Tuesday, March 30, 2010

આજના વિદ્યાર્થીઓ અને રાષ્ટ્રપ્રેમ

ભારત એક મુક્ત રાષ્ટ્ર તરીકે આખા જગતમાં આગળ ધપી રહ્યું છે. આજના વિદ્યાર્થીઓને આજની પ્રગતિનો ઉચિત અંદાજ ન આવી શકે તે સંભવિત છે કારણ કે તેઓ બધા ભારતની સ્વતંત્ર પ્રાપ્તિ પછી જન્મેલા છે, અને ભારતીય સ્વતંત્ર સંગ્રામનો ઇતિહાસ જે રીતે સમજાવવો જોઈએ તેટલો સમજાવ્યો નથી. આપણા પાઠ્યક્રમની આ એક જ મોટી ક્ષતિ છે. ભારતીય સંગ્રામની અગ્નિશિખાઓમાં ભારતીય ગૌરવની ગાથાઓ ભભકી રહી હતી. વેદ અને ઉપનિષદ અને આપણી આધ્યાત્મક સંસ્કૃતિ વિષે એક નવી જાગૃતિ જન્મી ચૂકી હતી. ભારતીય તત્વજ્ઞાન, વિજ્ઞાન અને સંસ્કૃતિના અનેક બીજા પાસાં વિષે પણ જાગૃતિ ભારતની પ્રજાને એક નવી જ પ્રેરણા આપી રહી હતી. રાષ્ટ્રપ્રેમની જ્વાળા તે વખતે વિદ્યાર્થીઓમાં બળપૂર્વક વહી રહી હતી. આપણે ઈચ્છીએ છીએ કે, આજના વિદ્યાર્થીઓમાં પણ એ જાતની રાષ્ટ્રપ્રેમની જ્વાળા વહેતી રહે અને આખા શિક્ષણક્ષેત્રની મોટી જવાબદારી એ છે કે, આપણા પાઠ્યક્રમમાં એક એવું પરિવર્તન આવે કે આપણે આપણા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમનું સિંચન કરી શકીએ.

આ સંદર્ભમાં મારો એક નાનો અનુભવ મને શ્રદ્ધા આપે છે કે રાષ્ટ્રપ્રેમની ભાવના આપણા દેશમાં લોકોની નસોમાં હજુ પણ ચમત્કારિક શક્તિરૂપે વહી રહી છે. એક સિનેમા હોલમાં ચલચિત્રના આરંભમાં એકાદ જાહેરાત પછી જ્યારે આપણા રાષ્ટ્રગાનની એક ફિલ્મ ક્લિપ બતાવવામાં આવી અને અચાનક મને સાશ્ચર્ય આનંદ થયો કે બધા જ પ્રેક્ષકો અચાનક રાષ્ટ્રગાનના માનમાં ઊભા થઈ ગયા અને રાષ્ટ્રપ્રેમની એક લહેર આખા સિનેમા ગૃહમાં પ્રસરી ગઈ. આ અનુભૂતિથી મને એક આંતરિક વિશ્વાસ થઈ ગયો કે, રાષ્ટ્રપ્રેમને જગાડવાનો કાર્યક્રમ એટલો કઠિન નથી કે જેટલો નિરાશાવાદીઓ માને છે. પ્રયત્નની જરૂર છે, અને આપણે સંકલ્પ કરીએ કે આપણે પ્રયત્ન કરીશું જ અને એ પ્રયત્નમાં આપણે આખા રાષ્ટ્રમાં જે રાષ્ટ્રપ્રેમ સુષુપ્ત અવસ્થામાં જ્યાં-જ્યાં પડેલો છે ત્યાં-ત્યાં આપણે જાગૃત કરીશું.

ચાલો, આપણે આ દિશામાં ગંભીરતાથી વિચારીએ, અને શિક્ષકો, શિક્ષાવિદો અને વિદ્યાર્થીઓને જ આપણે આમંત્રીએ અને એમનાં સૂચનો માટે નિમંત્રણ આપીએ.

ભવિષ્યમાં આ વિષયપર લેખો અને પ્રેરકવિચારો પ્રસિદ્ધ કરીશું, અને 'ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી' આ વિષય પરત્વે જે યોગદાન આપી શકે તે યોગદાન આપવાનો પ્રયત્ન કરશે.

- શ્રીમતિ જયંતિ એસ. રવિ