મહત્વ વાંચનનું અને તેના પાચનનું
સામાન્ય રીતે બાળક પહેલા ધોરણમાં શાળામાં પ્રવેશ મેળવે ત્યારથી અક્ષરો ઓળખવાનું શરૂ કરે છે. અક્ષરો ઓળખતાં શીખે પછી શબ્દો વાંચવાનું અને ત્યારબાદ વાક્યો વાંચવાનું શીખે છે. વાક્યોના વાંચનથી વિદ્યાર્થીની વાંચનયાત્રા શરૂ થાય છે. સામાન્ય રીતે આ વાંચનયાત્રા પાઠ્યપુસ્તકો કે સંદર્ભ પુસ્તકો પૂરતી જ સીમિત રહે છે. અભ્યાસક્રમમાં છે તેવાં પુસ્તકો વિદ્યાર્થી વાંચે છે અને નવરાશના સમયમાં ફરવા જવું, ટી.વી. જોવું, રમવું, મિત્રો સાથે વાતો કરવી વગેરેમાં સમય પસાર કરે છે. પાઠ્યપુસ્તકો સિવાય પણ બીજાં કેટલાંક પુસ્તકો છે કે, જેનાં વાંચનથી વિદ્યાર્થીને પ્રેરણા મળી શકે છે, અને પોતાના જીવનનું ઘડતર થઈ શકે છે. આવાં પુસ્તકો શાળા-કોલેજની લાઇબ્રેરીમાંથી મળી શકે.
આજના માતા-પિતાનું વલણ મોટાભાગે પોતાનું બાળક પરીક્ષાલક્ષી વાંચે તે જ હોય છે. અલબત્ત, ભણવામાં ઉપયોગી પુસ્તકો અચૂક વાંચવા જ જોઈએ, પરંતુ ભણતર પૂરૂ કર્યા બાદ પણ જીવનની અનેક પરીક્ષાઓમાંથી માણસે પસાર થવાનું આવે છે અને આ પરીક્ષા એટલે જીવનના જુદા-જુદા તબક્કાઓ દરમ્યાન માણસે કેવી રીતે વર્તન કરવું તે છે. આ માટે ભણતાં ભણતાં અન્ય પુસ્તકો પણ અચૂક વાંચવા જોઈએ.
આદર્શ સમાજની રચના ત્યારે જ થાય, જ્યારે સમાજની દરેક વ્યક્તિ આદર્શ આચરણ કરે, આદર્શ આચરણનાં ગુણો મહાપુરૂષોના જીવન ચરિત્ર્યના વાંચનથી જીવનમાં ઉતરે છે. આ માટે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, રવિન્દ્રનાથ ટાગોર, મહર્ષિ અરવિંદ, દયાનંદ સરસ્વતી વગેરે મહાપુરૂષોનું જીવનચરિત્ર્ય વાંચવું જોઈએ. મહાપુરૂષોના જીવન ચારિત્ર્યની સાથે-સાથે આપણી આઝાદીના અમરપુત્રો, સ્વાતંત્ર સંગ્રામની લડત, ભારતનો પ્રાચીન વારસો પણ અચૂક વાંચવો જોઇએ. દરેક વ્યક્તિએ પોતાના ધર્મના ધર્મગ્રથનું તો અવશ્ય વાંચન કરવું જ જોઇએ. આ ઉપરાંત સમાજમાં સફળ થયેલી વ્યક્તિઓની સાફ્લ્યગાથાઓ વાંચવાથી સફળ વ્યક્તિઓના જીવનમાં આવેલી મુશ્કેલીઓ, સંઘર્ષ અને તેમાંથી તેઓ કેવી રીતે સફળ થયા તે જાણવા મળે છે.
બાળપણમાં વિદ્યાર્થીએ સંસ્કાર સિંચન થાય તેવી વાર્તાઓ વાંચવી જોઇએ અને પોતાનાથી નાના વિદ્યાર્થીઓને કહેવી પણ જોઈએ. શાળામાં જે શિક્ષક પાસે અભ્યાસક્રમ સિવાયના જ્ઞાનનો ખજાનો જેવો કે વાર્તા, સામાન્યજ્ઞાન, વિશ્વની સામાન્ય જાણકારી વગેરે ઓછું હોય છે તેવા શિક્ષકોને વિદ્યાર્થીઓ જલદી ભૂલી જાય છે, પરંતુ જે શિક્ષક અનેક બાબતોની જાણકારી ધરાવે છે અને આ જાણકારી વિદ્યાર્થીઓને આપે છે તે શિક્ષકને પોતાના વિદ્યાર્થીઓ સદાય યાદ કરે છે. વાંચનની ટેવ ધરાવતી વ્યક્તિની વિચાર કરવાની ક્ષમતા વધુ હોય છે. વાંચન પ્રક્રિયાથી વિચાર પ્રક્રિયા મજબુત બને છે. ઘરમાં પણ માતા-પિતા સહિત દરેક સભ્યએ સારાં પુસ્તકો વસાવી વાંચવાં જોઈએ. જેમ જીવન ટકાવી રાખવા ખોરાક્નું મહત્વ છે તેમ વાંચન એ મગજનો ખોરાક છે. પોતાના મગજને, પોતાના મનને અને પોતાના આત્મબળને મજબુત બનાવવા માટે સારૂ વાંચન અનિવાર્ય હોવાથી રોજ વાંચન થવું જોઈએ. વાંચન કર્યા બાદ સારી બાબતોનું જીવનમાં આચરણ થાય એટલે વાંચનનું પાચન થયું એમ કહેવાય. આપણે ત્યાં કહેવત છે કે – “ભણ્યો પણ ગણ્યો નહીં” એટલે કે વાંચન ખૂબ થયું, પણ માણસે આ વાંચનને અને ભણતરને જીવનમાં પચાવ્યું નહી માટે જે વાંચીએ તેમાંથી સારી બાબતો જીવનમાં ઉતારવી જોઈએ.
રાજ્ય સરકારે વાંચન પ્રક્રિયાને વેગ આપવા “વાંચે ગુજરાત”નો નવતર પ્રયોગ હાથ ધરેલો છે. વાંચન વિચારવા મજબૂર કરે છે અને વિચારવંત વ્યક્તિ જ વિકાસ સાધે છે.
મિત્રો “વાંચે ગુજરાત અભિયાન” હેઠળ દરેક વ્યક્તિ સારાં પુસ્તકો ઘરમાં વસાવે, જન્મદિને પોતાના મિત્રોને સારાં પુસ્તકો ભેટ આપે અને રાજ્યનો દરેક નાગરિક સારાં પુસ્તકો ખરીદે અને વાંચે તે ખૂબ જરૂરી છે. પુસ્તક ખરીદ્યા પછી કે ભેટમાં લીધા પછી પુસ્તક ન વાંચવું એ પુસ્તકના અપમાન બરાબર છે. એટલે ભેટમાં મળેલ પુસ્તક અચૂક વાંચવું, વાંચ્યા બાદ બીજાને વાંચવા આપવું અને વાંચેલું જીવનમાં ઉતારવું તો જ જીવન સાર્થક થયું ગણાય. ચાલો આપણે સૌ વાંચનનો ઉમદા સંકલ્પ કરી સ્વર્ણિમ ગુજરાતના નિર્માણમાં આપણું અમૂલ્ય યોગદાન આપીએ. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના દરેક અંકમાં આવતી વાર્તાઓનો ખજાનો અને શિક્ષણને લગતા લેખ આપને ખૂબ ઉપયોગી થશે.
- શ્રીમતિ જયંતિ એસ. રવિ