એક ગામ. નામ રેહા. એમાં વાડીઓ ઘણી. વાડીઓમાં ઝાડ ઘણાં. ઝાડમાં આંબા ઘણાં. ઉનાળે આંબા કેરીઓથી ઝૂમે ! ગામમાં મોટી વાડી સરપંચની.
સરપંચ છે માનજીબાપા. એ સૌના માનીતા. બાળકોના ખાસ !
એમનો એક નિયમ. પોતાની વાડીની કેરીનો પહેલો ફાલ પોતે ન ખાય. ઘરનાને ન ખાવા દે. ન નોકર-સાથીને ખાવાની છૂટ.
પહેલા ફાલના પાંચ કરંડિયા તો કોઈના નહીં.
એ લઈને બાપા બેસે ચોકમાં. ગામમાં કરે સાદ : “હાલો છોકરાઉં, ચોકમાં માનજીબાપા પાસેથી કેરી લઈ જાવ.”
સાદ સાંભળીને બાળકો દોડતા આવે. બાપા બધા બાળકોને બોલાવે. લગભગના તો નામ જાણે.
એ બોલાવે; માથે હાથ ફેરવે અને નાની નાજુક હથેળીઓમાં આપે રસદાર કેરી. બાળકો ખુશખુશાલ બાપા ખુશખુશાલ.
આપવામાં કેવો આનંદ છે?
લેવા કરતાં તો ઘણોય વધારે હો!
પણ -
એક ઉનાળે બાપા પડ્યા બીમાર.
હવે એમનાથી ન ચલાય કે ન બેઠા થવાય. ઘરનાને બાપાની ફિકર. બાપાનેય એક ફિકર.
શાની ફિકર તે જાણો છે?
કેરીનો પહેલો ફાલ વહેંચવાની જ તો !
માનજી બાપા નિયમ ન ચૂકે.
એમણે એક સવારે વાડીના સાથીને સાદ દીધો, સાથીનું નામ રામસંગ.
રામસંગ હતો નવસવો, જો કે ચીવટવાળો ખરો. ચીંધેલું કામ પૂરું કરીને જ છોડે એવો. રામસંગ આવ્યો.
બાપા: ‘રામસંગ’
રામ: ‘બોલો બાપા’
બાપા: ‘કેરીનો પહેલો ફાલ ઘેર આવી ગયોને?’
રામ : ‘હા, બાપા.’
બાપા: ‘તો દર વખતની જેમ એ વહેંચી નાખો.’
રામ : ‘ભલે, બાપા.’
બાપા: ‘ચોકમા બેસજો. વહેંચાઈ જશે.... ફડાકાબંધમાં.’
રામ: ‘હા, બાપા.’
બાપા: ‘સમજ પડીને કામની?”
રામ: ‘હા, બાપા, સમજી ગયો છું. ચિંતા ન કરશો.’
રામસંગ ગયો તેને કલાક થઈ, બે કલાક થઈ, બપોર થઈ. એ છેક સાંજે દેખાયો. સાથે હતું પૈસાનું પરચૂરણ-ચાર ખોબા જેટલું.
માનજી બાપા જાગતા જ હતા.
એમણે પરચૂરણ જોયું.
એમણે લાવનારનેય જોયો.
બાપા: ‘આવ રામસંગ, વહેંચવામાં ભારે આનંદ આવે, નહીં? પણ તને આટલી વાર કેમ લાગી?’
રામ: ‘વેચવામા મજા શું પડે? બાપા, હું તો તડકે શેકાઈ ગયો અને ઘરાક તો આવતું આવે. પછી તો ભાવ ઘટાડ્યો એટલે સાંજ સુધીમાં માલ વેચાઈ ગયો.
બાપાની આંખો ઝીણી થઈ.
રામસંગ મૂંઝાયો.
બાપાએ કહ્યું એક અને એણે કર્યું બીજું !
બાપા એ તરત સમજી ગયા. એમણે રામસંગને વાડીએ બીજા કામે મોકલી દીધો.
તમે પણ રામસંગની સમજફેર જાણી ગયા છો ને? રામસંગની સમજફેરથી બાપા ન ખિજાયા.
ખિજાવાથી થયું તે ન – થયું થોડું જ થાય છે, ભાઈ?
ભૂલને વગોવવી કે વલોવવી નહીં. ભૂલને સુધારી લેવી.
“હાથે સો સાથે. ધરમનું કામ જાતે કરવું સારું” એમ વિચારીને બાપાએ પરચૂરણ બાંધ્યું ધોતિયાને છેડે. ઘરનાએ રોક્યા તોય ભીંતને ટેકે બાપા પહોંચ્યા ચોકમાં. એ પૈસા ઘરમા તો વપરાય જ નહીં. એમણે રામસંગની ભૂલ સુધારવા ગામમાં ફેરવ્યો સાદ : “હાલો છોકરાઉં..... ચોકમાં માનજીબાપા પાસેથી દસિયું લઈ જાવ.”
સાદ સાંભળીને છોકરાં દોડતાં આવ્યાં.
બાપા એ બધાં બાળકોને નામથી બોલાવ્યા અને નાની નાજુક હથેળીઓમાં મૂક્યાં, દસ-દસ પૈસા-દસિયું !
બાપા બાળકોને કહેતા હતા : “કાલે આ ટાણે કેરી વહેંચાશે. આવી જજો... હોં !”
બાળકો ખુશખુશાલ.
ચોકમાં પાસે કાછિયાઓ કેરી વેચતા હતા, મોં ચઢાવીને !
એમની પાસેથી ઘરાકો ખરીદતા હતા, મોં ચઢાવીને !
ન કાછિયાઓ ખુશખુશાલ.
ન તો ઘરાકો ખુશખુશાલ.
વહેંચવાનો કેવો આનંદ છે !
વેચવા કરતાં તો ઘણોય વધારે હો !
અજમાવી જોજો....
- ઈશ્વર પરમાર
(શ્રેષ્ઠ બાળવાર્તાઓ)