Tuesday, April 12, 2011

મૃત્યુથી વૈરાગ જન્મ્યો


મૂળશંકર પર અત્યધિક સ્નેહ અને વાત્સલ્ય કરનાર એક ધાર્મિક અને વિદ્વાન કાકા હતા. (તેનું નામ અજ્ઞાત છે. કોઈ લેખકો માવજી નામ કલ્પિત અને અપ્રમાણિત બતાવે છે. પરંતુ તે સત્ય નથી.) મૂળશંકર સંવત્ ૧૮૯૯માં ઓગણીસ વર્ષનો યુવક હતો, ત્યારે તેના પરમ પ્રિય કાકા વિસૂચિકા-કોલેરાથી ગ્રસ્ત બન્યા.તેઓ મરણાસન્ન હતા. લોકો તેમની નાડી જોઈ રહ્યા હતા. કાકાએ મૂળશંકરને પોતાની પાસે બોલાવીને બેસાડ્યો. તેઓ મૂળશંકર તરફ જોઈને અશ્રુધારા વહાવી રહ્યા હતા. કાકાની આ અવસ્થા જોઈને તેનાથી રહેવાયું નહિ અને તે કરુણ ક્રંદન સાથે રડવા લાગ્યો. તેની આંખોમાંથી ગંગા-જમુનાની ધારા વહેવા લાગી. તે રડીને હીબકે ચડ્યો અને ક્યારેય પણ નહિ રડેલ એટલું રડતાં-રડતાં તેની આંખો સૂજી ગઈ.

મૂળશંકરના મનમાં શિવરાત્રિની ઘટના ઘોળાતી હતી. ત્યાં વહાલી બહેનને મોતનું ખપ્પર ભરખી ગયું. મોત એટલે શું? એવી હૈયામાં હલબલતી વિચારોની ઊથલ-પાથલ જ્યારે ઉફાણે ચડી હતી, ત્યારે પિતાથી પણ અધિક હેત કરનાર કાકાનો દેહાંત થયો. આ ઘટનાઓથી મૃત્યુનો ભેદ ઉકેલવા ઉફાણે ચડેલા વિચારો વધુ ઉભરાવા માંડ્યા અને મૃત્યુંજય બનવાના વિચારો ઊભરાઈને રેલે ચડ્યા.

શિવરાત્રિએ શિવદર્શનનો તણખો પેટાવ્યો. એ તણખાને મૃત્યુની ઘટનાઓએ વૈરાગ્યની હવા ફૂંકવા માંડી. એના ચિત્તમાં રાજકુમાર સિદ્ધાર્થની માફક વૈરાગ્યનો હુતાશન ભડભડવા માંડ્યો. વિરક્તિ કુંડમાં ધૃતની ધારાઓ પડી. મૃત્યુંજયના વિચારોની જવાળાઓ દાવાનળ બની ઊઠી. અમરપદની ધારાઓ વહેવા માંડી.

મૂળશંકરે પોતાના એ વિચારો માતા-પિતા સમક્ષ પ્રગટ કર્યા નહિ. પરન્તુ મિત્રો અને પંડિતોને અમર થવાના સાધન પૂછતાં યોગાભ્યાસ બતાવ્યો, અને તે માટે ગૃહત્યાગ કરવાનો વિચાર ધીરે-ધીરે પુષ્ટ થવા માંડ્યો. માતા-પિતાને તેની મનોદશાની જાણ થતાં તેઓ તેને વિવાહના બંધનથી બાંધી દેવાની તૈયારી કરવા લગ્યા. પરંતુ વિશ્વસનીય મિત્રો દ્વારા માતા-પિતાને સમજાવીને મૂળશંકરે વિવાહનો પ્રસંગ એક વર્ષ માટે રોકાવી રાખ્યો. ત્યારે મૂળશંકર વીસ વર્ષ પૂર્ણ કરીને એકવીસમા વર્ષની યુવાનીમાં પદાર્પણ કરી રહ્યો હતો.

મૂળશંકરે પિતા સમક્ષ વ્યાકરણ, જ્યોતિષ અને વૈદિક વગેરેના અધ્યયન માટે કાશી મોકલવા માટે પ્રસ્તાવ મૂક્યો. પરંતુ માતા-પિતા અને કુટુંબીજનોએ તેની સંમતિ આપી નહિ. કારણ કે આગલા વર્ષે વિવાહ કરવા માટે કન્યાનાં માતા-પિતા પણ ઉતાવળ કરી રહ્યાં હતાં. જેથી કહ્યું કે હવે કાશીમાં અભ્યાસ કરવાની જરૂર નથી અને ઘરે રહીને અભ્યાસ કરવા જણાવ્યું. જ્યારે મૂળશંકરે આગ્રહ રાખ્યો, ત્યારે હંમેશા પોતાના પક્ષમાં રહેનાર માતા પણ વિરુધ્ધ બની ગઈ કારણ કે તેને પુત્ર કાશી જઈને વૈરાગી બની જશે એવો ભય હતો. પિતા ગૃહકાર્યમાં સંલગ્ન કરવા તેને જમીનદારીનું કાર્ય સોંપવા ઈચ્છતા હતા પરંતુ મૂળશંકરે તેનો સ્વીકાર કર્યો નહિ.

મૂળશંકરે ટંકારાથી ત્રણ ગાઉ દૂર પોતાની જમીનદારીના ગામમાં એક વિદ્વાન પંડિત હતા તેની પાસે વિદ્યાધ્યયન માટે મોકલવા કહ્યું. તેમાં સંમતિ મળતાં તેની પાસે જઈને અભ્યાસ કરવા લાગ્યો. ત્યાં એક દિવસ તેમણે વાર્તાલાપમાં પોતે વિવાહ કરવા ઈચ્છતો નથી તેમ જણાવ્યું. તે પંડિતે તેના વિચારોની પિતાને જાણ કરતાં તેઓએ પુત્રને ઘરે બોલાવી લીધો અને વિવાહનો પ્રબંધ કરવા લાગ્યા. ત્યારે મૂળશંકરને એકવીસમું વર્ષ પૂરું થયું હતું. આ રીતે જ્યારે વિવાહની તૈયારી થઈ રહી હતી, એક મહિનામાં વિવાહ થવાનું નિશ્ચિત હતું, ત્યારે તેની પાસે ગૃહત્યાગ સિવાય અન્ય કોઈ વિકલ્પ હતો નહિ.