Sunday, February 27, 2011
ભગવાનને આવું ગમે ખરું?
એક મોટું ગામ હતું, એની ઉત્તર તરફ મહેશનું ઘર અને એની શાળા. વચ્ચે મોટું મેદાન હતું જેમાં ગામના લગભગ બધા છોકરાઓ ક્રિકેટ, ગિલ્લી-દંડા અને ફૂટબૉલ જેવી રમતો રમતા, કોઈવાર ત્યાં સભાઓ પણ થતી અને કોઈ મોટા કાર્યક્રમો પણ થતા.
મહેશના ઘરની દીવાલની બહારની બાજુમાં હારબંધ વૃક્ષો હતાં. એમાં મોટા વિશાળ લીમડા ઉપર કાગડીનો માળો હતો. એમાં એનું બચ્ચું પણ હતું. એટલે ત્યાં કાગડી રહેતી હતી. ઘણીવાર અન્ય કાગડાઓ પણ, ત્યાં બીજાં પક્ષીઓની જેમ આવી કા...કા...કા... જેવો અવાજ કરતા. પરિણામે મહેશને એમ લાગતું કે આ કાગડાઓ મને ભણવામાં ખલેલ પહોંચાડે છે એટલે મહેશે જે કંઈ હાથમાં આવ્યું તે લઈ પક્ષીઓ તરફ ઊંચે ફેંકતો, આમ વારંવાર થવાથી કાગડી મહેશના વર્તનથી કંટાળી ગઈ હતી.
એક દિવસ કાગડીને એવો વિચાર આવ્યો કે આ છોકરો મને હેરાન કરી રહ્યો છે તો મારે કોને કહેવું ? પછી એને થયું કે એ જે શાળામાં જાય છે, ત્યાં એના સાહેબને જઈ જાણ કરું તો ?
બીજે દિવસે દસેક વાગે મહેશ શાળાએ જવા નીકળે છે એથી એ કયા વર્ગમાં જાય છે એનું ધ્યાન એ કાગડીએ રાખ્યું અને શાળા શરૂ થવાનો બેલ વાગ્યો. પ્રાર્થના પૂરી થઈ, હાજરી પણ લેવાઈ ગઈ અને પછી જ્યારે સાહેબ વર્ગના વિદ્યાર્થીઓને પોતાનો ગુજરાતી વિષય શીખવવા ઊભા થયા અને શીખવવાનું શરૂ કર્યું કે તરત જ પેલી કાગડી મહેશ બેઠો હતો એ વર્ગની બારી પાસે જઈ કા.... કા.... કા....કરવા લાગી. બધાનું ધ્યાન ત્યાં ગયું. થોડીવાર પછી એ કાગડીએ ફરી ત્યાં જ કા.... કા.... કા..... કરવાનું શરૂ કર્યું. કેટલાક વિદ્યાર્થીઓ તો કાગડીને મારવા ઊભા થયા, તો સાહેબે તેઓને એમ ન કરવા જણાવ્યું. સાહેબે કહ્યું કે કેમ વારંવાર ખલેલ પહોંચાડે છે? “જા ભાગી જા,” છતાં કાગડીએ બોલવાનું ચાલુ જ રાખ્યું. સાહેબે કંટાળીને કાગડીને પૂછ્યું કે શું છે તારે? કેમ આજે આમ પરેશાન કરે છે?
કાગડીએ જવાબ આપ્યો કે સાહેબ, આપના વર્ગમાં પહેલી પાટલી ઉપર બેઠો એ મહેશ, મને સતત હેરાન કરે છે. વાત એમ છે કે મારો માળો એના ઘર પાસેના ઝાડ ઉપર છે, એમાં મારું બચ્ચું પણ છે. ક્યારેક અન્ય પક્ષીઓ મારા માળા ઉપર હુમલો કરે છે ત્યારે મારે તેઓને અવાજ કરી ભગાડવા પડે છે. વળી ક્યારેક ઓળખીતાં મળવા આવે છે ત્યારે અવાજ કરી સ્વાગત કરું છું અને એ વખતે એઓ પણ અવાજ કરી પ્રતિભાવ આપે છે એમાં મહેશનું જાય છે શું? એ મને જે-તે ફેંકી મારવા અને ભગાડવા પ્રયત્ન કર્યાં કરે છે. બાજુના મેદાનમાં છોકરાઓ સતત આખો દિવસ અવાજ કર્યા જ કરે છે તો એઓને મહેશ કેમ કાંઈ કહેતો નથી ? એટલે હું અહીં આવીને આપને બધા વચ્ચે જાણ કરું છું કે એને કહો કે મને પરેશાન ન કરે. જેથી મારું બાળક સલામત રહે. આપને તફલીફ પડી એ બદલ માફી માગું છું.
સાહેબે તરત જ મહેશને ઊભો કરીને પૂછ્યું કે “શું આ બાબત સાચી છે?” મહેશે જવાબ આપ્યો કે સાહેબ, એઓ ગમે તે કરતાં હોય પણ એમના જવાબથી મારા અભ્યાસમાં સતત ખલેલ પહોંચે છે. એટલે હું એને ઉડાડી મૂકવા પ્રયત્ન કરું છું.
જો મહેશ, સર્વ પશુ-પક્ષીઓ અને પ્રકૃતિ આપણી માફક એક જ કુદરતનું સર્જન છે. એ રીતે આપણે અંદરોઅંદર કોઈને પણ કોઈ પ્રકારે ખલેલ ન જ પહોંચાડાય. પ્રકૃતિ એટલે વનસ્પતિ જે ચાલી કે બોલી શકતી જ નથી. પશુ-પક્ષીઓ પણ, આપણી માફક જે-તે બોલી કે વિચારી શકતાં નથી તેમજ અન્ય બાબતોમાં પણ આપણી માફક પશુ-પક્ષી, વનસ્પતિ કે પ્રકૃતિ વિકાસશીલ નથી, તો પણ તે બધાં આપણને કેટલું બધું આપે છે એ તું જાણે છે? પહેલાં તો એ આપણને સહનશીલતા, મિત્રતા, પરોપકાર અને સ્વાશ્રય જેવા ઉમદા ગુણો વિશે પોતાનાં જીવન દ્વારા શીખવે છે. આપણે એમને મારીએ, ઘા કરીએ, કાપીએ કે તિરસ્કારીએ તો પણ એ આપણને કશું જ કરતાં નથી અને ઉપરથી છાંયો, લાકડું, ફળ, ફૂલ, સુગંધ વગેરે જીવનના અંત સુધી આપે છે. પશુઓ પણ દૂધ આપે છે. ભાર ખેંચે છે, ભાર ઊંચકે છે. પક્ષીઓ પણ એમનાં સુંદરતા, ટહુકો, નૃત્ય અને કલરવથી આપણને આનંદ આપે છે, છતાં પણ એ આપણી પાસેથી કશું જ જાતે માગતાં નથી. તેઓ કેટલાં સ્વમાની છે. શું આપણે બદલામાં એમને ક્શું આપીએ છીએ ખરાં ? કેટલાં સ્વાર્થી છીએ આપણે ?
શુ આપણે આવા પરોપકારી જીવોને ગમે તે રીતે નુકસાન પહોંચાડીશું ? તેમને મારીશું ? આવું આપણને શોભે છે ? સારું લાગે છે ? આવું ભગવાનને ગમતું હશે ખરું ?
મહેશ તરત જ વર્ગમાં ઊભો થાય છે અને આખા વર્ગ સમક્ષ કાગડીને કહે છે કે હવે આવું ક્યારેય નહીં થાય. આપ સૌ પડોશી તરીકે ફાવે ત્યાં સુધી રહી શકે છો. જે થયું તે અજાણતાં જ મારાથી થયું છે, એ બદલ હૃદયપૂર્વક માફી માગું છું.
કાગડી પણ ત્યાર બાદ વર્ગ સમક્ષ સાહેબનો અને મહેશનો આભાર માની પોતાના માળા તરફ ઊડી ગઈ.
લેખક- તથાગત પટેલ