Wednesday, May 19, 2010
સુખી માણસનું પહેરણ
એક રાજા હતો. રાજા જેવો રાજા. એને રહેવાને મોટા મહેલ હતા, સેવાચાકરીમાં સંખ્યાબંધ નોકર-ચાકર હતા. ખાવા-પીવાની કે પહેરવા-ઓઢવાની એને કંઈ ખોટ ન હતી. શરીરે એ સશક્ત હતો. એ સુખેથી ઊંઘતો ને જાત-જાતના આનંદોમાં દિવસ વીતાવતો. એના જેવું સુખી બીજું કોઈ નથી એમ કોઈને પણ લાગે.
પણ રાજા પોતાના મનથી સુખી હતો કે ? આ બધું હોવા છતાં એને સુખ જણાતું ન હતું એ સાજો હતો ને સુખેથી ખાઈ-પીને હરીફરી શકતો હતો. છતાં એને હતું કે પોતે માંદો છે. એ તો રાજાની માંદગી ! તરત જાત-જાતના વૈદ્ય-હકીમોને તેડાવી મંગાવવામાં આવ્યા, પણ કોઈથી રાજાનો રોગ મટ્યો નહિં. રાજાને રોગ જ ક્યાં હતો કે મટે ? સૌએ એક જ વાત કરી, ‘‘રાજાજી, આપને કશો જ રોગ નથી. આપને કંઈ પણ રોગ હોય તો અમે મટાડીએ ને ?’’
રાજા કહે, ‘‘આ તમામને અહીંથી કાઢી મૂકો. એમાંના કોઈને રોગની પરખ નથી.’’
એમ એણે અનેક વૈદ્ય-હકીમોને કઢાવી મૂક્યા. એણે જાત-જાતની દવા અજમાવી જોઈ, પણ એની માંદગી મટી નહિ.
છેવટે એક દિવસ એના દરબારમાં એક નવો હકીમ આવી ચડ્યો. એ ઝાઝું વૈદક તો ભણેલો ન હતો, પણ એને દુનિયાદારીનું જ્ઞાન સારું હતું. રાજાનું દર્દ કયા પ્રકારનું છે તે એ સમજી ગયો હતો. એ જાણતો તો હતો જ કે, રાજાને કંઈ પણ રોગ નથી. છતાં એણે રાજાની નાડી તપાસી જોઈ. એની છાતી પર ટકોરા મારી જોયા, આંખો અને જીભ તપાસ્યાં. પછી એ કહે, ‘‘રાજાજી, આપની માંદગી ઘણી ગંભીર છે. આપના રોગનો જો તરત ઉપાય નહિ થાય તો આપ ભાગ્યે જ બચી શકશો.’’
રાજા કહે, ‘‘હકીમજી, માંદગીથી હું ત્રાસી ગયો છું. એનું કારણ તમે જાણી શક્યા હો તો તેનો તરત કંઈ ઉપાય કરો.’’
હકીમ જરા વિચારમાં પડી ગયો. પછી એ કહે, ‘‘ઉપાય સરળ છે. તમે જો કોઈ સુખી માણસનું પહેરણ પહેરીને એક રાત સૂઈ જાઓ તો તમારો રોગ જરૂર મટી જાય.’’
રાજાએ તરત માણસોને ચારે બાજુ દોડાવ્યા. ‘‘જાઓ આખા રાજ્યમાં ફરો ને ગમે ત્યાંથી પણ કોઈ સુખી માણસનું પહેરણ મેળવી લાવો.’’
હુકમ થયો એટલે રાજાના માણસો ચારે દિશામાં પહેરણની શોધમાં નીકળી પડ્યા. કોઈ પણ જગાએ એમને સુખી માણસ મળ્યો નહીં. જેને-જેને મળ્યા તે દરેકને કંઈને કંઈ દુ:ખ હતું. કોઈને દીકરો ન હતો. કોઈનો દીકરો મૃત્યુ પામ્યો હતો. કોઈને છોકરાં જીવતાં ન હતાં તો કોઈને ત્યાં જોઈએ એના કરતાં વધારે છોકરાં હતાં. કોઈને બૈરી મળતી જ ન હતી તેની ચિંતા હતી, તો કોઈને વળી બે બૈરીઓ અંદરઅંદર ઝઘડતી હતી તેની ચિંતા હતી. કોઈના હાથમાં રાતી પાઈ આવતી નહિ તેથી એ દુ:ખી હતો તો, કોઈ અઢળક લક્ષ્મીને કેમ સાચવવી તેની ચિંતામાં હતો. કોઈને શરીરે રોગ હતો, કોઈને શત્રુઓ હેરાન કરતા હતા તો કોઈને સગાંવહાલાં હેરાન કરતાં હતાં. એવાં જાત-જાતનાં દુ:ખ લોકોને હતાં. આખા રાજ્યમાં રાજાના માણસો ફર્યા, પણ એમને એક પણ સુખી માણસનો ભેટો થયો નહીં.
રોજે-રોજ માણસો પાછા ફરતા અને રાજાને લોકોનાં દુ:ખોની વાત કહેતા. રાજા જેમ-જેમ એ વાતો સાંભળતો ગયો તેમ-તેમ એની આંખ ઊઘડતી ગઈ. એને થયું, ‘‘અરે, આ તમામના દુ:ખની સરખામણીમાં મારા દુ:ખનો તો કંઈ હિસાબ જ નથી. આ તમામ કરતાં તો હું ખરેખર જ સુખી છું.’’
છતાં એને થયું કે, ‘‘લાવ, જોઉં તો ખરો કે મારા આખા રાજ્યમાં કોઈ સુખી માણસ નીકળે છે કે નહીં !’ એટલે એણે પોતાના માણસોને કહ્યું, ‘‘હજી વધારે તપાસ કરો. સુખી માણસનું પહેરણ ગમે તેમ કરીને મેળવી લાવો.’’
ફરી માણસો રાજ્યના ખૂણે ખૂણે ફરી વળ્યા, પણ કોઈ સુખી માણસ એમની નજરે ચડ્યો નહિ. છેવટે એક દિવસ બે દૂતો રાજમહેલમાં પાછા ફરતા હતા ત્યાં એમની નજર ઘાસ પર બેઠેલા એક ભિખારી જેવા લાગતા માણસ પર પડી. ઘાસ પર લંબાવીને પડ્યો-પડ્યો એ સીટી વગાડતો કોઈ ગીતનો રાગ લલકારી રહ્યો હતો. ખરેખર જ એ પૂરેપૂરો ખુશમિજાજમાં હોય એમ જણાતું હતું.
રાજાના દૂત કહે, ‘‘વાહ ભાઈ, તું ખરેખરો સુખી લાગે છે.’’
ભિખારી કહે, ‘‘હું સુખી ન હોઉં તો બીજું કોણ સુખી હોઈ શકે ? મારા સરખા નવરા અને ગરીબ માણસને કામ જ કેટલું બધું રહે છે તે તો જુઓ. એમાંથી ઊંચો આવું ત્યારે હું દિલગીર થાઉં ને ? ખાવા માટે જોઈતો લૂખોસૂકો રોટલો કંઈક મહેનત કરીને મેળવી લઉં છું; પછી મને ચિંતા શાની હોય ?’’
એમ કહી એ સંતોષી જીવ પાછો સિસોટીમાં ગાયન વગાડવા મંડી ગયો. રાજાના દૂત કહે, ‘‘ભાઈ, તું ખરેખરો સુખી માણસ છે. એક મહેરબાની કર. તું પહેરણ તો પહેરતો જ હશે. કહે, તારું એ પહેરણ કયાં છે ? ફક્ત એક રાત માટે તું એ અમને ઉછીનું આપ. એના બદલામાં તું જે માગે તે અમે તને આપીશું.’’
‘‘પણ મારા સરખા ગરીબનું પહેરણ તમને શા કામમાં આવશે ?’’
‘‘ભાઈ, એ પહેરણ ખુદ રાજા માટે જોઈએ છે. કોઈ સુખી માણસનું પહેરણ રાજા જો એક રાત પહેરી રાખે તો તેમનો રોગ મટી જાય એમ હકીમે કહેલું છે.’’
આ સાંભળીને પેલો ખડખડાટ હસી પડ્યો ને બોલ્યો, ‘‘ઓહો, એમાં તે શી વાત છે ? રાજાને મારું પહેરણ કામમાં આવતું હોય તો એ આપવામાં મને શાનો વાંધો હોય ? પણ લાચાર. મારી પાસે પીઠ ઢાંકવા બાંડિયું સરખું નથી. તો પહેરણ તો હોય જ ક્યાંથી ? કામ લાગે તો મારી આ પોતડી આપું તે લઈ જાઓ. હું લંગોટીથી ચલાવી લઈશ.’’
એ સાચું કહેતો હતો. એની પાસે પહેરણ હતું જ નહિ. પછી એ શું આપે ?
પેલા દૂતોએ જઈને આ વાત તરત રાજમહેલમાં કહી.
‘‘રાજાજી, અમે સુખી માણસને શોધી કાઢ્યો છે.’’
‘‘તો એનું પહેરણ ક્યાં છે ? લાવો.’’
‘‘એનું પહેરણ તો નથી લાવ્યા.’’
‘‘કેમ ?’’
‘‘એની પાસે પહેરણ હતું જ નહિ પછી કેમ કરીને લાવીએ ?’’
એમ કહીને દૂતોએ તમામ વાત રાજાને કહી સંભળાવી. રાજાએ તરત મહેલની બારી ઉઘાડી નાખી. નીચે નજર કરે છે તો પેલો ભિખારી બગીચાના ઘાસ પર, ગીત લલકારતો, આનંદમાં પડેલો છે, તે ખરેખર સુખી જણાતો હતો. બગીચામાંથી વહી આવતો મીઠો પવન એના ફક્કડ સુખી જીવનનો સંદેશો લઈ આવતો હતો.
રાજાને થયું, ‘‘આ તે કેવું ? એને પહેરવા પૂરાં વસ્ત્ર પણ મળતાં નથી. ખાવાનું અન્ન પણ એ જેમ-તેમ કરીને મેળવે છે, અને છતાં એ સુખી છે ! ને હું આવો મોટો રાજા હોવા છતાં સુખી નથી. એ મહેનત કરીને રોજી મેળવે છે ને આનંદમાં રહે છે. હું તો કંઈ પણ કર્યા વગર રાજ્યની તિજોરીનાં નાણાં ઉડાવું છું; છતાં બદલામાં મારી પ્રજાના ભલા માટે હું કંઈ જ કરતો નથી. મારું એદીપણું એ જ મારી માંદગીનું ખરું કારણ છે. બસ, આજથી ખોટા એશઆરામ હરામ છે.’’
એમ વિચારી રાજાએ તે દિવસથી માંદગીનો ખાટલો છોડી દીધો ને રાજકાજમાં મન પરોવ્યું તથા સાચા દિલથી પ્રજાની સેવા કરવા માંડી. હવે એનો સમય કામમાં ને આનંદમાં વીતવા લાગ્યો. ત્યાર પછી પોતે દુ:ખી કે માંદો છે એવું એને કદી પણ લાગ્યું નહિ.
રા.ના.પાઠક