Wednesday, April 27, 2011

Editorial

બાલ દોસ્તો,

શાળાઓમાં હવે વેકેશન છે. સ્કૂલે જવાનું નહીં, હોમવર્ક કરવાનું નહીં, એટલે તમને ખૂબ ખૂબ સમય મળતો હશે. પણ તમે કદી વિચાર્યું છે કે આ સમય કેટલો બધો કિંમતી છે ?

સમય જેટલી મૂલ્યવાન વસ્તુ આ વિશ્વમાં બીજી એક પણ નથી. કેમકે સમય જાય છે, તે કદી પાછો આવતો નથી. ધન સંપત્તિ ગુમાવી દીધી હોય તો મહેનત કરીને પાછી મેળવી શકાય છે. પણ સમય ગુમાવી દીધો, તો પછી એ ક્યારેય પાછો મેળવી શકાતો નથી. વળી સમયને પકડીને રાખી શકાતો નથી, એને તિજોરીમાં સાચવી શકાતો નથી અને નાણાંની જેમ મન પડે ત્યારે ને ફાવે તે રીતે પાછો વાપરી શકાતો નથી. એટલે આ અતિમૂલ્યવાન સમયને આપણે સાચવવો પડે છે. તો પ્રશ્ન એ થાય છે કે આ સમયને સાચવવો કેવી રીતે ?

સમયને સાચવવો એટલે સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો. પોતાની પ્રગતિ માટે, નવું નવું શીખવા માટે, બીજાઓને મદદ કરવા માટે તેનો ઉત્તમ ઉપયોગ કરવો, એ જ છે સમયની સાચવણી. નહીંતર સમય તો વહેતા પ્રવાહ જેવો છે, જેમ નદીનો વહેતો પ્રવાહ કોઈથી રોકી શકાતો નથી, અને ક્ષણ પહેલાં જે પાણી હતું, તે પછી હોતું નથી, એવું જ સમયનું છે. ક્ષણ પહેલાં જે સમય હતો, તે ક્ષણ પછી નથી હોતો. તમે કહેશો કે નદી પર બંધ બાંધીને પાણીના પ્રવાહને વહેતો અટકાવી શકાય છે. એ ખરું. પણ સમય પર બંધ બાંધીને તેને અટકાવી શકાતો નથી. એ મનુષ્યના હાથની વાત નથી. પણ મનુષ્યના હાથમાં એટલું તો જરૂર છે કે એ સમયનો પોતે ધારે તે રીતે ઉપયોગ કરી શકે. અને પોતે ઈચ્છે તે પ્રમાણે પોતાનું જીવન બનાવી શકે.

જેઓને જીવનમાં મહાન બનવું છે, ખૂબ પ્રગતિ કરવી છે, પોતાની શક્તિઓનો વિકાસ કરવો છે, તેઓ પોતાને આપેલા સમયની એક એક મિનિટનો ઉપયોગ કરી લે છે, દરેક મનુષ્યને સવારે તે ઉઠે છે ત્યારે ભગવાન તેને ૧૪૪૦ મિનિટથી ભરેલા બોક્સની ભેટ આપે છે. એમાં શાણા અને સમજદાર મનુષ્યો એક એક મિનિટનો એવો સુંદર ઉપયોગ કરે છે કે સમયના દેવતા પ્રસન્ન થઈને પોતે જ એ બોકસને અનેક બક્ષિસો- જેવી કે વિદ્ધતા, બુદ્ધિની તેજસ્વિતા, સામર્થ્ય, કીર્તિ, સન્માન, ચિત્તની પ્રસન્નતા, હૃદયની વિશાળતા વગેરે અનેક બક્ષિસોથી ભરતો રહે છે. તથા આ લોકો પોતે જીવનમાં જે ઈચ્છે તે મેળવતા રહે છે. પરંતુ કેટલાંક લોકોને, જેમને સમયની બિલકુલ કિંમત નથી હોતી અને ઉડાઉ પણે સમયને વેડફી દેતા હોય છે. તેમનું જીવન ખાલીખમ રહે છે અને પછી ગમે તેટલું આક્રંદ કરે પણ ગયેલો સમય પાછો આવતો નથી.

જીવન તો છે અપાર શકયતાઓથી ભરેલું, વિકાસ માટેનું ક્ષેત્ર. જીવનમાં રોજે રોજ નવું નવું શીખવાનું રહેવાનું હોય છે. સમય ભલે કોઈથી બંધાતો નથી, પણ જેવો દરરોજ નવું નવું શીખતા રહે છે, જેઓ પોતાના તથા અન્યના વિકાસ માટે સમયનો સતત ઉપયોગ કરતા રહે છે, તેમના પર સમયના દેવતા પોતે જ પ્રસન્ન થઈને તેમના જીવનની ઝોળીને પ્રગતિના આનંદથી છલાછલ ભરી દે છે.

તો બાલદોસ્તો, રજાઓમાં નવું નવું શીખીને સારાં સારાં પુસ્તકો વાંચીને, બીજાંઓને ઉપયોગી બનીને સમયના દેવતાને પ્રસન્ન કરીને, પ્રગતિના આનંદથી તમારા જીવનની ઝોળીને પણ છલકાવી દેજો.

શ્રીમતી જયંતી રવિ