નરેન્દ્રની નિર્ભયતા અને સમય સૂચકતા સૂચવતા એક–બે પ્રસંગો તેની કિશોરાવસ્થામાં જ બનેલા તે જોઈએ. એક વાર નરેન્દ્ર કેટલાક મિત્રો સાથે કોલકાતાના મેટિયા બુરજ પર ગયો હતો. નવાબનો પ્રાણીબાગ જોઈને હોડીમાં પાછા ફરતાં એક છોકરાને ઊલટી થઈ. તેથી હોડીવાળા તેની ઉપર ચીડાયા અને કહે કે ‘હોડી સાફ કરી નાખો.’ છોકરાઓએ બમણું ભાડું આપવા કહ્યું તો પણ હોડીવાળા ન માન્યા અને હોડી સાફ કર્યા વિના નીચે ઊતરવા દેવાની ના પાડી. આમ હોડીવાળા સાથે રકઝક ચાલતી હતી તે દરમિયાન નરેન્દ્ર હોડીમાંથી કિનારે કૂદીને રસ્તા ઉપર પહોંચ્યો. ત્યાંથી પસાર થતા બે અંગ્રેજ સોલ્ઝરને તેણે ભાંગી તૂટી અંગ્રેજીમાં બધી હકીકત જણાવીને પોતાના મિત્રોને મદદ કરવા વિનંતી કરી અને તેમનો હાથ ઝાલીને તેમને હોડી પાસે લઈ ગયો. ગોરા સોલ્ઝરોએ હોડીવાળાઓને ધમકાવ્યા અને છોકરાઓને ઉતારી મૂકવા હુકમ કર્યો. હોડીવાળાઓએ તુરત છોકરાઓને ઉતારી મૂકવા હુકમ કર્યો. પેલા બંને સોલ્ઝરો નરેન્દ્ર ઉપર ખુશ થયા અને તેને પોતાની સાથે નાટક જોવા આવવા કહ્યું. નરેન્દ્ર તેમનો આભાર માની પોતાના મિત્રો સાથે ઘેર ગયો.
એકવાર નવગોપાલની વ્યાયામશાળામાં સૌ મિત્રો મળીને એક ભારે હીંચકો ઊભો કરવાનો પ્રયત્ન કરતા હતા. રસ્તે જતા લોકોનું ટોળું છોકરાનું એ સાહસ જોઈ રહ્યું હતું. તેમાં એક અંગ્રેજ ખલાસી પણ હતો. નરેન્દ્રે તેની મદદ માગી. એ ઉત્સાહી કિશોરોના સાહસમાં સહાય કરવા તે ખલાસીને સખત વાગ્યું અને તે બેભાન થઈ ગયો. ઘડીભર તો સૌને એમ જ થયું કે ખલાસી મરી ગયો છે. નરેન્દ્ર અને એના એક બે દોસ્તો સિવાય સૌ ત્યાંથી નાસી ગયા. પરંતુ નરેન્દ્રએ હિંમત અને સમય સૂચકતાથી એ બેભાન ખલાસીના ઘા ઉપર પોતાના ધોતિયાનો છેડો ફાડીને મજબૂત પાટો બાંધી દીધો, તેના મોં ઉપર પાણી છાંટયું અને ધીમે ધીમે પવન નાખવા લાગ્યા. થોડી વારે ખલાસી ભાનમાં આવ્યો. મિત્રોની મદદથી એને ઉપાડી બાજુની એક નિશાળમાં લઈ ગયા. ત્યાં એક જાણીતા ડૉકટરને બોલાવીને તેની સારવાર કરાવી. સતત એક સપ્તાહ સુધી નરેન્દ્રે તેની સારવાર કરી. એ તદ્દન સાજો થયો ત્યારે મિત્રો પાસેથી ઉઘરાણું કરી, તેને પૈસા આપ્યા અને પ્રેમથી તેને વિદાય કર્યો.
લેખક: સ્વામી વિવેકાનંદ