Wednesday, February 17, 2010

બાપનાં વેણ – નાગરદાસ પટેલ


ધનંજયની મૂર્તિઓનાં ચારેકોર વખાણ થતાં. એનો જોટો કોઈ જગાએ શોધ્યોય ન જડે.

હમણાં જ જાણે બોલી ઉઠશે, એવી તો એ મૂર્તિઓ ઘડે. દૂરથી જોનાર એમ જ જાણે કે જીવતુંજાગતું માણસ બેઠું છે.
આખાયે દેશમાં એનો ડંકો વાગ્યો, પણ ધીરે ધીરે ઘડપણ એને ઘેરી લીધો. એનાં પાંગોઠાં ચાલતાં બંધ થયાં. પણ કોઈનું કાંઈ અડી રહે છે ! એનાથીયે સવાયો એનો દીકરો હતો, એનું નામ રાયમલ.

બાપના કરતાંયે રાયમલની મૂર્તિઓ બહુ સુંદર ઉતરતી. પ્રતિમાઓ જાણે આબેહૂબ.

રાજાજીની પ્રતિમા રાયમલે તૈયાર કરેલી, તેની પાસે રાજાજી ઉભા ત્યારે સૌ ભૂલાં પડ્યાં કે રાજાજી કયા ને પ્રતિમા કઈ ! પણ ધનંજયની ચકોર આંખ રાયમલની એ નિપુણ કળાની કારીગરીમાંયે કાંઈને કાંઈને ભૂલ શોધી કાઢતી. એ રોજ રાયમલને ટોકતો.

બાપનાં વેણ રાયમલને બહુ વસમાં લાગતાં. એને ધગશ રહેતી કે કોઈ પણ રીતે સારું કામ કરું ને બાપ પાસેથી વાહવાહ કહેવરાવું. પણ જેમ જેમ રાયમલ સારું કામ કરતો ગયો તેમ તેમ ધનંજયની આંખની ચકોરાઈ વધતી ચાલી. એને કાંઈ ને કાંઈ ભૂલ નજરે ચઢતી.

દુનિયા આખી રાયમલનાં બેહદ વખાણ કરતી. રાયમલ એ સાંભળીને ખૂબ ફુલાતો પણ બાપનાં વેણ યાદ આવતાં એના પેટમાં ચિરાડો પડતી.

ગામ જવાનું બહાનું કાઢી તે એક ભોંયરામાં ભરાયો ને છ માસની મહેનતને અંતે કળાના સુંદરમાં સુંદર નમૂનારૂપ મૂર્તિ એણે તૈયાર કરી. એણે તે એક સ્થળે દટાવી અને ગોઠવણ કરી કે એના કોઈ મિત્રને દેવી સ્વપ્નું આપે અને તે મુજબ તે અમુક જગ્યાએથી ખોદીને પેલી મૂર્તિ બહાર કાઢે.

એના મિત્રે પોતાના સ્વપ્નની વાત ફેલાવી અને મૂર્તિ ખોદાવી. લોકનાં ટોળેટોળાં તેને જોવા ઉમટ્યાં.
ધનંજય પણ બેળે બેળે લાકડીને ટેકે ત્યાં આવ્યો ને મૂર્તિને જોઈ ઘણો જ ખુશી થઈ ગયો. મૂર્તિની કળા ને તેજ ઉપર તેની આંખ ઠરી રહી. એણે રાયમલને કહ્યું.

‘દીકરા ! આનું નામ તે કળા ! જો કેવી સુંદર મૂર્તિ ઘડી છે. નહિ ખોડ, નહિ ખાંપણ, બસ. એનો ઘડનાર જીવતો હોત તો ફકીર થઈને પણ મારું સર્વસ્વ એને આપત.’

એની કળાની કદર બીજું કોણ કરે?

ધીરે રહીને રાયમલ બોલ્યો : ‘બાપુ ! એ મૂર્તિકાર તે હું જ.’ અને પોતે કરેલાં એંધાણથી ડોસાની ખાતરી કરી આપી.
કપાળે હાથ લગાડીને ડોસાએ કહ્યું : ‘રાયમલ, દીકરા ! આવી સારી મૂર્તિ હવેથી તું ઘડી શકીશ જ નહિ. જ્યાં સુધી હું ભૂલ કાઢતો ત્યાં સુધી સારું કામ કરવાની તારા દિલમાં ધગશ હતી અને તેથી તારી કળા ખીલતી હતી. હવે તને હૈયે ટાઢક વળી ને એ ટાઢકને લીધે તારી ધગશ ઠંડી થઈ જશે.’ અને પછી રાયમલ એના કરતાં સારી મૂર્તિ ઘડી શક્યો જ નહિ. હૈયાની ટાઢાશે એની ધગશ ઠંડી પડી ગઈ.

બાપનાં વેણ કડવાં કે મીઠાં?