મૂળશંકર એક દિવસ રાતે કુટુંબીજનોની સાથે ગામમાં નાચ અને ભવાઈનો વેશ જોવા ગયા હતા, ત્યારે એક નોકરે ઓચિંતા હાંફતા હાંફતા આવીને બહેનને વિસૂચિકા-કોલેરા થયાની જાણ કરી. આ શોકદાયક સમાચાર સાંભળીને બધા તરત જ ઘરે દોડી ગયા. ત્યાં પહોંચીને જોયું તો બહેન બેસુધ અને અવાક્ પડી હતી. તાત્કાલિક વૈધને બોલાવીને અનેક ઉપચારો કરવામાં આવ્યા. પરંતુ તેથી આરામ થયો નહિ અને ચાર કલાકમાં વહાલી બહેનનું મૃત્યુ થયું. જેથી બધાં લોકો શોકસાગરમાં ડૂબી ગયાં.
મૂળશંકરે આટલા નજીકથી મૃત્યુને સર્વ પ્રથમ જોયું હતું. જયારે એક બાજુ આખો પરિવાર રોકકળ, કરુણ ક્રંદન અને કલ્પાંત કરી હીબકાં ભરી રહ્યો હતો, આંસુઓ વહાવી રહ્યો હતો, ત્યારે મૂળશંકર બહેનની પથારી પાસેની દીવાલના ટેકે ગમગીન અને ભયભીત બનીને ઊભો હતો, તેના મનમાં મૃત્યુ એટલે શું? શું બધાને આ રીતે મરવું પડશે? શું હું પણ આ રીતે એક દિવસ મૃત્યુ પામીશ? શું આ શરીર ક્ષણભંગુર છે? પાણીના પરપોટા સમાન ચંચળ છે? કમળપત્ર પરના જલબિન્દુ સમાન છે? શું મૃત્યુથી બચવાનો કોઈ ઉપાય નથી? આવા પ્રશ્નોની શૃંખલા ચાલી.
મૂળશંકરનું મન વિચારોનાં વમળોમાં પવનના તોફાનથી સૂકા પાંદડાની માફક ઊડી રહ્યું હતું અને તે મૂર્તિની સમાન સ્તબ્ધ ઊભો હતો. તેના નેત્રમાંથી આંસુનું એક પણ ટીપું નીકળ્યું નહિ; જેથી પિતા, પ્રેમાળ માતા અને સગા-સબંધીઓએ તેને પથ્થર હૃદય કહ્યો અને ત્યાંથી દૂર જઈને સૂઈ જવા માટે કહ્યું. પરંતુ મૃત્યુના દ્રશ્યે ઘોર નિદ્રા લેનાર કિશોરને ભયભીત કરી દીધો હતો અને તે ભયથી ધ્રુજીને જાગી જતો હતો. કારણ કે મૃત્યુનો ભય તો વિદ્વાનોને પણ રહે છે. તેથી મહર્ષિ પતંજલિએ પણ કહ્યું છે: સ્વરસવાહી વિદુષોડપિ તથા રુઢો ડ ભિનિવેશ: ॥ (યોગદર્શન-૨ : ૯)
મૃત્યુ પછીના દિવસોમાં પણ રિવાજ પ્રમાણે સહાનુભૂતિ માટે આવતાં સગાં-સબંધીઓ પણ રડીને કલ્પાંત કરતા હોવા છતાં મૂળશંકર એક વાર પણ રડ્યો નહિ. જેથી બધા તેને ધિક્કારતા હતા. પરંતુ તે સદાને માટે રડવાથી બચવાનો ઉપાય શોધી રહ્યો હતો.
મૂળશંકરની સમક્ષ મૃત્યુની આ ઘટનાથી જેમ કાળમીંઢ શિલાને અથડાઈને નદીનો પ્રવાહ બદલાઈ જાય છે તેમ મૂળશંકર મૃત્યુ-કલેશથી છૂટવાના વિચારોના ચકરાવે ચડ્યો. તેના કિશોર હૃદયમાં વૈરાગ્યની ચિનગારી પ્રજળી ઊઠી. સદા – સર્વદા મૃત્યુના દુ:ખમાંથી મુક્ત થવાના ઉપાયની શોધમાં તેનાં રાત-દિવસ વ્યતીત થવા માંડ્યા,પરંતુ તેણે આ વિચારને કોઈની સામે પ્રકટ કર્યો નહિ.
લેખક: દયાલ મુનિ