેલાં દાડમની કેતનને બરાબર ખબર છે હો ! અને આ જો વીરેનની ચીકુડી, નાની છે, પણ કેવી ફાલી છે ! આ વખતે પહેલી વાર ફળ બેઠાં. અને આ છે નયનની માલતી. જો ને ફુલોથી કેવી લચી પડી છે ! હવે અમે આ માલતીનો મંડપ બાંધવાનાં છીએ નહીં નયન ?’ આમ મોટાભાઈ એક એક છોડનો રાજુને પરિચય આપતા ગયા તેમ તેમ રાજુના અંતરનો ઉલ્લાસ વધતો ગયો. એને ય પોતાનું કહેવાય એવું એક વૃક્ષ જોતું હતું. તે દિવસ યાદ આવ્યો. તે ઉકરડામાંથી આંબાનો એક નાનકડો રોપ શોધી લાવ્યો અને કોઈને પૂછયા વગર તેણે એ રોપને ફળિયાના એક ખૂણામાં રોપી જ દીધો. બે-ચાર દિવસ તો ઘરમાં કોઈને ય આ વાતની ખબર જ ન પડી. પણ રાજુભાઈનો ઉત્સાહ સમાય નહીં એટલે એણે મમ્મીને ઉત્સાહથી કહી દીધું : “મમ્મી, મમ્મી, મારો આંબો લાગી ગયો. જોજે ને તે મોટો થઈ જશે પછી એમાં કેરીઓ આવે એ !”
“હેં...તેં શું કહ્યું ? ફળિયામાં આંબો રોપ્યો ? એમ તે કંઈ આંબા ઊગતા હશે ? ને એમાં કેરીઓ આવતી હશે ? નકામા કચરા થાય, જીવાત થાય ને ફળિયું બગડે. તારો આંબો કાઢી નાંખજે. એવાં ફતુર આપણને ન પોષાય.”

મમ્મીની આવી વાત સાંભળતાં જ રાજુના ઉત્સાહ પર ઠંડુ પાણી ફરી વળ્યું. તે તો થીજી જ ગયો ! તો ય તેણે નાની લાલ કૂંપળ ફૂટેલો પોતાનો આંબો ન જ ઉખેડ્યો. પરંતુ બીજે દિવસે તેણે નિશાળેથી આવીને જોયું તો તેના આંબાનું નામનિશાન ન હતું. એ મમ્મીએ જ ઉખેડ્યો હતો. આથી એણે ખૂબ ધમપછાડા કર્યા, પણ એનું કંઈ જ ન વળ્યું. ઊલટાનો તેને મમ્મીના હાથનો માર ખાવો પડ્યો.

‘રાજુ તું શું વિચાર કરે છે ?’ રાજુને ખોવાયેલો જોઈને મોટાભાઈએ પૂછ્યું.
“મોટાભાઈ, આંબો વવાય ?”

‘કેમ નહીં ?’
‘કેતન, પેલી બાજુ આંબાના બે રોપ છે તેમાંથી એક લઈ આવ. આ સામે જ જ્ગ્યા ખાલી પડી છે ત્યાં રાજુનો ઘેઘૂર આંબો થશે.કેમ ખરું ને ?

અને રાજુ ઘેઘૂર આંબો અને તેના પર લટકતી સોનેરી રંગની પાકી પાકી કેરીઓનું સ્વપ્ન જોઈ રહ્યો. હવે તેની આંખમાં ચમક આવી ગઈ.

મોટાભાઈએ રાજુના હાથે આંબો રોપાવ્યો. રાજુનું હૃદય અપાર આનંદથી છલકાઈ રહ્યું. હવે આ દુનિયામાં તેનું પોતાનું કહેવાય તેવું કોઈ હતું, અને તે હતો તેનો આંબો.
‘હેં મોટાભાઈ, તેને રોજેરોજ પાણી પીવડાવવાનું ને ! હું બે વખત પાણી પીવડાવું તો તે જલ્દી વધે ને ? આંબા વિષે તેણે અનેક પ્રશ્નો મોટાભાઈને પૂછી નાંખ્યા.
‘રાજુ તારે નદીકિનારે ફરવા આવવું છે ?’ સાંજે મોટાભાઈએ રાજુને પૂછ્યું.

‘હા, મોટાભાઈ. નદી તો મને બહુ જ ગમે. એકવાર અમે ફૈબાના ઘરે ગામડે ગયેલાં. ત્યાં બધા છોકરાઓ સાથે નદીમાં હું છાનોમાનો નહાવા જતો. પણ ડેડીને ખબર પડી ગઈ. તેઓ તે છોકરાઓ પર એટલા બધા ખીજાયા કે પછી કોઈ મને નદીએ લઈ જ ન જતું. આમ મારું તરતાં શીખવાનું અધૂરું રહી ગયું. તમને તરતાં આવડે છે ?’
‘હા. તારે શીખવું છે ? હમણાં નિશાળમાં વેકેશન છે એટલે રોજ નદીએ નહાવા આવી શકાશે. પછી તો રવિવારે જ આવી શકાય. હું તને તરતાં શીખવાડીશ. તારા જેવા હિંમતવાનને તો એક જ દિવસમાં તરતાં આવડી જશે.’ રાજુએ ન્યુઝ રીલમાં તરણ-સ્પર્ધાની ફિલ્મ જોયેલી તેમાં પ્રથમ આવનાર અમીતની જગ્યાએ જાણે તે પોતે ઊભો છે ને સુવર્ણચંદ્રક મેળવી રહ્યો છે, એવું તેણે કલ્પી લીધું ! તેણે ઉમંગથી મોટાભાઈનો હાથ પકડી લીધો અને બોલ્યો, ‘સાચે જ મને તરતાં આવડી જશે !’
‘કેમ નહીં ? બે દિવસમાં તો તું તરતાં તરતાં પેલે કિનારે પહોંચી જઈશ.’
હવે મોટાભાઈ તેના ફક્ત આત્મીય સ્વજન જ નહીં પણ જિગરી દોસ્ત બની ગયા હતા. તેમણે રાજુના અંતસ્તલને સ્પર્શી લીધું હતું. ધીમે ધીમે રાજુને ખબર પણ ન પડે તેમ રાજુ મોટાભાઈ આગળ તેના નાનકડાં હૈયામાં અત્યાર સુધી સંઘરી રાખેલી અસંખ્ય વાતો કહેતો ગયો.

‘મમ્મી પહેલાં મારું બહું ધ્યાન રાખતી. હું માંગું તે આપતી. કોઈ વાતની ના ન પાડતી. પણ પિન્ટુ આવ્યો ને મમ્મી આખો દિવસ પિન્ટુની પાછળ જ ફર્યા કરે. હવે એ મોટો થયો તો મારી બધી જ વસ્તુઓ પિન્ટુને આપવાની ! તે મારી નોટબુક ફાડી નાંખે કે એરોપ્લેન તોડી નાંખે ને હું ત્યારે ખીજાઉં તો મમ્મી મને મારે અને પછી મમ્મી ન હોય ત્યારે હું પીન્ટુને બરાબરનો મારું.

મમ્મી મને ઓરડામાં પૂરી દે તો બારી ઠેકીને ભાગી જાઉં. એક વખત તો મેં ય પિન્ટુને ઓરડામાં પૂરી દીધો હતો.’ રાજુને પહેલી જ વાર પોતાની વાતમાં રસ લેનાર ને સાંભળનાર કોઈ મળ્યું હતું એટલે એ પોતાની વાતો કહ્યે જ જતો હતો. અને એના આ બધા તોફાનોમાં તેણે કંઈ ખરાબ કામ કર્યું હોય કે ગુનો કર્યો હોય તેવું તેને લાગતું જ ન હતું.

જતાં પહેલાં રાજુના પપ્પાએ મોટાભાઈને કહેલું : ‘પહેલા તો રાજુ બહુ જ ડાહ્યો હતો. ભણવામાં પણ હોંશિયાર હતો. પણ ખબર નહીં છેલ્લા બે વરસથી તો નથી તેનું ભણવામાં ચિત્ત કે નથી ઘરમાં, ઘરમાં તો આખો વખત તે ધમાલ, ઉત્પાત, મારકૂટ ને ભાંગફોડ કરે છે. અમે તો તેના તોફાનોથી હવે ત્રાસી ગયાં છીએ. તમારી સંસ્થાનું નામ સાંભળ્યું અને ઘણાંએ મને સલાહ પણ આપી એટલે હું અહીં આવ્યો છું. સવારથી સંસ્થાની પ્રવૃત્તિઓ જોઈ રહ્યો છું. રાજુ જેવાં કેટલાય બાળકોને મેં અહીં ખુશખુશાલ જોયાં એટલે મને થયું કે હું સાચી જગ્યાએ જ રાજુને લઈ આવ્યો છું. ખરેખર તમે અદ્દભુત કાર્ય કરી રહ્યા છો. આવાં તોફાની અને ઉદ્દંડ બાળકોને તમે કઈ રીતે વશ કરો છો ? એમની પાસેથી આટલું સુંદર કામ કઈ રીતે લો છો ?
“જુઓ શેઠ સાહેબ, બાળકો ઉદ્દંડ, તોફાની, ઉધ્ધત કે દુરાચારી બને એ માટે હું બાળકોને સહેજે ય દોષિત ગણતો નથી દોષિત તો તેના માતાપિતા અને તેના ઘરમાં રહેલું વાતાવરણ જ છે. શ્રીમાતાજી કહે છે. બાળકોને માટે સૌથી ઉત્તમ શાળા તો આપણું નિત્યનું હરપળે જીવાતું જીવન જ છે.”

મોટાભાઈની આવી વાત સાંભળી રાજુના પપ્પા ચમકી ગયા ! તેઓ કેવી નિર્ભેળ સત્યવાણી ઉચ્ચારી રહયા હતા ! એમને જણાયું કે એમનું પોતાનું જીવન જ કેવું ક્લુષિત હતું. બહાર તો ધંધાર્થે હસતું મોઢું રાખવું પડતું, પણ ઘરમાં તેમણે કયારે ય બાળકો સાથે આનંદગોષ્ટિ કરી હતી ? રાજુના પપ્પાના મનમાં મોટાભાઈને જોઈને પહેલી વાર વિચાર આવી ગયો કે બાળકોને ય વહાલ કરવું જોઈએ !
‘શેઠ સાહેબ, બાળકોને પૈસાની જરૂર નથી, પ્રેમની જરૂર છે; અંતરના સાચા પ્રેમની’, તમે પ્રેમ આપશો તો બાળકો એમનું સમગ્ર હૃદય તમને આપી દેશે. તમે એમના જીવનમાં સાચેસાચ રસ લેશો તો બાળકો ખીલી ઊઠશે તમે બાળકોને ઘડો છો તેના કરતાં બાળકો તમને ઘડે છે, એ વધારે સાચું છે. એ હું મારા અનુભવ પરથી કહું છું.’
‘અમે અમારાં બાળકોને પ્રેમ તો આપીએ જ છીએ.’
‘ખરેખર ? તો પછી આમ બને જ નહીં. ખરેખર તમારું જીવન તમારાં બાળકો માટે જ છે ?’ મોટાભાઈએ એવી વેધક નજરે રાજુના પપ્પા સામે જોયું કે રાજુના પપ્પાએ નજરને જીરવી શક્યા નહીં. અને તેમણે કહ્યું, ‘અમે તો બાળકો પ્રત્યેની ફરજ બજાવીએ છીએ.પણ તમે કરો છો એવું બધું તો કરવાની અમને ફુરસદ ક્યાંથી હોય ? ધંધામાં ય ધ્યાન આપવું પડે ને ? ‘
‘અરે, ધંધામાં આપો છો એના કરતાં પા ભાગનું ધ્યાન પણ જો રાજુ તરફ આપ્યું હોતતો છોકરો આટલો ઉધ્ધત ન બનત ! પણ કંઈ નહીં, તમારો રાજુ સાચો છે, દંભી નથી. એનામાં એક તરવરાટ છે. એના હૃદયમાં એક આગ ભભૂકી રહી છે. તેની કલ્પનાશક્તિ અને સંવેદનશક્તિને તમે કુંઠિત કરી નાંખી છે; અને તેના વિદ્રોહ રૂપે તે નિષ્ઠુર બની ગયો છે. સામેની ભીંત ઉપરનું સુવાક્ય વાંચો.
‘કોઈ પણ વસ્તુ જો બાળકની કલ્પનાને જાગૃત કરી તેને તૃપ્ત કરી શકતી હોય તો તેથી તમારે લેશ પણ ડરવાનું નથી. આ કલ્પનાશક્તિને લીધે જ બાળકનો અભ્યાસ એક જીવતી જાગતી વસ્તુ બની રહે છે અને મન આનંદનો અનુભવ કરતું કરતું આગળ વધે છે. – શ્રીમાતાજી.’
‘આ વૃક્ષો, આ પશુ-પક્ષીઓ, પર્વતો, નદીઓ, આકાશ તારા-ચંદ્ર વગેરેના સાનિધ્ય અને પરિચય દ્વારા હું આ બાળકોની કુંઠિત થયેલી કલ્પના અને સંવેદના જાગૃત કરું છું અને પછી તો બાળકો આપોઆપ ખીલતાં જાય છે. આ છે બાળકોને વશ કરવાની મારી રીત !’
‘ખરેખર અનોખી છે તમારી પધ્ધતિ. અમે માતાપિતા જે નથી કરી શકતાં એ તમે કરી રહ્યા છો.’ એમ કહી શેઠસાહેબ મોટાભાઈને પગે લાગ્યા અને બોલ્યા : ‘હવે મને રાજુની ચિંતા નથી. તમારા હાથમાં એ જરૂર ખીલી ઊઠશે. હવે એ મારો નહીં પણ તમારો સાચો દીકરો છે. તમારી રીતે એને ઘડજો.હું નિરાંત જીવે પાછો જાઉં છું !’

‘મોટાભાઈ આ વિચારી રહ્યા હતા ત્યાં રાજુએ એમને પૂછ્યું,’ આપણે કાલે સવારે પાછાં અહીં આવશું ને ? ત્યારે તમે મને તરતાં શીખવશો ને ?’
‘ ના રાજુ, કાલે સવારે હું તને ત્યાં સામે ટેકરીઓ દેખાય છે ત્યાં ફરવા લઈ જઈશ. પણ તારે વહેલું ઊઠવું પડશે. ઊઠીશ ને ?’
'હા, હા, જરૂર ઊઠી જઈશ. ટેકરીઓ ખૂંદવી તો મને બહુ ગમે.’ રાજુને યાદ આવ્યું કે જ્યારે તે મોટરમાં આવતો હતો ત્યારે તેણે રસ્તામાં શું નક્કી કર્યું હતું ? કે આજે તે આખી રાત ઊંઘવાનો ન હતો.બધા સૂઈ જાય ત્યારે તે એવી જગ્યાએ ભાગી જવાનો હતો કે જ્યાં એના મમ્મી-ડેડી કે આ મોટાભાઈ કોઈ શોધી જ ન શકે.
પણ હવે તે ક્યાંય ભાગી શકે તેમ જ ક્યાં હતો ? તેણે આંબાને મોટો કરવાનો હતો. પોપટની વાંકી ડોક સાજી કરવાની હતી. સસલા સાથે રમવાનું હતું. નદીમાં તરતાં શીખવાનું હતું અને મોટાભાઈ સાથે પેલી ટેકરીઓ ખૂંદવાની હતી ! ઓહ ! એક દિવસમાં તો એને કેટલું બધું કામ મળી ગયું હતું !
તે રાત્રે તે સૂતો ત્યારે પહેલી વાર તેના મનમાં કોઈ પ્રત્યે ધિક્કાર નહોતો, રોષ નહોતો, કોઈ ઘુઘવાટ નહોતો; પણ મનમાં આનંદ હતો, ઉત્સાહ હતો, ઉલ્લાસ હતો. તે ઘસઘસાટ ઊંઘી ગયો. ઊંઘમાં ન તો તેણે કંઈ બડબડાટ કર્યો કે ન હાથ પગ પછાડ્યા કે ન દાંત કચકચાવ્યા કે ન ચીસો પાડી. વહેલી સવારે જ્યારે એના મસ્તક ઉપર પ્રેમાળ હાથ ફરી રહ્યો હતો અને મોટાભાઈ તેને ધીમે ધીમે જગાડી રહ્યા હતા, “બેટા, ચાલ ફરવા જવું છે ને?” ત્યારે તે જાગ્યો અને ત્યારે તેને લાગ્યું કે જાણે તે કોઈ નવી જ દુનિયામાં જાગ્યો છે. મોટા-ભાઈનો હાથ પકડી ઉલ્લાસથી તે ટેકરીઓ તરફ જઈ રહ્યો હતો ત્યારે ટેકરીઓ પાછળથી નવપ્રભાત ઊગી રહ્યું હતું અને તેનો આછો ઉજાસ રાજુના સ્મિતભર્યા વદન પર પથરાઈ રહ્યો હતો.

લેખક: જ્યોતિબેન થાનકી
ઉર્ધ્વ જીવનની વાર્તાઓ