Sunday, February 27, 2011

કાગળનું મહત્વ


મિતુ અને જીમી આજે શાળામાંથી ઉતાવળે પગલે ઘેર આવ્યા. ઘેર આવતાંની સાથે બંનેએ ઝટપટ હાથપગ, મોં સાબુથી ધોયા અને સ્વચ્છ ટુવાલ વડે સાફ કર્યા. તુરંત નાસ્તો કરીને આજે દરરોજની જેમ અડધો કલાક રમવા અને મોજ કરવાને બદલે દફતર ખોલીને લખવા બેસી ગયા. જીમીને પોતાનું ગૃહકાર્ય વધુ હોવાથી તે લખવામાં મશગૂલ હતી; પરંતુ મિતુ નોટબુકમાં થોડું લખતો અને અક્ષરો સારા ન આવતાં કાગળ ફાડી ડૂચો વાળી ફેંકી દેતો, ફરીવાર થોડું લખતો ને કાગળ ફાડી ડૂચો વાળી ફેંકી દેતો. આમ ને આમ દસથી પંદર કાગળના ડૂચાનો ઢગલો થઈ ગયો.
સંધ્યાનો સમય હતો. દાદા મંદિરે દર્શન કરી પરત ઘેર આવ્યા, બારણામાં પ્રવેશતાં દાદાના પગમાં કાગળનો ડૂચો આવી પડયો. દાદાએ નજર કરી તો મિતુએ કાગળ ફાડી ફાડીને ડૂચાનો ઢગલો કરેલો જોયો. આ જોઈ દાદાને નવાઈ લાગી.
દાદાએ વહાલથી મિતુના માથે હાથ ફેરવાતાં કહ્યું :....
બેટા : તું કેમ કાગળ ફાડી ફાડીને ફેંકે છે, મને કંઈ સમજાયું નહિ ? મિતુ : (ઊંચે જોયું) કહ્યું : શું કરું દાદા, આવતી ૨૬ જાન્યુઆરીના દિવસે અમારી શાળામાં સુલેખન સ્પર્ધા યોજવાની છે માટે સુંદર અક્ષરોના લખાણનો મહાવરો કરું છું, પણ સારા અક્ષર ન આવે ત્યાં સુધી આ કાગળ મને ગમતો નથી માટે હું ફાડી દઉં છું. દાદા : પણ બેટા, અક્ષરો સારા કાઢવા માટે પોતાની જાતે પ્રયત્ન કરવો પડે, એમાં વળી કાગળનો શું વાંક ? સારા અક્ષર કેવી રીતે કાઢવા એ હું તને પછી શીખવાડીશ પરંતુ આ પહેલાં મારે તમને કાગળ વિશેની વાત કરવી છે.
જીમી : હેં દાદા ! કાગળની તે કેવી વાત ! કાગળની તો કંઈ વાત હોય ? મિતુ : દાદા, જલદી કહો કાગળ વિશે શું વાત છે ? દાદા : બેટા, તમે જાણો છો કાગળનું શું મહત્વ છે ? મિતુ-જીમી : (હસતાં હસતાં) “લખવાનું” દાદા : નહીં, બેટાઓ નહીં. તો સાંભળો... આપણા રોજિંદા જીવનમાં મોટા પાયે કાગળનો ઉપયોગ કરીએ છીએ. જોકે ખૂબ ઓછા લોકો જાણતા હોય છે કે કાગળ કેવી રીતે બને છે. ભારતમાં ઈ.સ. ૧૦૦૦ના સમયે નેપાળમાંથી કાગળ બનાવવાનું શરૂ થયું હોવાનું મનાય છે. આપણા દેશમાં કાગળ બનાવવા માટે કાચા માલમાં વૉસ, સબાઈ,ઘાસ,હેમ્પ, પેપીરસ (પાણીમાં ઊગતી વનસ્પતિ), શણના ટુકડા, શેરડીના કૂચા, રદ્દી કાગળ, ઉપરાંત સોડિયમ સલ્ફેટ, ચુનો, ગંધક, ચીનીમાટી, કેલ્શિયમ સલ્ફેટ, કેલ્શિયમ કાર્બોનેટ જેવાં રસાયણો અને ટિટાનિયમ ડાયોક્સાઈડ અને કાગળને સફેદ બનાવવા માટે જસતના ઑકસાઈડનો ઉપયોગ થાય છે. તે ઉપરાંત ફટકડી, મીણના ઈમલ્ક અને રોઝીન આલ્કલીનો ઉપયોગ કાગળની આર માટે અને લખતી વેળાએ શાહી ન પ્રસરે તેમજ કાગળ મજબૂત રહે તે માટે સ્ટાર્ચ પણ વપરાય છે ત્યારે કાગળ તૈયાર થાય...
જીમી : પરંતુ દાદા, આ કાગળ બને છે કેવી રીતે ? દાદા : એ જોવા માટે આ વર્ષે શાળામાંથી પ્રવાસનું આયોજન થાય તેમાં કાગળ બનાવવાની ફેક્ટરીની મુલાકાત લેવા માટે હું તમારા આચાર્ય સાહેબને વિનંતી કરવાનો છું.
મિતુ-જીમી : ‘ખૂબ સરસ’ દાદા તમારું સૂચન યોગ્ય છે ! દાદા : પણ બેટાઓ, તમે ફેક્ટરી જોવા જશો ત્યારે જોજો... પરંતુ મારે તમને વાસ્તવિક વાત કરવાની તો બાકી છે. મિતુ-જીમી : કઈ પાછી વાત ! કાગળની ? દાદા : હા, મારાં વહાલાં બટુકડાંઓ, હા.
કાગળ સાથે જોડાયેલી ચોંકાવનારી વાસ્તવિકતા એ છે કે... જેમ કે એક વૃક્ષમાંથી કાગળની ૩૦૦૦ શીટ તૈયાર થાય છે. તેવી જ રીતે કાગળ ઉદ્યોગ માટે પ્રતિમાસ ૨૦,૦૦૦ વૃક્ષો, જ્યારે પ્રતિવર્ષે અંદાજે ૧,૨૦,૦૦૦ વૃક્ષો કાપવામાં આવે છે; પરંતુ તેની સામે એટલાંજ વૃક્ષોનું ઉત્પાદન ભાગ્યે જ થાય છે. જો દરેક વ્યક્તિ પોતે સમજી વિચારીને કાગળનો યોગ્ય ઉપયોગ કરે તો છેવટે તો તેનાથી પર્યાવરણની જાળવણી થાય છે. ત્યારે હવે આપણે જ નક્કી કરવાનું છે કે આપણે આપણા પર્યાવરણને બચાવવા કેટલા મદદરૂપ થઈ શકીએ.
મિતુ-જીમી: દાદા, હવે સમજાયું ‘કાગળ’ કેટલો અમૂલ્ય છે.
મિતુ: (હસતાં હસતાં) દાદા, માટે જ આ વર્ષે પતંગના ભાવ વધારે હતા.
જીમી: દાદા હું આવતી કાલે પ્રાર્થના સભામાં કાગળ વિશેની વાત કરીશ અને પર્યાવરણને બચાવવા માટે ‘૫ (પાંચ)’ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ કરું છું....
મિતુ : દાદા હું પણ હવે ગણિતના પ્રેક્ટિસ માટેના દાખલા હોય કે પ્રેક્ટિસ માટેનું ગૃહકાર્ય હોય હું સ્લેટમાં જ કરીશ....
જરૂર પૂરતો કાગળનો ઉપયોગ કરીશ અને મિત્રોને સમજાવીશ.
મિતુ, જીમી અને દાદા
“આ તો ભાઈ ગ્લોબલ વૉર્મિંગ સમજો ને વિચારો.”
“જે કરે કાગળનો કરકસરપૂર્વકનો ઉપયોગ.... તેનું નામ સુવર્ણ અક્ષરે લેવાશે કુદરતના ખોળે”

-જગદીશભાઈ મગનભાઈ પટેલ